મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29'નું લોન્ચિંગ કરતા જણાવ્યુ કે, આ પોલિસી દ્વારા ગુજરાત દેશમાં ડેટા સેન્ટર સ્થાપના માટે બેસ્ટ ડેસ્ટિનેશન બનશે. મુખ્યમંત્રીએ કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વમાં વિશ્વના સૌથી મોટા ડેટા યુઝર અને ડેટા ઉત્પાદક દેશોમાં સ્થાન મેળવી રહ્યું છે. ડિજિટલ યુગમાં ડેટા સૌથી મહત્વપૂર્ણ અને પાયાની સંપત્તિ બની ગયો છે. ડેટા જ વિકસિત ભારતના આર્થિક વિકાસનો નવો આધાર બનીને ડિજિટલ અર્થવ્યવસ્થાને નવી દિશા આપી રહ્યો છે.
રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે તૈયાર કરેલી આ વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29નો લોન્ચિગ સમારોહ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જૂન મોઢવાડિયા, મુખ્ય સચિવ એમ.કે.દાસ તેમજ ઉદ્યોગ-વેપાર જગતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
મુખ્યમંત્રીએ આ સમારોહમાં જણાવ્યું કે ડિજિટલ ઈકોનોમી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન જેવા ઇમર્જિંગ સેક્ટર્સને નવી ગતિ મળી છે તેમજ વર્લ્ડ ક્લાસ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે વિશાળ તકો ઉભી થઈ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષના કેન્દ્રીય બજેટમાં દેશને ક્લાઉડ અને એ.આઈ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગ્લોબલ હબ બનાવવા માટે મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે. સાથે જ ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વૈશ્વિક કામગીરી માટે પ્રદાતાઓને 20 વર્ષનો ટેક્સ હોલીડે આપવામાં આવ્યો છે, તે આ ક્ષેત્રના વિકાસ માટે પ્રેરકબળ બનશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાત આજે દેશની ડિજિટલ વ્યવસ્થામાં મહત્વના પ્લેયર તરીકે ઉભરી રહ્યું છે. એ.આઈ. આધારિત ટેક્નોલોજીના ઝડપી વિકાસ સાથે સ્કેલેબલ ડેટા સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માંગ સતત વધી રહી છે. આ વધતી માંગને ધ્યાનમાં રાખીને તેમજ રાજ્યમાં ડિજિટલ ઇકોનોમીને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે આ 'વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29' અમલમાં મૂકી છે.
આ નવી પોલિસી દ્વારા રાજ્યમાં ક્લાઉડ સર્વિસિસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન, ઈ-કોમર્સ પ્લેટફોર્મ, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ્સ અને ડિજિટલ ગવર્નન્સ જેવી સેવાઓને વધુ સક્ષમ અને ગતિશીલ બનાવી શકાશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર લોંગ ટર્મ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કટિબદ્ધ છે, તે આ પોલિસીમાં સ્પષ્ટ જોવા મળે છે. વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી માત્ર રાજ્યના જ નહીં, પરંતુ દેશના ન્યુ જનરેશન ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આગામી સમયમાં આવી નવી ટેક્નોલોજી અને ઇનોવેશન રાજ્યના અર્થતંત્રનું બેકબોન સાબિત થશે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ.
નાયબ મુખ્યમંત્રી મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત ભરોસાની વૈશ્વિક બ્રાન્ડ બન્યું છે. સંઘવીએ દેશમાં સેમિકન્ડક્ટર અને ડેટા ક્ષેત્રે ભૂતકાળમાં મળેલી નિષ્ફળતાઓનો ચિતાર આપતાં જણાવ્યું હતું કે, ૧૯૭૬થી ૨૦૦૯ સુધી દેશમાં અનેક વચનો અને જાહેરાતો થઈ પરંતુ પ્રોજેક્ટ્સ જમીન પર ન ઉતરી શક્યા. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૧માં સેમિકન્ડક્ટર મિશન શરૂ થયું. માત્ર ૪ મહિનાના ટૂંકા ગાળામાં ગુજરાતે ૩થી વધુ સેમિકન્ડક્ટર ઓસેટ (OSAT) પ્લાન્ટના લોકાર્પણ કરીને પોતાની ક્ષમતા સાબિત છે.
