ઠોકર મારી નાશી છૂટનાર બાઇકચાલક ઝડપાયો

  • May 20, 2025 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરમાં એક મહિના પહેલા ભીક્ષાવૃત્તિ કરવા જઇ રહેલ નાનીમા અને દોહિત્રીને બાઇકચાલકે ઠોકર મારી દેતા સારવાર માટે હોસ્પિટલે લવાયા હતા અને ઇજાગ્રસ્ત બાળકીના પિતાએ અજાણ્યા  બાઇકચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ ગુન્હો ડિટેકટ કરીને અકસ્માત સર્જનાર રાજીવનગર વિસ્તારના બાઇકચાલકને પકડી પાડયો છે.
એક મહિના પહેલા બન્યો હતો બનાવ
કર્લીના પુલ પાસે રીવરફ્રન્ટ નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતા અને ભંગારનો ધંધો કરતા અનીલ ઉર્ફે ગધો હેમુ પરમાર નામના યુવાન દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે તા. ૧૪-૪ના સવારે ૧૧ વાગ્યે તેની પત્ની બીંદીયાને લઇને મનન મેટરનીટી હોસ્પિટલ ખાતે દવા લેવા ગયો હતો અને ત્યારબાદ ઘરે પહોંચ્યા ત્યારે નરસંગ ટેકરી પાસે તેના જાણીતા રીક્ષાવાળાએ એવુ જણાવ્યુ હતુ કે ‘તારી દીકરી અને સાસુનું ગાયત્રીમંદિર પાસે એકસીડન્ટ થયુ છે અને હોસ્પિટલે ગયા છે.’ અનીલ ઉર્ફે ગધો અને તેની પત્ની બીંદીયા તાત્કાલિક સરકારી ભાવસિંહજી હોસ્પિટલે પહોંચી ગયા હતા અને ત્યાં જઇને જોયું તો તેની આઠ વર્ષની દીકરી બીજલી અને સાસુ બીમલાબેન હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા આથી પૂછપરછ કરતા તેઓએ એવુ જણાવ્યુ હતુ કે સાસુ બીમલાબેન, પુત્રી બીજલી અને સસરા ગણેશભાઇ ત્રણે જણા ગાયત્રીમંદિર પારે રોડ ઉપર ભીક્ષાવૃત્તિ કરવા ગયા હતા અને ચાલીને જતા હતા ત્યારે પાછળથી ફૂલસ્પીડે બાઇક ચલાવતા શખ્શે ઠોકર મારતા  બીજલી અને બીમલાબેન રોડ ઉપર ફેંકાઇ ગયા હતા અને શરીરે ઇજા થઇ હતી. કોઇએ ઇમરજન્સી સેવા ૧૦૮ને જાણ કરતા તેઓને સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલે લવાયા હતા જેમાં બીજલીને ફેકચર અને બીમલાબેનને કમર ઉપર ઇજા થઇ હોવાનું બહાર આવ્યુ હતુ અને પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી.
લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગુન્હો ડિટેકટ કર્યો
આ ગુન્હાને ડિટેકટ કરવા માટે  એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. રણજીતસિંહ દયાતર અને પોલીસ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ પરમાર દ્વારા આ બનાવની આસપાસના વિસ્તારના પોરબંદર નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર અંતર્ગત લગાડેલ સી.સી.ટી.વી. કેમેરા દ્વારા  તથા ખાનગીરાહે તપાસ કરતા ઉપરોકત અકસ્માતનો ગુનો કાળાકલરના હીરો કંપનીના સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલના ચાલકે કરેલ હોવાનું જણાઇ આવતા સદરહુ મોટરસાયકલના માલિક અંગે ઇ-ગુજકોપ તથા પોકેટ એપ એપ્લીકેશનમાં સર્ચ કરતા સદરહુ મોટર સાયકલ ના માલિક પ્રતાપ અરશીભાઇ ઓડેદરા ઉ.વ. ૬૦ રહે. રાજીવનગર હીરો વર્કશોપ પાછળ ‘હિતેન્દ્ર નિવાસ’ મકાન પોરબંદરવાળાને ઉપરોકત ગુન્હાના કામે હસ્તગત કરી ઉપરોકત  આરોપી તથા કાળા કલરનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ આગળની કાર્યવાહી કરવા માટે ઉદ્યોગનગર પોલી સ્ટેશનને સોંપી વાહન અકસ્માતનો અન ડિટેકટ ગુન્હો ડિટેકટ કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે. 
આ કામગીરીમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. આર.કે.કાંબરીયા, એ.એસ.આઇ.  બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા, હેડ કોન્સ્ટેબલ ઉદયભાઇ વ‚, સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા તથા વુમન હેડ કોન્સ્ટેબલ નાથીબેન કુછડીયા, પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા,  વિરેન્દ્રસિંહ પરમાર, અજયભાઇ ચૌહાણ તથા ડ્રાઇવર હેડ કોન્સ્ટેબલ ગોવિંદભાઇ માળીયા તથા નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટરના પોલીસ સ્ટાફ વગેરે રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application