BREAKING NEWS

રાજકોટની કોર્ટને બોમ્બની ધમકી મળતા અફડાતફડી, જજીસ, સ્ટાફ, વકીલો, પક્ષકારોને તાત્કાલિક બહાર કાઢી આખું બિલ્ડિંગ ખાલી કરાવાયું

  • January 06, 2026 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં જામનગર રોડ ઘંટેશ્વર નજીક આવેલા નવા રાજકોટ જિલ્લા ન્યાય કોર્ટના બિલ્ડીંગને બોમ્બથી ઉડાવી દેવાની આજે 11:00 વાગે ઉઘડતી કોર્ટે ઇમેલથી ધમકી મળતા વકીલો, જજીસ, કોર્ટ સ્ટાફ, મુદ્દતે આવેલા પક્ષકારો વગેરેમાં નાસભાગ અને અફડાતફડી મચી જવા પામી હતી. તેમજ તાત્કાલિક આવી પહોંચેલી બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ સહિતની પોલીસ ટુકડીઓની તપાસના અંતે કશું વાંધાજનક નહીં મળતા હાશકારો અનુભવાયો હતો.

આ અગાઉ ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ રાજકોટના નવા કોર્ટ બિલ્ડિંગ સહિત અન્ય કોર્ટને પણ ઉડાવી દેવાની વારંવાર ધમકીઓ મળી હતી. આથી મોટે ભાગે દર માસે રાજકોટના કોર્ટ બિલ્ડીંગની બોમ્બ સ્કવોડ અને બોબ સ્કવોડ દ્વારા રેગ્યુલર તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ સોમનાથની મુલાકાતે આવી રહ્યા છે તેવા ટાંકણે જ આજે સવારે 11:00 વાગે ઉઘડતી કોર્ટે રાજકોટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ઓફિશિયલ ઇમેઇલ આઇડી ઉપર ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બ મુકવામાં આવ્યો હોવાની અને તે ૧.૫૫ વાગે ફુટશે એવી ધમકી મળતા જ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ જે. આર. શાહે તત્કાળ તમામ જ્જીસ, જ્યુડિશિયલ ઓફિસરો સહિત કોર્ટ સ્ટાફ, વકીલો તેમજ કોર્ટમાં મુદતે આવેલા પક્ષકારોને તાત્કાલિક કોર્ટ બિલ્ડીંગની બહાર નીકળી જવા સુચના આપી દીધી હતી. બીજી તરફ પોલીસને જાણ કરતા બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, બોમ્બ સ્કવોડ, ક્લિક રિસ્પોન્સ ટીમ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતનો પોલીસ કાફલો ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે પહોંચી ગયો હતો અને તપાસનો દોર હાથમાં લઈ લીધો હતો. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજે કોર્ટ ખાલી કરવાનું કહ્યાના પગલખ તમામ જજીસ સહિતના જ્યુડિશિયલ ઓફિસરો, સરકારી વકીલો, કોર્ટ સ્ટાફ, પક્ષકારો વગેરે કોર્ટની બહાર નીકળી કમ્પાઉન્ડમાં અને પાર્કિંગમાં આવી ગયા હતા.


મળતી માહિતી મુજબ કોર્ટને ઉડાવી દેવાની અગાઉ ઘણી વખત ધમકી મળી હોય કોર્ટની સલામતી વ્યવસ્થાની ચકાસણી માટે અવારનવાર મોકડ્રિલ પણ યોજવામાં આવતી હોય છે. પરંતુ આજે જે ઈમેલ મળ્યો છે તે ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઓફિસિયલ ઇમેઇલ આઇડી ઉપર મળેલ હોય તેની ગંભીરતાને ધ્યાને લઈ પ્રિન્સિપાલ જજ જે આર શાહે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને બોમ્બ સ્કવોડ દ્વારા ચેકિંગ માટે બે કલાકનો સમય માંગ્યો હતો.


જાણવા મળ્યા મુજબ છેલ્લા એક બે દિવસમાં ગુજરાત હાઇકોર્ટ, વડોદરા, સુરત વગેરે છ કોર્ટને પણ બોમ્બની ચેતવણીને કારણે રેડ એલર્ટ જાહેર કરીને બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ, એસઓજી પીઆઈ એસ એમ જાડેજા, પીએસઆઈ વી વી ધ્રાંગુ, એમ વી જાડેજા સહીતની ટીમો કરવામાં આવી હતી. તેમાં બપોરે ૧ વાગ્યા પછી બોમ્બ સ્કવોડ, સહિતની પોલીસ ટુકડીઓની કોર્ટના ખૂણે ખૂણાની તપાસ પૂરી થતાં સુધીમાં કશું પણ વાંધાજનક નહિ મળતા રાહતનો દમ લેવામાં આવ્યો હતો. તેમજ બપોરથી કોર્ટ રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ હતી. ઉઘડતી કોર્ટે જ બોંબના ઈમેલને કારણે આખી કોર્ટ ખાલી કરાવતા વકીલોના ટેબલો અને જુદા જુદા જજીસની વિવિધ કોર્ટસ, લોબીઓ વગેરે સુમસામ બની ગયા હતા.


ઇ-મેઇલની સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ

રાજકોટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ઓફિસિયલ આઇડી ઉપર આજે બોમ્બની ધમકીનો ઇમેઇલ મળતા સાયબર ક્રાઇમે તપાસમાં ઝુકાવ્યું હતું. પીઆઈ જે એમ કૈલાની ટીમે જે ઇમેઇલ આઇડી પરથી ઇમેઇલ મળ્યો હતો તેની તપાસ શરૂ કરી છે.


આજના તમામ કેસોની કાર્યવાહી સ્થગિત રાખવા બાર એસો.ની રજૂઆત

બાર એસોસિએશનના ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજે ઉઘડતી કોર્ટે બોમ્બના ઈમેલને પગલે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા કોર્ટ ખાલી કરવાની મળેલી સૂચનાને બદલે જજીસ, સ્ટાફ, વકીલો, પક્ષકારો વગેરેએ ચાલુ કાર્યવાહીએ બહાર નીકળવું પડ્યું હતું, આથી બાર એસોસિએશન દ્વારા તમામ વકીલોને કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવા જણાવાયું હતું. તેમજ આજે કોર્ટ કાર્યવાહી નહિ થવાને કારણે આજના તમામ કેસોને યથાવત સ્થિતિ જાળવી રાખવા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજને રજૂઆત કરવામાં આવી હતી.


વડાપ્રધાન મોદીની મુલાકાત ટાંકણે 6 માસમાં આજે બીજી વખત ધમકી

રાજ્યમાં સરકારી સંસ્થાઓને ઉડાવી દેવાની ધમકીનો સીલસીલો યથાવત હોય તેમ રાજકોટ ડિસ્ટ્રિકટ કોર્ટને આજે બોમ્બથી ઉડાવી દેવાની છ માસમાં બીજી ધમકી મળી હતી. આ અગાઉ તા. 25- 6- 2025ના રોજ ધમકી ભર્યો મેઈલ મળ્યો હતો. સદનસીબે તેમાં પણ કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. દરમિયાન આગામી તા. ૧૦, 11ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ રાજકોટના પ્રવાસે આવતા હોય આજે મળેલા ધમકીભર્યા ઈમેલને તંત્ર દ્વારા ખૂબ ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે અને તેની તલસ્પર્શી તપાસ કરાશે તેમ જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application