બેડીમાં ગુન્હેગારના ગેરકાયદે ખડકાયેલા બંગલા પર બુલડોઝર

  • December 30, 2023 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રજાક સાઇચાના વધુ એક બંગલા સહિત પાંચ મિલ્કતોનો સર્વે શરુ...
જામનગરમાં બેડીબંદર રોડ પર ગરીબનગર આસપાસ કુખ્યાત  રજાક સાઇચાની સામે અનેક કેસો ચાલી રહ્યા છે ત્યારે તેની સામે લેન્ડગ્રેબીંગનો ગુનો પણ નોંધાયો છે ત્યારે આજે સવારે તેમના એક અદ્યતન બંગલાની પાડતોડનું કામ શરુ કરાયું છે, એટલું જ નહીં સરકારી જમીન ઉપર બીજા અન્ય પાંચ બંગલા બંધાઇ ગયા છે, તે અંગે કલેકટર કચેરી, કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા આજથી સર્વે શરુ કરી દેવામાં આવ્યો છે, આગામી દિવસોમાં આ મિલ્કતો સામે પણ તોડપાડની કાર્યવાહી થવાની સંભાવના નકારી શકાતી નથી. આજે અન્ય એક મોટા બંગલામાં પોલીસને સાથે રાખીને સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે, આ બીજો બંગલો સંપૂર્ણ ગેરકાયદેસર છે કે કેમ ? એ બધા મુદ્દા ચકાસવામાં આવી રહ્યા છે, આ પછી આ જ શખ્સની અન્ય પાંચ મિલ્કતો કે જે બેડીમાં જ છે, તેને પણ કાયદેસરતા છે કે નહીં ? તે ચકાસવામાં આવ્યા બાદ સમગ્ર રીપોર્ટ જિલ્લા કલેકટરને સુપ્રત કરવામાં આવશે અને બીજી મિલ્કતોમાં પણ જો કાંઇ ગેરકાયદે થયું હોવાનું સામે આવશે તો ઓપરેશન ડીમોલેશન આગળ પણ વધી શકે છે. આજે સવારથી જ તોડપાડનું મેગા ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે, જેમાં પોલીસ વડા, નાયબ પોલીસ વડા, ઘોડેસવાર પોલીસ અને અન્ય પોલીસનો કાફલો જોડાયો છે, લગભગ ૩૫૦૦ ફુટ જેટલા બાંધકામ પર બુલડર્ઝન ફેરવવાની શરુઆત કરી દેવામાં આવી છે. આ બંદોબસ્ત વખતે એસડીએમ, મામલતદાર તેમજ એસ્ટેટ શાખાના અધિકારીઓ પણ જોડાયા હતાં.

***
૩૦૬ના ગુના હેઠળ જેલવાસ હેઠળ રહેલાં આરોપી સામે લૅન્ડ ગ્રેબિંગનો પણ ગુનો નોંધીને પોલીસે કબજો લીધો: જિલ્લા પોલીસ સહિતનો મોટો પોલીસ કાફલો ઉતર્યો: કોર્પોરેશનના રપથી વધુ કર્મચારીઓ ઑપરેશનમાં જોડાયા: રજાક સાયચાએ રપ વર્ષ પહેલાં સરકારી ખરાબાની જમીન પર આખેઆખો બંગલો જ ખડકી દીધો હતો!: વધુ એક બંગલા સહિત પાંચ મિલ્કતોનો સર્વે

શહેરના બેડી બંદર રોડ ઉપર સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર રીતે ભવ્ય બંગલો બનાવનાર કૂખ્યાત રજાક નુરમામદ સાયચાના આ બંગલા ઉપર કોર્પોરેશન દ્વારા મજબૂત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ખૂદ જિલ્લા પોલીસ વડા અને એસડીએમ અને કોર્પોરેશનના અધિકારીઓ સહિતનો કાફલો જોડાયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં લઈને બેડી વિસ્તારમાં આ બંગલા નજીક ૧૦૦થી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, જિલ્લા કલેકટર બીજલ શાહે ગઈકાલે કોર્પોરેશન અને પોલીસને આદેશ કરીને કલેકટર કચેરી હસ્તકની સરકારી ખરાબાની જમીન પર થયેલું ગેરકાયદે બાંધકામ તત્કાળ તોડી પાડવા સૂચના આપવામાં આવી હતી. એક બંગલો તોડી પાડવામાં આવ્યો છે અને અન્ય એક બંગલા સહિત પાંચ મિલ્કતોનો સર્વે શરુ થયો છે.
