ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર ગત મોડી રાત્રે એક અત્યંત દર્દનાક અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. સાંગાણી ગામના પાટિયા પાસે ડામર ભરેલા ટેન્કર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે થયેલી ભીષણ અથડામણને પગલે બસમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 4 મુસાફરો બસની અંદર જ ફસાઈ જતાં જીવતા સળગી ગયા હતા, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, રાત્રે આશરે 1:30 વાગ્યાના સુમારે હાઈવે પર જઈ રહેલા ડામરના ટેન્કરનું ટાયર અચાનક ફાટ્યું હતું. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં તાત્કાલિક શોર્ટ સર્કિટ થયું અને જોતજોતામાં આખી બસ આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી.

અકસ્માત સમયે બસમાં 35 થી 40 મુસાફરો સવાર હતા. સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકોએ બહાદુરી બતાવી બસના કાચ તોડીને અનેક મુસાફરોને બહાર કાઢ્યા હતા. જોકે, ચાર કમનસીબ મુસાફરોને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે તેઓ ઘટનાસ્થળે જ 'કોલસો' થઈ ગયા હતા.

હાલમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. મૃતકોની હાલત એટલી ખરાબ છે કે તેમની ઓળખ માટે હવે DNA ટેસ્ટનો સહારો લેવામાં આવશે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



