BREAKING NEWS

IPL ફાઈનલ જોવા બોલીવૂડના સિતારાઓ અમદાવાદ ઉતર્યા, વૈભવ સૂર્યવંશી પણ આવ્યો, બ્લેકમાં ટિકિટ વેચવા જતા છ ઝડપાયા

  • May 31, 2026 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે ૩૧ મે, ૨૦૨૬ ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ (GT) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે આઈપીએલની મહાફાઇનલ મેચ રમાવાની છે. આ ઐતિહાસિક અને રોમાંચક મુકાબલાને લઈને સમગ્ર દેશના ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ અને રોમાંચ જોવા મળી રહ્યો છે. ફાઇનલ મેચના સાક્ષી બનવા માટે બોલિવૂડની સેલિબ્રિટીઝનું પણ અમદાવાદમાં આગમન થઈ ચૂક્યું છે. આજે સવારથી જ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફિલ્મી સિતારાઓનો મેળાવડો જોવા મળ્યો હતો, જેમાં બોલિવૂડ એક્ટર વરૂણ ધવન, અભિનેત્રી પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર સહિતના દિગ્ગજ સેલેબ્સ હાઈ-વોલ્ટેજ મેચ નિહાળવા માટે આવી પહોંચ્યા છે. આ ઉપરાંત, યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી પણ ખાસ ફાઇનલ મેચનો આનંદ માણવા અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરી ચૂક્યો છે.


આજે સવારથી જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને એરપોર્ટ આસપાસ ફેન્સનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. એરપોર્ટ પર એક એવો નજારો જોવા મળ્યો હતો જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ટીમ ઈન્ડિયા અને RCB ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી જેવા જ આબેહૂબ દેખાતા (હમશકલ) એક યુવક પર લોકોની નજર પડતાં જ ફેન્સે તેને ઘેરી લીધો હતો અને તેની સાથે સેલ્ફી તેમજ ફોટા પડાવવા માટે ભારે પડાપડી કરી હતી. બીજી તરફ, દેશના ખૂણે-ખૂણેથી આવેલા હજારો ક્રિકેટ પ્રેમીઓ મેટ્રો ટ્રેન, ટેક્સી, ઓટો રિક્ષા અને પોતાના ખાનગી વાહનો મારફતે સ્ટેડિયમ તરફ આગળ વધી રહ્યા છે.


ટિકિટનું બ્લેક માર્કેટિંગ: ચાર ગણા ભાવે ટિકિટ વેચતા ૬ શખ્સો જેલભેગા

જેમ-જેમ મેચનો સમય નજીક આવી રહ્યો છે, તેમ ટિકિટોની કાળાબજારી કરનારા તત્વો પણ સક્રિય થયા છે. જોકે, અમદાવાદ શહેર પોલીસ ભારે એક્શન મોડમાં છે. સ્ટેડિયમની આસપાસ અને શહેરના જુદા-જુદા વિસ્તારોમાં બ્લેકમાં ટિકિટ વેચતા કુલ ૬ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે:

ઝોન ૨ LCB ની કાર્યવાહી: નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર જ મોહક શાહ નામના એક યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે. તેની પાસેથી આઈપીએલની ૨ ટિકિટો મળી આવી હતી. ₹૨,૫૦૦ ની મૂળ કિંમત ધરાવતી એક ટિકિટ તે ₹૧૦,૦૦૦ માં એટલે કે ચાર ગણા ભાવે વેચવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

ન્યૂ સી.જી રોડ પરથી ધરપકડ: ચાંદખેડા પોલીસે પણ ન્યૂ સી.જી રોડ પરથી મોનુ ગુની નામના યુવકને પકડી પાડ્યો છે. આ શખ્સ ₹૨,૫૦૦ ની ટિકિટ ₹૬,૦૦૦ માં વેચતો હતો અને પોલીસે તેની પાસેથી ૨ ટિકિટ કબજે કરી છે.

નારણપુરામાંથી ૪ ઝડપાયા: નારણપુરા પોલીસે પ્રગતિનગર ચાર રસ્તા પાસેથી આયુષ દરજી, દેવાંશ ભટ્ટ, જીત શાહ અને જયદીપ પરમાર નામના ચાર યુવકોની ગેંગને ઝડપી પાડી છે. આ ચારેય ભેગા મળીને ₹૨,૫૦૦ ની ટિકિટ ₹૬,૦૦૦ માં વેચતા હતા. પોલીસે તેમની પાસેથી કુલ ૧૦ ટિકિટો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


ટ્રાફિક વ્યવસ્થા અને સ્ટેડિયમ બહારનો માહોલ

સ્ટેડિયમની આસપાસ ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નંબર ૧ પાસે સુરક્ષાના ભાગરૂપે એક તરફનો રોડ બંધ કરીને બેરીકેડ લગાવી દેવામાં આવ્યા છે અને ટ્રાફિકની અવરજવર માટે માત્ર એક જ બાજુનો રોડ ખુલ્લો રાખવામાં આવ્યો છે.

હાલમાં વાદળછાયા વાતાવરણ અને અસહ્ય ઉકળાટ-ગરમીના કારણે સવારના સમયે સ્ટેડિયમ બહાર અપેક્ષા કરતાં ઓછી ભીડ જોવા મળી હતી. જોકે, રોડની આસપાસ લોકો પોતાના વાહનો અડેધડ પાર્ક કરી રહ્યા હોવાને લીધે ટ્રાફિક ધીમો પડ્યો છે. બપોર પછી અને સાંજે ટોસના સમય સુધીમાં સ્ટેડિયમ બહાર લાખોની જનમેદની ઉમટી પડે તેવી પૂરેપૂરી શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application