જામનગરના પેરોલ ફર્લો સ્કવોર્ડનો લાંચીયા પોલીસમેન રીમાન્ડ પર

  • July 10, 2023 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુગારનો કેસ નહીં કરવા રુા. ૧૦ હજારની લાંચ માંગતા એસીબી ત્રાટકી : મકાનની ઝડતીની કાર્યવાહી : પોલીસબેડામાં ચકચાર

જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને જામનગર એ.સી.બી.ની ટીમે દસ હજારની લાંચ લેતાં ઝડપી લીધા પછી તેને એક દિવસના રિમાન્ડ પર લેવાયા છે, અને તેના મકાનની ઝડતી કરવામાં આવી છે. જોકે મકાનમાંથી માત્ર ૨૨,૦૦૦ની રોકડ મળી છે.
આ અંગેની વિગત મુજબ જામનગરના ફરીયાદી પર પંદરેક દિવસ પહેલા વર્લી જુગારનો કેસ આરોપીએ કરેલ હોય જે બાબતે આરોપીએ ફરીયાદી પર ફરીથી બીજો જુગારનો કેસ નહીં કરવા અને ફરીયાદીના પત્ની પર ખોટો કેસ નહીં કરવાના અવેજ પેટે ફરીયાદી પાસે રુા. ૧૦ હજાર લાંચની માંગણી પેરોલ ફર્લો સ્કવોડના હેડ કોન્સ. દોલતસિંહ હિંમતસિંહ જાડેજાએ કરી હતી, જો કે ફરીયાદી રુપીયા આપવા માંગતા ન હોય આથી એસીબીમાં ફરીયાદ આપી હતી જે અનુસંધાને શનિવારે સાંજે એસીબીની ટુકડીએ છટકુ ગોઠવીને પોલીસકર્મી દોલુભાને રુા. ૧૦ હજારની લાંચ લેતા જામનગરના મીગ કોલોનીના ખુણે રોડ પરથી પકડી લીધો હતો. પોલીસ લાંચ લેતા પકડાયા હોવાના સમાચાર વહેતા થતા પોલીસબેડા સહિતમાં ચકચાર મચી જવા પામી છે. આ કાર્યવાહી રાજકોટ એસીબી એકમના મદદનીશ નિયામક વી.કે. પંડયાના સુપરવીઝન હેઠળ જામનગર એસીબીના પીઆઇ એન.આર. ગોહેલ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડ ની ટીમમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ દોલુભા જાડેજાને જામનગર એસીબીની ટીમે રુા. ૧૦,૦૦૦ ની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લઈ તેની લાંચ રુશ્વત ધારા હેઠળ અટકાયત કર્યા પછી તેને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા, ત્યાં અદાલતે એક દિવસની રિમાન્ડની માંગણી મંજૂર કરી હતી.
જેના મકાનની ઝડતી કરવામાં આવી હતી. જોકે તેના મકાનમાંથી માત્ર ૨૨,૦૦૦ ની રોકડ રકમ મળી હતી. ઉપરાંત તેનું બેંક લોકર ન હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ એ.સીબી.ની ટીમ દ્વારા આ મામલે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application