BREAKING NEWS

ગુજરાતમાંથી હમાસ સહિતના આતંકી સંગઠનોને ફંડિંગ કર્યાનો ધડાકો: ક્રિપ્ટો દ્વારા રૂ.226 કરોડ કરાયા ટ્રાન્સફર

  • May 19, 2026 01:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સીઆઇડી ક્રાઇમ દ્વારા રાજ્યના ઇતિહાસની સૌથી ગંભીર અને ચિંતાજનક સાયબર-આતંકવાદી પ્રવૃત્તિનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તપાસ એજન્સીએ એક એવા આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટોકરન્સી નેટવર્કને શોધી કાઢ્યું છે, જેણે પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન 'હમાસ' સહિત વિશ્વભરમાં પ્રતિબંધિત અનેક ખતરનાક સંગઠનોને આશરે રૂપિયા 226.54 કરોડ જેટલી માતબર રકમ ટ્રાન્સફર કરી હતી. વૈશ્વિક આતંકવાદ અને અર્થતંત્રને નુકસાન પહોંચાડતા આ કૌભાંડની વિગતો બહાર આવતા જ સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ દેશમાં પ્રથમ વખત 196 કિલો જેહાદી ડ્રગ્સ ઝડપાયું હતું.

આ સમગ્ર મામલાની શરૂઆત ત્યારે થઈ જ્યારે સીઆઇડી ક્રાઇમના સ્પેશિયલ 'સાયબર ઈન્ટેલિજન્સ યુનિટ' દ્વારા શંકાસ્પદ ડિજિટલ વ્યવહારો પર નજર રાખવામાં આવી રહી હતી. ટેકનિકલ ઓડિટ દરમિયાન તપાસકર્તાઓના હાથે એક એવું શંકાસ્પદ ક્રિપ્ટો વોલેટ લાગ્યું, જેમાંથી કરોડો રૂપિયાની હેરાફેરી થઈ રહી હતી. ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન ખબર પડી કે આ એક જ વોલેટ દ્વારા રૂ. 226.54 કરોડના આંતરરાષ્ટ્રીય વ્યવહારો થયા હતા. આ નાણાકીય ટ્રેલનો પીછો કરતાં પોલીસ સીધી આતંકવાદી ફંડિંગ, સંગઠિત ગુનાખોરીના સિન્ડિકેટ અને ઇન્ટરનેટની કાળી દુનિયા ગણાતા 'ડાર્ક વેબ'ના ડ્રગ માર્કેટપ્લેસ સુધી પહોંચી ગઈ હતી.


અધિકારીઓએ હાથ ધરેલા ડિજિટલ ફોરેન્સિક વિશ્લેષણમાં અત્યંત ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. આ ક્રિપ્ટો નેટવર્કના તાર માત્ર હમાસ જ નહીં, પરંતુ યમનની ખતરનાક સંસ્થા 'અંસાર અલ્લાહ' (જે હુથી ચળવળ તરીકે ઓળખાય છે) સાથે પણ સીધા જોડાયેલા હતા. આ ઉપરાંત ગેરકાયદેસર વ્યવહારો માટે કુખ્યાત ગેરેન્ટેક્સ, ઇલાન શોર, બાઇનન્સ વોલેટ્સ અને મોનેરો વોલેટ્સ જેવી કથિત ડિજિટલ વ્યવસ્થાઓનો ઉપયોગ કરાયો હતો. આ આંતરરાષ્ટ્રીય નેટવર્ક દુબઈ કંપની ફોર એક્સચેન્જ, એરટેમિસ્લેબ અને 'એબેકસ માર્કેટ' જેવા કાળા બજાર સાથે સંકળાયેલું હતું, જે ડાર્ક વેબ પર નશાકારક પદાર્થો અને માદક દ્રવ્યોની ગેરકાયદેસર હેરફેર માટે દુનિયાભરમાં જાણીતું છે.


આ ગંભીર કાવતરાને તોડી પાડવા માટે સીઆઇડી ક્રાઇમે વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ સંયુક્ત ઓપરેશન દરમિયાન ગુજરાતના પાટનગર અમદાવાદ અને આર્થિક પાટનગર મુંબઈમાંથી કુલ 20 શખ્સોવની ધરપકડ કરવામાં આવી છે. આ પૈકી ગુનામાં સીધી ભૂમિકા ભજવનારા છ મુખ્ય આરોપીઓની ઓળખ કરીને તેમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસે ઓપરેશન દરમિયાન આરોપીઓ પાસેથી અનેક ડિજિટલ એકાઉન્ટ્સ, બેંક ખાતાઓ અને શંકાસ્પદ ક્રિપ્ટો વોલેટ્સ શોધી કાઢીને તેને કાયદેસર રીતે જપ્ત (ફ્રીઝ) કરી લીધા છે.


