હાલારમાં ૫૪ વર્ષ પછી બ્લેકઆઉટ: લોકોએ ઉચાટ સાથે રાત વિતાવી

  • May 12, 2025 05:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોટાભાગના લોકોએ રાત ઉજાગરા કર્યા: ચોમેર હુમલો થશે કે કેમ...? તે સવાલ સાથે યુઘ્ધની તરહ-તરહની ચર્ચાઓ લોકોમાં થઇ: બંને જિલ્લામાં વહિવટી તંત્ર દ્વારા આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા તકેદારીના પગલાં...


૧૯૭૧માં ભારત પાકિસ્તાન વચ્ચેના યુઘ્ધ બાદ હાલારમાં ૫૪ વર્ષ પછી બ્લેકઆઉટ થતાં લોકોએ ભય અને ઉચાટ સાથે રાત વિતાવી હતી. ડીફેન્સ વિભાગ તરફથી મળેલા એલર્ટના પગલે બંને જિલ્લામાં સાયરનો ગુંજી ઉઠયા હતાં, પાકિસ્તાને યુઘ્ધ વિરામનો ભંગ કરતા જામનગરમાં શનિવારે પુન: રાત્રીના ૧૧ થી સવારના ૬ સુધી બ્લેકઆઉટ રહ્યું હતું, દ્વારકા જિલ્લામાં પણ તકેદારીના ભાગરૂપે બે દિવસથી રાત્રીના અંધારપટ્ટ કરાયો હતો, બંને જિલ્લામાં બ્લેકઆઉટ દરમ્યાન મોટાભાગના લોકોએ રાત ઉજાગરા કર્યા હતાં અને હુમલો થશે કે કેમ ?


તે સવાલ સાથે યુઘ્ધ અંગેની તરહ-તરહની ચર્ચાઓ લોકોમાં થઇ હતી, બીજી બાજુ બંને જિલ્લામાં વહિવટી તંત્ર દ્વારા આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા તકેદારીના પગલા લેવામાં આવ્યા છે. 


કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે શરૂ​​​​​​​ કરેલા ઓપરેશન સિંદુરના પગલે પાકિસ્તાન દ્વારા મીસાઇલ અને ડ્રોન વડે હુમલો કરવામાં આવતાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુઘ્ધની સ્થિતિના પગલે તંગદીલી વધી હતી, આ દરમ્યાન શનિવારે બપોરે ૨:૩૦ કલાક બાદ જામનગર એરફોર્સ સ્ટેશન તરફથી જિલ્લા વહિવટી તંત્રને એલર્ટનો સંદેશો મળતા આપાતકાલીન સ્થિતિનું નિર્માણ થતાં જિલ્લા કલેકટર કેતન ઠકકર દ્વારા રાત્રીના ૮ થી સવારે ૬ વાગ્યા સુધી જામનગર જિલ્લામાં બ્લેકઆઉટનો આદેશ કરવામાં આવ્યો હતો, આટલું જ નહીં નાગરીકોને સુરક્ષીત અને સલામત સ્થળે રહેવા તથા વેપાર-ઉદ્યોગ, ધંધા બંધ રાખવા પણ અનુરોધ કરાયો હતો, આ સંદેશાને પગલે લોકોમાં ભારે અફડાતફડી સાથે દોડધામ મચી ગઇ હતી અને લોકો આવશ્કયક અને જીવન જરૂ​​​​​​​રી ચીજવસ્તુની ખરીદી માટે બજારોમાં નિકળી પડયા હતાં.


બીજી બાજુ પોલીસ દ્વારા પણ દુકાનો બંધ કરાવવામાં આવી હતી, જો કે સાંજે ૫ કલાકે યુઘ્ધ વિરામનો સંદેશો આવતા જિલ્લા કલેકટરે બ્લેકઆઉટ રદ કર્યુ હતું, પરંતુ શનિવારે મોડી સાંજે પાકિસ્તાને પુન: યુઘ્ધ વિરામનો ભંગ કરી દેશના જુદા-જુદા રાજયોમાં ડ્રોન હુમલા કરતા જામનગર જિલ્લા કલેકટર દ્વારા પુન: રાત્રીના ૧૧ થી સવારે ૬ કલાક સુધી બ્લેકઆઉટ જાહેર કરાયું હતું.