ધોલેરાની ક્ષમતા વિશે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, માત્ર ધોલેરામાં જ પોલિસીની ક્ષમતા કરતાં બમણી ડિમાન્ડ છે, જેના પરિણામે ધોલેરા વિશ્વનું સૌથી મોટું 'ડેટા સેન્ટર સિટી' બનશે. ડેટા સેન્ટર સ્થાપવાની સાથે સાથે આગામી સમયમાં ધોલેરાને ગ્લોબલ કેપેબીલીટી સેન્ટર્સ (GCC)નું હેડક્વાર્ટર બનાવવાની દિશામાં પણ સરકાર સક્રિયપણે કામ કરી રહી છે. ધોલેરાની કનેક્ટિવિટી વધારવા ટૂંક સમયમાં જ નવું એરપોર્ટ કાર્યરત થશે અને અમદાવાદથી ધોલેરા વચ્ચે સેમી-હાઈસ્પીડ ટ્રેન પણ શરૂ થવા જઈ રહી છે.
ગુજરાત સરકારની વિશ્વસનીયતા એટલી મજબૂત છે કે પોલિસી આજે લોન્ચ થઈ છે, પરંતુ પોલિસીની ૭.૫ ગીગાવોટની ક્ષમતા સામે દેશ અને દુનિયાની લીડિંગ કંપનીઓએ તેના કરતાં બમણી ક્ષમતાની ડિમાન્ડ સાથેના રિક્વેસ્ટ લેટર્સ સરકારને મળી ચૂક્યા છે.
ડેટા સેન્ટરમાં વીજળી અને પાણીની જરૂરિયાત મહત્તમ હોય છે. આ પોલિસી હેઠળ ડેટા સેન્ટરોમાં વપરાતી કુલ ઉર્જામાંથી ૫૧ ટકા ઉર્જા ફરજિયાતપણે ગ્રીન એનર્જી જ વાપરવી પડશે. આ ઉપરાંત ખેડૂતો કે અન્ય ઉદ્યોગોના ભોગે નહીં, પરંતુ દરિયાના પાણીને મીઠું કરવા માટેના ડીસેલીનેશન પ્લાન્ટ પર ભાર મૂકીને પાણી પુરવઠો આપવામાં આવશે.
સરકારી પ્રક્રિયામાં વિલંબ નિવારવા માટે આગામી દિવસોમાં સ્ટેકહોલ્ડર્સ કન્સલ્ટેશન મીટિંગ યોજી રોકાણકારોને લેન્ડ પોકેટ્સ બતાવવામાં આવશે. ધોલેરામાં રોકાણ કરવા ઈચ્છતી કંપનીઓ માટે હેન્ડ-હોલ્ડિંગ કરવા અને ડે-ટુ-ડે પ્રક્રિયા સરળ બનાવવા સીનિયર નોડલ ઓફિસર્સની નિમણૂક પણ કરવામાં આવશે. અંતમાં સંઘવીએ વૈશ્વિક હાઇપરસ્કેલ તથા AI ક્ષેત્રના તમામ રોકાણકારોને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રિત કરીને ડેટા સેન્ટર ક્ષેત્રે ગુજરાત દેશભરમાં મોખરે રહેશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, નવી “વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી”ના પરિણામે ગુજરાત AI અને ડેટા સેન્ટર ક્ષેત્રે ગ્લોબલ લીડર બનશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતને કુલ ૧૦ ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટરના પ્રસ્તાવો મળ્યા છે. જેમાંથી ૮ ગીગાવોટ સુધીની ક્ષમતા વિકસાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે. આ માત્ર ડેટા સ્ટોરેજ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આ સમગ્ર દેશ અને દુનિયા માટે એક સંપૂર્ણ AI ઇકોસિસ્ટમ તૈયાર કરવાનો એક ભાગ છે.
મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, હવેનો સમય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગનો છે, જે નવી વિકસતી અર્થવ્યવસ્થાનો મુખ્ય આધારસ્તંભ છે. ગુજરાતે આ નવી ક્રાંતિમાં 'પ્રાઇમ મૂવર' બનવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. વૈશ્વિક પરિદ્રશ્ય અને વર્તમાન સમયમાં વૈશ્વિક ડેટા સેન્ટરની ક્ષમતાની સરખામણીએ ભારતે હજુ એક લાંબી સફર કાપવાની બાકી છે. આજે અમેરિકામાં અંદાજે ૫,૫૦૦ અને યુનાઇટેડ કિંગડમમાં ૫૦૦થી વધુ ડેટા સેન્ટર્સ છે, તેની સામે ભારતમાં માત્ર ૨૦૦ જેટલા જ ડેટા સેન્ટર્સ છે. અમેરિકાની ૩૦ ગીગાવોટ ક્ષમતા સામે ભારતની વર્તમાન ક્ષમતા માત્ર ૨ થી ૩ ગીગાવોટ છે અને આગામી પ્રોજેક્ટ્સને ગણતરીમાં લઈએ તો પણ આપણે 0૫ ગીગાવોટને પાર કરી શકતા નથી.
તેમણે જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક નીતિને આકાર આપવામાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વમાં વહીવટી તંત્રએ અભૂતપૂર્વ ઈચ્છાશક્તિ દર્શાવી છે. જેના પરિણામે આગામી ૧૦ વર્ષમાં ગુજરાત AI ઇકોસિસ્ટમનું પણ કેન્દ્ર બનવા સજ્જ છે. આ ક્ષેત્રે મોટા પ્રમાણમાં રોકાણ કરવા મંત્રી મોઢવાડીયાએ સૌ રોકાણકારોની અનુરોધ કર્યો હતો.
મુખ્ય સચિવ મનોજકુમાર દાસે “વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી”ને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ગેમ-ચેન્જર ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના યુગમાં મજબૂત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ કરીને ડેટા સેન્ટર્સના મહત્વને ધ્યાને રાખીને આ નીતિ બનાવવામાં આવી છે.
મુખ્ય સચિવે ઉમેર્યું કે, ડેટા સેન્ટર્સ માટે જરૂરી પુષ્કળ માત્રામાં પાણી અને વીજળીની જરૂરિયાત પૂરી કરવા ગુજરાત સજ્જ છે, કારણ કે રાજ્ય પાસે વિશાળ દરિયાકાંઠો અને સૌર-પવન ઉર્જા જેવા રિન્યુએબલ એનર્જીના વિપુલ સ્ત્રોત ઉપલબ્ધ છે. આ નવી પોલિસી દ્વારા ગુજરાતમાં અંદાજે રૂ. ૬ લાખ કરોડનું માતબર રોકાણ આવવાની અને મોટા પાયે રોજગારીની તકો ઉભી થવાની અપેક્ષા છે, જે વર્લ્ડ બેંકની વ્યાખ્યા મુજબ ગુજરાતને 'હાઈ-મિડલ ઇકોનોમી' તરીકે વધુ મજબૂત બનાવશે.
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ ડૉ. પી. ભારતીએ આ પોલિસીની વિશેષતાઓ વર્ણવી હતી. આ કાર્યક્રમમાં નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ટી. નટરાજન, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, ઇન્ડસ્ટ્રી લીડર્સ, રોકાણકારો, વિષય નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.
મૂડી સહાય
ધોલેરામાં સ્થાપિત પ્રોજેક્ટ માટે ૨.૫ ટકા મૂડી સહાય.(૧૦ વર્ષ સુધી) .
વ્યાજ સહાય
ટર્મ લોન પર ૪ ટકા સુધી વ્યાજ સહાય.
૧૦ વર્ષ સુધી ઉપલબ્ધ.
પ્રતિ વર્ષ રૂ. ૨૫ કરોડ સુધી સહાય.
વીજ દર સહાય
વીજ વપરાશ પર પ્રતિ યુનિટ રૂ. ૧ની સહાય.
