જામનગરની કોવિડ હોસ્પિટલમાં છબરડો: સરખા નામ વાળી બે મહિલાઓના મૃતદેહોની અદલા બદલી થઈ જતાં ભારે દોડધામ

  • May 18, 2021 11:45 AM 

પોલીસ તંત્ર વગેરેની મદદ લઇ  બંને મૃતદેહોને ફરીથી બદલીને પોતપોતાના પરિવારજનોને સોંપાયા પછી હાશકારો

જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલ માં એક જ નામ ની બે મહિલા ના મૃતદેહોની અડલાબદલી થઈ જતાં થોડા કલાકો માટે ભારે દોડધામ થઇ ગઇ હતી. આખરે મામલો સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું, અને પોલીસ વિભાગની દોડધામ પછી બંને મૃતદેહોની ફરીથી અદલાબદલી કરી પોતાના સ્વજનોને સોંપી દેવાયા પછી અંતિમ વિધિ થઇ હતી. તંત્રના આ છબરડાને લઈને ભારે દોડધામ મચી ગઇ છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં દાખલ થયેલી ભાવનાબેન જયેશભાઈ અસવા તથી ભાવનાબેન આરઠીયા કે જે બન્નેના મૃત્યુ થયા હતા, અને બંનેના મૃતદેહને જી.જી. હોસ્પિટલ ના મોરચરી વિભાગમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં સેવાભાવી સંસ્થા મોક્ષ ફાઉન્ડેશન દ્વારા મૃતદેહો ના અંતિમ સંસ્કાર ની વિધિ કરવામાં આવતી હતી.

પરંતુ સિક્યુરિટી વિભાગની મારકુટના કારણે સેવાભાવી સંસ્થા દ્વારા અંતિમ સંસ્કાર કરવા માટેનું કામ રોકી દેવામાં આવ્યું હતું. દરમિયાન મૃતદેહોની સોંપણીની કામગીરી તેમજ અંતિમ સંસ્કાર માટેની કામગીરી જી.જી. હોસ્પિટલના કોન્ટ્રાક્ટ બેઇજના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી, અને તેઓ દ્વારા એક ભાવનાબેન કે જે સલાયાના વતની છે તેમનો મૃતદેહ અન્ય પરિવારને સોંપી દેવાયો હતો જ્યારે બીજા ભાવનાબેન ના પરિવારજનો મૃતદેહ સ્વીકારવા આવ્યા ત્યારે તે મૃતદેહ પોતાના પરિવારના ભાવનાબેન નો ન હોવાનું જણાવ્યું હતું. જેથી મામલો સામે આવ્યો હતો, અને આખરે તંત્ર દોડતું થયું હતું.

ત્યારપછી પોલીસની મદદ લેવામાં આવી હતી, અને બે વાહનોમાં દોડધામ કરી મૃતદેહોની અદલા બદલી કરી જે તે પરિવારને સોંપી દેવામાં આવ્યા હતા અને આખરે મામલો થાળે પડ્યો હતો. બંને ભાવનાબેનના પરિવારે અંતિમવિધિ પૂર્ણ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS