રાજકોટ ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી)એ આજે રાજકોટમાં એક મોટી કાર્યવાહી હાથ ધરીને સીજીએસટી વિભાગના સુપ્રીન્ટેન્ડન્ટ અને એક ખાનગી ટેક્સ કન્સલ્ટન્ટને રૂ.૨૦,૦૦,૦૦૦ની મસમોટી લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ સફળ ટ્રેપને પગલે સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ કેસની વિગત મુજબ, ફરીયાદી સામે સીજીએસટી કચેરીમાં જીએસટી ન ભરવા તેમજ ખોટા બિલ બનાવવા બાબતે એક અરજી કરવામાં આવી હતી. આ અરજીની પતાવટ કરવા અને કોઈ મોટો કેસ ન બનાવવાના બદલામાં સીજીએસટીનો સુપ્રીન્ટેન્ડન્ટ મુકેશકુમાર મનબોધ્ધ કુમારે શરૂઆતમાં રૂ.૨૫ લાખની માંગણી કરી હતી. જોકે, રકઝકના અંતે રૂ.૨૦ લાખ લેવાનું નક્કી થયું હતું અને આ રકમ એક ખાનગી ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ રમેશ કલોલીયાને સોંપી દેવા જણાવવામાં આવ્યું હતું. ફરીયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરીયાદના આધારે તા. ૨૮/૦૪/૨૦૨૬ના રોજ રાજકોટમાં એસટી બસ સ્ટેશન પાછળ આવેલા ક્રીએટીવ કોમ્પ્લેક્ષ ખાતે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન આકાશ કલોલીયાએ મુકેશકુમાર વતી ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૨૦ લાખની લાંચ સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે તેને દબોચી લીધો હતો. અધિકારીઓએ સ્થળ પરથી લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી છે. આ સફળ ટ્રેપ એસીબી પોલીસ ઇન્સ્પેકટર એ.એ. ખોખર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશનમાં મદદનીશ નિયામક જે.ડી. મેવાડાના સુપરવિઝન હેઠળ અને નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ એસીબીએ બંને આરોપીઓની અટકાયત કરી આગળની તપાસ તેજ કરી છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધની આ કડક કાર્યવાહીએ લાલચુ અધિકારીઓમાં ગભરાટ ફેલાવ્યો છે.