૧૯૭૧ના યુઘ્ધ બાદ ૫૪ વર્ષ પછી જામનગરમાં શનિવારે રાત્રીના બ્લેકઆઉટ રહ્યું હતું, બીજી બાજુ દેવભુમિ દ્વારકા જિલ્લો કે જે સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ હોય ત્યાંના જિલ્લાના કલેકટર રાજેશ તન્ના દ્વારા પણ શનિવારે રાત્રીના ૭ થી સવારે ૬ સુધી બ્લેકઆઉટ જાહેર કરાયું હતું,


બંને જિલ્લામાં બ્લેકઆઉટ દરમ્યાન લોકોએ ભય અને ઉચાટ સાથે રાત વિતાવી હતી. રવિવારે જામનગર જિલ્લામાં બ્લેકઆઉટ જિલ્લા કલેકટર દ્વારા રદ કરવામાં આવ્યું હતું જયારે દેવભુમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા રવિવારે પણ બ્લેકઆઉટ યથાવત રાખવામાં આવ્યું હતું જેના પગલે સમગ્ર દેવભુમિ દ્વારકા જિલ્લામાં બ્લેકઆઉટ રહ્યું હતું, બ્લેકઆઉટ દરમ્યાન અને ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદીલી વધતા બંને જિલ્લામાં લોકોમાં હુમલો થશે કે કેમ ? અને યુઘ્ધ અંગેની તરહ-તરહની ચર્ચાઓ ચોમેર થઇ રહી છે. 
​​​​​​​

દ્વારકા જિલ્લામાં આગામી સુચના ન મળે ત્યાં સુધી બ્લેકઆઉટની અમલવારી કરવા લોકોને અનુરોધ​​​​​​​

દેવભુમિ દ્વારકા જિલ્લામાં ઔદ્યોગીક એકમો, વિવિધ સંસ્થાઓ તથા નાગરીકોને પ્રવર્તમાન પરિસ્થિતિને ગંભીરતાને ઘ્યાનમાં રાખી સંભવીત આકસ્મીક આપતીને પહોંચી વળવા આગામી સુચના ન મળે ત્યાં સુધી જિલ્લામાં સુર્યાસ્તથી સુર્યોદય સુધી બ્લેકઆઉટની અમલવારી કરવા તથા તંત્ર તરફથી આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા અને અફવાઓથી દુર રહેવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં બ્લેકઆઉટ દરમ્યાન તંત્રને સહયોગ આપવા પણ અપીલ કરાઇ છે. 


દ્વારકા જગતમંદિર રાત્રીના ૮ થી સવારે ૬ વાગ્યા સુધી બંધ રહેશે

ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદીલી ખુબ જ વધતાં હાલની સ્થિતિને અનુલક્ષીને દેવભુમિ દ્વારકા જિલ્લામાં જગતમંદિરને સાંજે ૮ થી સવારે ૬ વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. જો કે મંદિરની અંદર નિત્ય ક્રમ મુજબ ભગવાન દ્વારકાધીશજીની પુજા રાબેતા મુજબ પુજારી દ્વારા કરવામાં આવશે. દર્શનાર્થીઓ આ દર્શનનો લાભ ઓનલાઇન માઘ્યમથી લઇ શકશે.​​​​​​​


જ‚ર પડયે એનડીઆરએફના ૬૦ જવાનની ટીમ જામનગરમાં આવશે

ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદીલી બાદ સોમવારે બપોર સુધી યુઘ્ધ વિરામ જાહેર થયું છે, જો કે જામનગર જિલ્લામાં શનિવારે એરફોર્સ સ્ટેશન તરફથી એલર્ટના સંદેશાને પગલે બ્લેકઆઉટ કરાયું હતું, જામનગર જિલ્લો પણ સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ હોય, હાલની પરિસ્થિતિને અનુલક્ષીને જામનગરમાં જરૂર પડયે એનડીઆરએફના ૬૦ જવાનોની ટીમ આવશે. હાલમાં આ ટીમને રાજકોટમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application