જામજોધપુર યાર્ડના પ્રમુખપદનો તાજ બ્રિજરાજસિંહને

  • December 21, 2023 01:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપપ્રમુખ તરીકે ચિમનભાઈ સાપરિયાની વરણી: પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય જેવા બે સિનિયરના હાથમાં હવે માર્કેટીંગ યાર્ડની કમાન

પૂર્વ ધારાસભ્ય અને સહકારી ક્ષેત્ર સાથે વર્ષોથી જોડાયેલાં બ્રિજરાજસિંહ જાડેજાની જામજોધપુર માર્કેટ યાર્ડના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે અને ઉપપ્રમુખપદે ચિમનભાઈ સાપરિયાને નિયુકત કરવામાં આવ્યા છે, આમ લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપના બે સિનિયર આગેવાનોને યાર્ડની કમાન સોંપવામાં આવી છે.
જામજોધપુર માર્કેટીંગ યાર્ડના પ્રમુખ પદે પુન: બ્રિજરાજસિંહ જાડેજા અને ઉપપ્રમુખ પદે ચીમનભાઈ સાપરીયાની વરણી કરવામાં આવી છે. જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં ભાજપનો દબદબો રહ્યો છે પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા ક્ષત્રિય અગ્રણી બ્રિજરાજસિંહ હેમતસિંહ જાડેજાની પ્રમુખ પદે તથા ઉપપ્રમુખ પદે પૂર્વ કૃષિમંત્રી અને કડવા પટેલ અગ્રણી ચીમનભાઈ ધરમશીભાઈ સાપરીયાની વરણી કરવામાં આવી છે.આ વરણીને તમામ સદસ્યોએ આવકારી શુભેચ્છાઓ પાઠવી છે.
અત્રે નોંધનિય છે કે, થોડાં દિવસો પહેલાં માર્કેટીંગ યાર્ડની ચૂંટણી થઈ હતી તેમાં બ્રિજરાજસિંહ જાડેજા બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતાં જ્યારે ચિમનભાઈ સાપરિયા સહિતના ભાજપ પ્રેરિત જૂથનો પરિણામમાં દબદબો રહ્યો હતો. એક તબક્કે યાર્ડની ચૂંટણીનો મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો, પરંતુ અંતે પરિણામો આવ્યા પછી વર્તમાન સત્તાધારીઓના હાથ લાંબા દેખાયા હતાં.
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જામજોધપુર પર ભારતીય જનતા પાર્ટીએ વિશેષ ફોકસ કર્યું હોવાનું દેખાય છે કારણ કે, વિધાનસભાની આ બેઠક હાલમાં આમ આદમી પાર્ટી પાસે છે, આ સંજોગોમાં માર્કેટ યાર્ડ સાથે જોડાયેલ વિશાળ ખેડૂત અને વેપારી વર્ગને પોતાની તરફ ખેંચવાના એક પ્રયાસના ભાગરુપે પણ ઉપરોકત બન્ને સિનિયર આગેવાનોની નિમણૂંકને જોવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application