ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જન્મદિવસની વિવિધ સેવા પ્રકલ્પો સાથે ઉજવણી

  • January 15, 2024 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ:મુળુભાઈ બેરા:સાંસદ પૂનમબેન: મેયર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ: અયોધ્યા રામ મંદિર નિર્માણ અર્થે જોડાયેલા નગરના કાર સેવકો- રામ ભક્તોનું મહાનુભાવોના હસ્તે બહુમાન: શહેરના ઉત્સાહી રક્તદાતાઓના માધ્યમથી ૫૩૦ બોટલ રક્ત એકત્ર થયું: ૯૦ કુપોષિત બાળકોને દત્તક લેવાયા: શહેરના બહેનોમાં બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ અર્થે પ્રારંભ કરાયેલા સેવા પ્રકલ્પમાં પણ શહેરના અનેક બહેનોએ જાગૃતિ દાખવી જોડાયા

જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી ધારાસભ્ય બન્યા પછી પોતાના પ્રથમ જન્મદિવસે સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ કુપોષણ થી સુપોષણ અભિયાન અંતર્ગત આંગણવાડીના ૩૮૬ કુપોષિત બાળકોને દત્તક લઇ સુપોષિત કરી દેવાયા પછી આ વખતે ૧૪ જાન્યુઆરીએ બીજા જન્મદિવસની ઉજવણી વિવિધ સેવા પ્રકલ્પો સાથે કરવામાં આવી હતી. જેમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ,અને મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, તેઓની ઉપસ્થિતિમાં ૯૦ કુપોષિત બાળકોને દત્તક લેવાયા હતા, અયોધ્યા રામ મંદિર નિર્માણ આંદોલન માટે સહભાગી બનેલા નગરના રામ ભક્તો-કારસેવકોનું બહુમાન કરાયું હતું. બહેનોમાં બ્રેષ્ટ કેન્સરની જાગૃતિ માટે મેમોગ્રાફી-સ્ક્રીનીંગ સહિતના સેવા પ્રકલ્પનો પ્રારંભ કરી દેવાયો હતો, જ્યારે નગરના ઉત્સાહી રક્તદાતાઓની મદદથી ૫૩૦ બોટલ રક્ત એકત્ર થયું હતું, જે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દર્દીઓના ઉપયોગ માટે જમા કરાવવામાં આવ્યું છે.
જામનગર ના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી કે જેઓ ધારાસભ્ય બન્યા પછી ગઈકાલે ૧૪ મી જાન્યુઆરીને મકરસંક્રાંતિના પર્વ ના દિવસે બીજો જન્મદિવસ વિવિધ સેવા પ્રકલ્પોની સાથે ઉજવવામાં આવ્યો હતો. આ વિશેષ રૂપે જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે જામનગરના રણજીત નગર વિસ્તારમાં આવેલા લેઉવા પટેલ સમાજમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા ઉપસ્થિત રહ્યા હતા, તેઓની સાથે સાંસદ પૂનમબેન માડમ, જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, જામનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ રમેશભાઈ મુંગરા નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય દિવ્યેશભાઈ ને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
સર્વપ્રથમ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દંપતી દ્વારા અક્ષત કળશનું પૂજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સર્વે મહાનુભાવોની હાજરીમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સંદર્ભે કાર સેવામાં જોડાયેલા નગરના ૪૮થી વધુ કારસેવકો-રામસેવકો તેમજ ૧૩ થી વધુ બજરંગી કારસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે દિવંગત કારસેવકોને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી.
આ ઉપરાંત ૭૯- વિધાનસભા વિસ્તારમાં આવેલી જુદી જુદી આંગણવાડીના વધુ ૯૦ કુપોષિત બાળકોને પણ દત્તક લેવાયા હતા અને તમામ બાળકોને સુપોષિત કરવાની ધારાસભ્ય  દિવ્યેશ અકબરી દ્વારા જવાબદારી સ્વીકારવામાં આવી હતી અને તેઓને જરૂરી આરોગ્ય લક્ષી સુપોષણ કીટનું વિતરણ કરાયું હતું.
આ ઉપરાંત જામનગર શહેરના બહેનોમાં બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ આવે, તે સંદર્ભમાં નગરના ૨૧૦૦ થી વધુ બહેનોના મેમોગ્રાફી- સ્ક્રીનિંગ સહિતની વ્યવસ્થા ગોઠવવા માટેના પ્રકલ્પનો પણ આ સાથે પ્રારંભ કરાયો હતો, જેમાં શહેરના અનેક બહેનોએ જોડાઈને જાગૃતિ દાખવી છે, ઉપરાંત જન સંપર્ક કાર્યાલયમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અવીરત ચાલુ રખાઇ છે.
ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જન્મદિવસ નિમિત્તે સતત બીજા વર્ષે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જામનગર શહેરના ખૂબ જ ઉત્સાહી એવા ૫૩૦થી વધુ રક્તદાતાઓ દ્વારા મહા રક્તદાન કરવામાં આવ્યું હતું, અને ૫૩૦ બોટલ રક્ત એકત્ર કરાયું છે, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના દર્દીઓની સારવાર માટે જી.જી. હોસ્પિટલની બ્લડ બેન્ક માં સુપ્રત કરાયું છે.
***
વિવિધ સંસ્થાના આગેવાનો દ્વારા ધારાસભ્યનું અભીવાદન
જામનગર દક્ષિણ ૭૯- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી કે જેઓ ધારાસભ્ય બન્યા પછી પોતાનો બીજો જન્મ દિવસ પણ વિવિધ સેવાકીય પ્રકલ્પોની સાથે જ ઉજવ્યો હતો. જે ઉજવણીમાં જામનગર શહેર જિલ્લાના અગ્રણીઓ વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્યનું અભિવાદન કર્યું હતું. રાઘવજીભાઈ પટેલ, મુળુભાઇ બેરા, પુનમબેન માડમ, વિનોદભાઈ ખીમસુરીયા,ડો. વિમલભાઈ કગથરા, રમેશભાઈ મૂંગરા, વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંભણીયા, નિલેશભાઈ કગથરા, આશિષભાઈ જોશી, કેતનભાઇ નાખવા, મનીષભાઈ કનખરા, લેઉઆ પટેલ સેવા સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, અગ્રણી ઉદ્યોગપતિ ગંગદાસભાઈ કાછડીયા, ડિસ્ટ્રીક બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, આજકાલના નિવાસી તંત્રી તારીક ફારુક (પપ્પુખાન), ખબર ગુજરાતના વિપુલભાઈ કોટક સહિતના અનુભાવો દ્વારા ધારાસભ્યનું અભિવાદન કરાયું હતું અને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ વેળાએ જામનગર શહેરના પૂર્વ ધારાસભ્ય, નગરના પૂર્વ મેયરો, ભાજપના પૂર્વ અધ્યક્ષો, જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટરો ભાજપના વિવિધ મોરચા-સેલના આગેવાનો, વોર્ડ પ્રમુખ- મહામંત્રી, જામનગર શહેરની સેવાકીય અને સામાજિક સંસ્થાના અગ્રણીઓ, વેપારી અગ્રણીઓ સહિતના મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીનું બહુમાન કર્યું હતું અને તેઓના વિવિધ સેવા પ્રકલ્પો ની કાર્યવાહીને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂર્વ ડેપ્યુટી મેયર ગોપાલભાઈ સોરઠીયા તેમજ ઉદઘોષક અશોક રાણા દ્વારા કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application