આજ સવારથી મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી ઍસ્ટેટના મુકેશ વરણવા, સુનિલ ભાનુશાળી સહિતના અધિકારીઓનો કાફલો રજાક સાયચાના બંગલાને તોડી પાડવા પહોંચી ગયો છે, બે માળના બેડીમાં આવેલ આ ભવ્ય બંગલાને તોડી પાડવા બે જેસીબી, એક હિટાચી, કોર્પોરેશનના રપ જેટલાં અધિકારી-કર્મચારીઓ પણ જોડાયા છે. એટલું જ નહીં, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, સિટી એસડીએમ પરમાર, મામલતદાર અને ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના ૧૦૦ પોલીસ કર્મીઓનો કાફલો આ કાર્યવાહીમાં જોડાયો છે. આ બંગલો બે હજાર ફૂટની જગ્યામાં બનેલો હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે અને ૩પ૦૦ ફૂટથી વધુ બાંધકામ થયું હોવાનું કહેવાય છે અને આ બંગલાની કિંમત કરોડોની આંકવામાં આવી છે.અગાઉ પચ્ચીસે’ક વર્ષ પહેલાં સરકારી ખરાબાની જમીન ઉપર બેડી બંદર રોડ વિસ્તારમાં આ બંગલો બનાવી દેવામાં આવ્યો હતો અને આ સમગ્ર મામલે મોડા-મોડા પરંતુ સત્તાધિશો જાગ્યા ખરા અને આરોપી સામે સરકારી ખરાબાની જમીન પર બંગલો બનાવવા માટે લૅન્ડ ગ્રેબિંગના નવા કાયદા અનુસાર ગુનો પણ નોંધવામાં આવ્યો છે અને અન્ય એક કેસમાં જેલવાસ ભોગવી રહેલાં રજાક સાયચાનું પોલીસ દ્વારા આ લૅન્ડ ગ્રેબિંગના કેસ માટે જેલમાંથી કબજો પણ લેવામાં આવ્યો છે.તાજતરમાં એક શિક્ષિકાના આપઘાત પ્રકરણમાં રજાક જેલવાસ ભોગવી રહ્યો છે, જેનો ટ્રાન્સફર વૉરંટના આધારે કબજો લેવામાં આવ્યો છે અને સિટી ડીવાયએસપી આ અંગે તપાસ પણ કરી રહ્યાં છે.
આ દરમિયાન આજ સવારથી જ બેડી વિસ્તારમાં કોઈજાતનો અનઈચ્છનિય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેમાં સિટી ‘એ’, ‘બી’ અને ‘સી’ તેમજ એલસીબી-એસઓજીના અધિકારીઓ પણ આ બંદોબસ્તમાં જોડાયા છે.
જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સવાર સવારમાં પોલીસના ધાડેધાડા જોવા મળ્યાં છે. ગમે ત્યારે જેસીબીથી ગેરકાયદે બંગલો તોડવાની શરુઆત થશે.
અત્રે નોંધનિય છે કે, વર્ષો પહેલાં સલાયામાં તત્કાલિન પોલીસ વડા સતીષ વર્મા દ્વારા જામનગરના ઈતિહાસનું સૌથી મોટું ઑપરેશન ડિમોલિશન કરાયું હતું અને ત્યારે લગભગ કરોડોની કિંમતના અનેક ગેરકાયદે બંગલા તોડી પાડવામાં આવ્યા હતાં.
***
‘યુપી’ની ‘કૉપી’...?: હજુ તો આ શરુઆત છે: જામનગરમાં પણ ચાલશે ‘બૂલડોઝર બાબા’!