૨૦ વર્ષ સુધી લાભ.
વીજ શુલ્ક
૨૦ વર્ષ સુધી ૧૦૦ ટકા વીજ શુલ્કની ભરપાઈ.
સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફી
૧૦૦ ટકા મુક્તિ.
SGSTની ભરપાઈ
નીચેના ખર્ચ પર ૧૦૦ ટકા સુધી SGSTની ભરપાઈ (નીતિની શરતોને આધીન):
પ્લાન્ટ અને મશીનરી
બિલ્ડિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર
ઓપરેશનલ સેવાઓ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કામગીરી માટેની સુવિધાઓ
વધારાનો FSI.
૭૦ ટકા સુધી ગ્રાઉન્ડ કવરેજની મંજૂરી.
પાર્કિંગ ધોરણોમાં રાહત.
રૂફટોપ ચિલર્સ સ્થાપવાની મંજૂરી.
મલ્ટી-લેવલ DG સેટ્સ સ્થાપવાની મંજૂરી.
૨૪×૭ પાણી પુરવઠો.
બે સ્વતંત્ર વીજ ફીડર દ્વારા વીજ પુરવઠો.
ઓપન એક્સેસ મારફતે વીજળી ખરીદવાની મંજૂરી.
પ્રથમ સબ-લીઝ પર વધારાનો પ્રીમિયમ કે ટ્રાન્સફર ચાર્જ નહીં
ગ્રીન અને ટકાઉ વિકાસ
કુલ વીજ વપરાશમાંથી ઓછામાં ઓછી ૫૧ ટકા વીજળી નવીનીકરણીય (ગ્રીન) ઊર્જામાંથી મેળવવી ફરજિયાત.
કેપ્ટિવ ડિસેલિનેશન પ્લાન્ટ માટે સહાય
મૂડી ખર્ચના ૨૦ ટકા સુધી સહાય, અથવા
પ્રતિ MLD રૂ. ૨ કરોડ, બેમાંથી જે ઓછું હોય.
નીતિનું માળખું
નીતિની અમલ અવધિ ૩ વર્ષ.
ઇન-પ્રિન્સિપલ મંજૂરી બાદ ૮ વર્ષ સુધી પાત્ર રોકાણ કરી શકાશે.
કુલ નાણાકીય પ્રોત્સાહનો *Eligible Fixed Capital Investment (EFCI)*ના ૭૫ ટકા સુધી મર્યાદિત.
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નોડલ વિભાગ તરીકે કાર્ય કરશે.
હાઈ પાવર્ડ કમિટી (HPC) અને સ્ટેટ લેવલ એમ્પાવર્ડ કમિટી (SLEC) દ્વારા અમલીકરણ અને મંજૂરી પ્રક્રિયાનું સંચાલન.
સિંગલ-વિન્ડો આધારિત ઓનલાઈન મંજૂરી અને પ્રોત્સાહન વ્યવસ્થા.
નીતિનું વ્યૂહાત્મક મહત્ત્વ
ગુજરાતને AI-સક્ષમ હાઇપરસ્કેલ ડેટા સેન્ટરનું રાષ્ટ્રીય કેન્દ્ર બનાવશે.
વૈશ્વિક ક્લાઉડ અને ટેક્નોલોજી કંપનીઓના મોટા પાયે રોકાણને પ્રોત્સાહન મળશે.
ક્લાઉડ કમ્પ્યુટિંગ, કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), ફિનટેક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને વેગ મળશે.
ક્લાઉડ એન્જિનિયરિંગ, સાયબર સુરક્ષા, ડેટા સેન્ટર ઓપરેશન્સ અને ડિજિટલ ટેક્નોલોજી ક્ષેત્રમાં ઉચ્ચ કૌશલ્ય આધારિત રોજગારીનું સર્જન થશે.
ડેટા સેન્ટર સેવાઓને "આવશ્યક સેવા"નો દરજ્જો આપવામાં આવશે, જેથી કામગીરીમાં અવિરતતા જળવાઈ રહે.