પકડાયેલા મુખ્ય આરોપીઓમાં મોહસીન સાદિક મોલાની (રહે. દાણીલીમડા, અમદાવાદ), એજાઝ અસલમખાન પઠાણ (રહે. ગ્યાસપુર), મોહમ્મદ ઝૈદ સિદ્ધિ (રહે. જમાલપુર), નાવેદ પઠાણ (રહે. જમાલપુર), ફૈઝ અહમદ નસીરુદ્દીન ચિશ્તી (રહે. રાયખાડ) અને જીશાન સિરાજ મોતીવાલા (રહે. મુંબઈ)નો સમાવેશ થાય છે. અહીં ઉલ્લેખનીય છે કે આરોપી ફૈઝ અહમદ એ પૂર્વ મહિલા કાઉન્સિલર અફસાના ચિશ્તીનો પુત્ર છે.


સીઆઇડી ક્રાઇમે અદાલત સમક્ષ આ ગુનેગારોની મોડસ ઓપરેન્ડી (ગુનો કરવાની પદ્ધતિ) નો ખુલાસો કરતા જણાવ્યું કે, આરોપીઓ ભારતીય ચલણ અથવા ગેરકાયદેસર ભંડોળ મેળવીને તેને સૌપ્રથમ 'ટેથર' (યુએસડીટી - યુએસ ડોલર આધારિત સ્ટેબલ ક્રિપ્ટોકરન્સી)માં રૂપાંતરિત કરતા હતા. ત્યારબાદ આ ડિજિટલ મનીને કોઈના ધ્યાનમાં ન આવે તે રીતે ટ્રેક ન થઈ શકે તેવા આતંકવાદી વોલેટ્સ અને ડાર્ક વેબ પ્લેટફોર્મ પર મોકલી આપતા હતા.


દેશની સુરક્ષા સામે મોટો ખતરો

તપાસકર્તાઓને આશંકા છે કે આ આંતરરાષ્ટ્રીય નેટવર્કે માત્ર આતંકવાદીઓને નાણાં જ નથી પહોંચાડ્યા, પરંતુ ડ્રગ માફિયાઓની આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટને પણ મોટી મદદ કરી છે. સૌથી ગંભીર બાબત એ છે કે પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ દેશદ્રોહીઓએ ભારતીય સુરક્ષા કે વહીવટીતંત્રને લગતી કોઈ સંવેદનશીલ અને ગુપ્ત માહિતી વિદેશી શક્તિઓ અથવા ઉગ્રવાદી જૂથો સાથે શેર કરી છે કે નહીં? આ આંતરરાષ્ટ્રીય ફંડિંગ નેટવર્કના મૂળ સુધી પહોંચવા અને તેની પાછળ છુપાયેલા અન્ય માસ્ટરમાઇન્ડ્સને પકડવા માટે સીઆઇડી ક્રાઇમે છ મુખ્ય આરોપીઓના 14 દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કોર્ટ સમક્ષ રજૂ કરી છે.


આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

પકડાયેલા ગુનેગારો કોઈ સામાન્ય સાયબર ગુનેગાર નથી પરંતુ રીઢા ગુનેગાર છે. મુખ્ય સૂત્રધાર પૈકીના એક મોહસીન સાદિક મોલાનીની અગાઉ વર્ષ 2013માં કરોડો રૂપિયાના બોગસ આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર કૌભાંડમાં પણ ધરપકડ કરવામાં આવી હતી. મોલાનીના કેટલાક જૂના સાથીદારો હાલમાં લંડનની જેલમાં માદક દ્રવ્યોની તસ્કરી (ડ્રગ ટ્રાફિકિંગ) અને મની લોન્ડરિંગના ગંભીર આરોપો હેઠળ સજા કાપી રહ્યો છે. આ ઉપરાંત, આ ગેંગ વિરુદ્ધ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર દેશભરમાંથી અલગ-અલગ સાયબર છેતરપિંડીની આશરે 935 જેટલી ફરિયાદો પહેલેથી જ નોંધાયેલી છે, જે દર્શાવે છે કે તેઓ લાંબા સમયથી દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application