એક સમયે ‘માફિયા નગરી’ બનેલાં ઉત્તર પ્રદેશ એટલે કે યુપીને ગુંડામુકત બનાવવા માટે વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ગુનેગારોના બાંધકામ ઉપર બૂલડોઝર ફેરવવાની રણનીતિ બનાવવામાં આવી હતી, જે અંતર્ગત સેંકડો માફીયાઓના સપનાના મહેલ તોડી પાડવામાં આવ્યા હતાં. ગુજરાતમાં પણ તેનું અનુકરણ થયું હતું અને સૌપ્રથમ દેવભૂમિ દ્વારકાના બેટ ખાતે સંખ્યાબંધ ગેરકાયદે દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતાં. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, જામનગર શહેરમાં પણ કદાચ આ નીતિ અનુસાર ખાસ કરીને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અપરાધીઓના ગેરકાયદે બાંધકામો તોડી પાડવાનું નક્કી કરવામાં આવ્યું હોઈ શકે. આજે બેડીમાં એક બંગલાને તોડીને પ્રારંભ કરવામાં આવ્યો છે, અન્ય મિલ્કતોના સર્વે ચાલી રહ્યાં હોવાથી આ ઑપરેશન આગળ વધી શકે છે અને અંતરંગ વર્તુળોમાંથી મળતાં સંકેતો મુજબ જેટલાં પણ કૂખ્યાત ગુનેગારો છે એમની સ્થાવર મિલ્કતો અંગે વિગતો એકઠી કરવામાં આવી રહી છે. તમામ બાબતોનો સર્વે કર્યા બાદ જામનગરમાં પણ ‘બૂલડોઝર બાબા’ ધૂમ મચાવી શકે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે.
જો કે, એક બાબત ભારે આશ્ર્ચર્યજનક છે કે, આજે જે બંગલો તોડી પાડવામાં આવ્યો છે તે કહેવાય છે કે, રપ વર્ષ પહેલાં સરકારી ખરાબાની જમીન પર ખડકી દેવામાં આવ્યો હતો!
આટલાં લાંબા સમય સુધી કેમ કોઈને આ ગેરકાયદેસર બાંધકામ ધ્યાનમાં આવ્યું નહીં?! એ સવાલ સ્હેજે ઉઠે છે... કારણ કે, અઢી દાયકા સુધી કોઈ વ્યક્તિ સરકારી જમીન પર દબાણ કરી રાખે એ વાત નાનીસૂની નથી.
ખૈર... આખરે ગેરકાયદે બાંધકામ દૂર કરી દેવામાં આવ્યું છે, પરંતુ આ ઑપરેશન અહીં જ પૂરુ થઈ જાયએવું નથી, કારણ કે જામનગર જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ખાસ કરીને કૂખ્યાત અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અપરાધીઓના મિલ્કતોની વિગતો એકઠી કરી રહી છે, તેમાં જેટલી ગેરકાયદે મિલ્કત હશે તેના પર આગામી સમયમાં બૂલડોઝર ફરી શકે છે.
***
એસપી પ્રેમસુખ ડેલુએ અમદાવાદમાં પણ કૂખ્યાત શખસોના ગેરકાયદે બાંધકામ તોડ્યાં હતાં
બેડીમાં રજાક સાયચાના ગેરકાયદેસર ખડકાયેલા બંગલાને તોડી પાડવા આજ સવારથી ઑપરેશન થયું છે ત્યારે એ બાબત પણ પ્રકાશમાં આવી છે કે, અગાઉ અમદાવાદ શહેરમાં કૂખ્યાત શખસો અને ગુનાહિત માનસિકતા ધરાવતાં અપરાધીઓના ગેરકાયદેસર મકાન-બિલ્ડિંગ પર બૂલડોઝર ફેરવવાની શરુઆત એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા જ કરવામાં આવી હતી અને એમણે જામનગરમાં પણ હવે અપરાધીઓ સામે બૂલડોઝરનો શંખ ફૂંકી દીધો છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આજે જે શખસનો બંગલો તોડવાનું ઑપરેશન હાથ ધરાયું છે તે રજાક સાયચા અને તેના પરિવાર વિરુદ્ધ જામનગર જિલ્લામાં ખૂનની કોશિષ, રાયોટિંગ, વ્યાજ વટાઉ, સરકારી કર્મચારી પર હુમલો, મકાન પચાવી પાડવા, મારામારી, જાનથી મારી નાખવાની ધમકી, જુગાર, પ્રોહિબીશન જેવા અંદાજે પ૦ કરતાં વધુ ગુનાઓ નોંધાયેલા છે. કૂખ્યાત ગુનેગાર બનેલા રજાક સાયચા દ્વારા સરકારી જગ્યા પર ગેરકાયદે બંગલો બનાવીને કબજો કરવામાં આવ્યો હતો તેના પર બૂલડોઝર ફેરવીને પ્રેમસુખ ડેલુ દ્વારા જામનગર શહેર જિલ્લામાં પણ અપરાધીઓના ગેરકાયદે બાંધકામ તોડવાની યુપી ફેઈમ ઝૂંબેશ શરુ કરી દેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application