સાવધાન : જો તમને દેખાય આ 5 ચિહ્નો તો હોય શકે છે ભૂસ્ખલનના સંકેતો, આ રીતે ટાળી શકાય છે મોટી જાનહાની

  • July 30, 2024 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​કેરળના વાયનાડમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે તબાહી મચી ગઈ છે. જેમાં 4 ગામો નાશ પામ્યા છે અને 60 લોકોના મોતના અહેવાલ છે. સેંકડો લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. આર્મીના જવાનો લોકોને એરલિફ્ટ કરી રહ્યા છે. વાયનાડમાં ભારે વરસાદને કારણે મંગળવારે સવારે 4 કલાકમાં 3 થી 4 ભૂસ્ખલન થયા, જેના કારણે મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝા કાટમાળ નીચે આવી ગયા. હાલમાં કેરળમાં સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું કહેવાય છે. પીએમઓએ ભારતીય વાયુસેના, નેવી અને આર્મી સ્ટેશનોને વાયનાડમાં બચાવ કામગીરી હાથ ધરવાનો આદેશ આપ્યો છે.


ભૂસ્ખલનને કારણે પરિસ્થિતિ આટલી ગંભીર બની જશે તેનો ભાગ્યે જ કોઈને અંદાજ હશે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ થાય છે કે શું પહેલાથી ભૂસ્ખલન થાય એ પહેલા કોઈ સંકેતો નથી મળતા? તો જાણો ભૂસ્ખલન પહેલાના આ પાંચ મોટા સંકેતો, જે સમજીને મોટી જાનહાની ટાળી શકાય છે અને જીવ બચાવી શકાય છે.


ભૂસ્ખલન પહેલા જોવા મળે છે આ પાંચ મોટા ચિહ્નો


  • જો લાકડું તૂટવાનો કે તિરાડ પડવાનો, પથ્થરો અથડાવાનો, જમીન હલવાનો અવાજ કે અન્ય અસામાન્ય અવાજો આવતા હોય અને જો આ અવાજો વધે તો ભૂસ્ખલનની શક્યતા રહે છે.

  • એવું કહેવાય છે કે ઝડપથી આવતા ભૂસ્ખલન જમીનમાં જોરથી ગડગડાટ અને કંપન ઉત્પન્ન કરે છે, જેનાથી એવું લાગે છે કે જાણે કોઈ માલગાડી પસાર થઈ રહી હોય. આ સ્થિતિમાં ભૂસ્ખલનની શક્યતાઓ વધી જાય છે.

  • આ સિવાય જો પાણીના પ્રવાહની નજીક હોવ તો પાણીનું સ્તર અચાનક બદલાવા લાગે છે. ખાસ કરીને લાંબા સમય સુધી વાવાઝોડા દરમિયાન અથવા પછી પાણીનું સ્તર બદલી જય છે.

  • ઇમારતનું તેના પાયાથી અલગ થવું અથવા પાયાથી દૂર જતી માટી એ પણ ભૂસ્ખલનની નિશાની છે.

  • બારીઓ કે દરવાજા તૂટવા અથવા દિવાલો, છત કે પાયામાં નવી તિરાડો દેખાવી એ પણ ભૂસ્ખલનના સંકેતો છે.


પરિવારને કેવી રીતે બચાવવો


જ્યારે પણ આવા સંકેતો મળે, તો તરત જ પરિવાર સાથે તે સ્થાન છોડી દેવું જોઈએ. પરંતુ આ ત્યારે જ કરો જ્યારે આવું કરવું સલામત હોય. જો ભૂસ્ખલનથી પ્રભાવિત બિલ્ડીંગમાં હોય તો તે ઈમારતના સૌથી ઉંચા માળે જાવ અથવા ભૂસ્ખલન પૂરું ન થાય ત્યાં સુધી કાઉન્ટરટોપ પર ચઢી જાઓ. અથવા જ્યારે પણ ભૂસ્ખલનના કોઈ ચિહ્નો દેખાય તો તરત જ સ્થાનિક અધિકારીઓને જાણ કરો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application