કોરોના દર્દીઓની સારવાર માટે પોરબંદરની બન્ને સરકારી હોસ્પિટલ ફુલ 

  • April 27, 2021 05:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

નવા દર્દીઓ ખાનગી દવાખાનામાં કે બીજા જીલ્લામાં ચાલ્યા જાય તેવું બેનર લગાડી દેવાની અત્યંત વિકટ સ્થિતિ ઉભી થઇ 

પોરબંદરમાં બન્ને સરકારી કોવિડ હોસ્પિટલ ફુલ થઇ જતાં કોરોનાના નવા દર્દીઓની સારવાર હવે બન્ને સરકારી હોસ્પિટલમાં શકય નથી તેવું બેનર લગાડી દેવાયું છે અને પોરબંદરમાં એટલી હદે વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે કે, તંત્ર માટે પણ નવા દર્દીઓની સારવાર શકય નથી તેથી લોકોએ જ સ્વેચ્છાએ પોતાના સ્વાસ્થ્યની જવાબદારી અને તમામ તકેદારીઓ રાખવી જરી બની જાય છે. છેલ્લા અનેક દિવસોથી પોરબંદરની હોસ્પિટલ ખાતે સ્થાનિક તેમજ મોટી સંખ્યામાં બહારના દર્દીઓનો ભરાવો જોવા મળ્યો છે અને પરિસ્થિતિ એવી પણ ઉભી થઇ હતી કે, પગલુછણીયા ઉપર દર્દીને માથુ રાખીને ઓકસીજનનો બાટલો ચાલુ હોય તેવા સમાચાર પ્રાપ્ત થયા હતા. 


પોરબંદરમાં અત્યાર સુધી તંત્ર કોરોના સામેની લડાઇમાં સબ સલામતના દાવા કરતું હતું પરંતુ હવે સરકારી ભાવસિંહજી હોસ્પિટલના સીડીએમઓ કમ સિવિલ સર્જને હોસ્પિટલના દરવાજે એવું બેનર મારી દીધું છે કે, ભાવસિંહજી જનરલ હોસ્પિટલ અને જનરલ નર્સિંગ સ્કુલ એમ બન્ને ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ તમામ બેડ સંપુર્ણપણે ફુલ થઇ ગયા છે જેથી નવા દર્દીઓને વિનંતી છે કે, અન્ય ખાનગી દવાખાના અથવા તો અન્ય જીલ્લા ખાતે દાખલ થવા માટે પ્રયત્ન કરવા કે તબદીલ થવા વિનંતી છે.! આ પ્રકારનું બેનર મુકવા નો મતલબ એવો થયો છે કે, પોરબંદરમાં આરોગ્ય તંત્રએ દર્દીઓની સારવાર માટે હવે સક્ષમ નથી જો કોઇ જગ્યા થાય તો જ નવા દર્દીઓની ભરતી થઇ શકે. અને કોરોનાના દર્દીઓ ગરીબ હોય તો તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ શકે તેમ નથી અને બહાર ગામ પણ એવી જ પરિસ્થિતિ છે.

 

કલેકટરની સુચનાથી બેનર મુકયાનો સિવિલ સર્જનનો દાવો
પોરબંદરમાં સરકારી હોસ્પિટલના સિવિલ સર્જન કમ સીડીએમઓ પરમારે એવું જણાવ્‌યું હતું કે, ગઇકાલે કલેકટર મોદી સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્‌યું હતું જેમાં જીલ્લા કલેકટરે જ સુચના આપી હતી કે, બહારના જીલ્લાના દર્દીઓ પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવે છે જેના કારણે  સ્થાનિક કક્ષાએ દર્દીઓને હેરાનગતિ છે માટે આવો બોર્ડ મુકવાનું કહ્યું હોવાથી કલેકટરની સુચનાથી બોર્ડ મુકયાનું તેમણે જણાવ્યું હતું. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS