રાજકોટ બસપોર્ટમાં ખુરશીઓ ઘટાડાઇ; મુસાફરોએ ગ્રાઉન્ડ ફ્લોર પર બેસવાનું અથવા તો ઉભા રહેવાનું

  • April 24, 2025 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દરરોજ ૧૨૦૦ બસ અને ૫૦ હજાર મુસાફરોની અવર જવર ધરાવતા રાજકોટ એસટી બસ પોર્ટમાં પ્લેટફોર્મ ઉપર બસની રાહ જોતા મુસાફરોને બેસવા માટે મુકેલી ખુરશીઓ ઘટાડવામાં આવતા હવે મુસાફરોને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બેસવા અથવા તો ઉભા રહેવા ફરજ પડી રહી છે, આ મામલે તાકિદે યોગ્ય કરવા મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા નિગમના મેનેજિંગ ડિરેક્ટરને રજુઆત કરાઇ છે.

વિશેષમાં મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના એમ.ડી.ને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે રાજકોટ એસટી બસપોર્ટમાં નિયમિત ૧૨૦૦થી વધુ બસોની આવન જાવન વચ્ચે હજારો મુસાફરોની અવર જવર રહે છે. એસટી બસપોર્ટમાં આમ પણ બેઠક વ્યવસ્થા ઓછી છે તેથી મુસાફરોને ફરજિયાત ઊભું રહેવું પડે છે અથવા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નીચે પલોઠી વાળીને બેસવું પડે છે. રાજકોટ એસટી બસપોર્ટમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના સંકલનના અભાવે જે બેઠક વ્યવસ્થા છે તે અપુરતી હોવા છતાં ૭૦થી વધુ બેઠક વ્યવસ્થા હટાવી દેવામાં આવતા મુસાફરોમાં રોષની લાગણી પ્રસરી છે. દાહોદ, ગોધરા, પંચમહાલ, ફતેપુરાના સૌથી વધુ એસ.ટી ને કમાઈને દેતા ગરીબ મુસાફરો માટે પ્લેટફોર્મ નં.૨૧ અને ૨૨ ઉપર એક પણ પંખો નથી અને કોઇ બેઠક વ્યવસ્થા પણ ન હોવાને કારણે મુસાફરોને કલાકો સુધી ભોયતળિયે બેસવું પડે છે. પ્લેટફોર્મ નં.૨૨ ઉપરનું પાણીનું પરબ હટાવીને સાઇડમાં જે રીતે પ્લેટફોર્મ નંબર પાંચ ઉપર છે તે રીતે કરવામાં આવે તો બેઠક વ્યવસ્થા પણ વધી શકે તેમ છે જે અંગે ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ એટીઆઈનું મૌખિક ધ્યાન વારંવાર દોરવા છતાં નક્કર કામગીરી કરવામાં આવી નથી. રાજકોટ બસપોર્ટના સીસી ફૂટેજ જોઈ અને કોન્ટ્રાક્ટર દ્વારા બેઠક વ્યવસ્થા હટાવી દેવામાં આવતા મુસાફરોને પડી રહેલી હાલાકી અંગે દંડનીય કાર્યવાહી થવી જોઇએ તેવી માંગ મુસાફર હિતરક્ષક સમિતિએ ઉઠાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application