એચડીએફસી બેંકે લાંબા ગાળાના કરજદારો માટે લોન મોંઘી કરી છે. બેંકે ત્રણ વર્ષના ગાળા માટેના MCLR દરમાં 0.05 ટકાનો વધારો કર્યો છે. આ ફેરફારના કારણે જે ગ્રાહકોની હોમ લોન અથવા અન્ય લાંબા ગાળાની લોન આ બેન્ચમાર્ક સાથે જોડાયેલી છે, તેમની માસિક EMI નો બોજ વધશે.
લોન મોંઘી અને સસ્તી થવાનું ગણિત
બેંકે અલગ-અલગ મુદત માટે વ્યાજ દરોમાં નીચે મુજબના ફેરફાર કર્યા છે:
લોંગ ટર્મ લોન (ઝટકો): ત્રણ વર્ષના ગાળા માટેનો MCLR 8.55% થી વધીને 8.60% થયો છે. આનાથી હોમ લોન અને પર્સનલ લોન લેનારા ગ્રાહકોને અસર થશે.
શોર્ટ ટર્મ લોન (રાહત): બેંકે ઓવરનાઈટથી લઈને છ મહિના સુધીની લોનના દરમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે. આનાથી વર્કિંગ કેપિટલ લેનારા નાના વેપારીઓને ફાયદો થશે. એક મહિનાનો રેટ ઘટીને 8.05% અને છ મહિનાનો રેટ 8.30% થયો છે.
યથાવત દરો: એક વર્ષ (8.35%) અને બે વર્ષ (8.45%) ના MCLR દરમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી.
વેપારીઓ અને કોર્પોરેટ સેક્ટર માટે ફાયદો
ટૂંકા ગાળાના વ્યાજ દરોમાં ઘટાડો થવાને કારણે તે કંપનીઓ અને ઉદ્યોગસાહસિકોને સીધો ફાયદો થશે જેઓ વ્યવસાયના વિસ્તરણ અથવા રોજિંદા ખર્ચ માટે બેંક પાસેથી ટૂંકા ગાળાનું ધિરાણ લે છે. આ ઘટાડા બાદ બેંકના કુલ MCLR દરો હવે 8.05% થી 8.60% ની વચ્ચે આવી ગયા છે.
શું હોય છે MCLR અને તેની અસર?
બેંકિંગ ક્ષેત્રમાં MCLR (Marginal Cost of Funds Based Lending Rate) એ લઘુત્તમ વ્યાજ દર છે. RBI ના નિયમ મુજબ, કોઈ પણ બેંક આ દરથી નીચેના વ્યાજે ગ્રાહકોને લોન આપી શકતી નથી. જ્યારે પણ બેંક આ દરમાં વધારો કરે છે, ત્યારે લોન લેનારા ગ્રાહકોનું વ્યાજ અને EMI આપોઆપ વધી જાય છે. બેંકો આ દર બજારમાંથી ફંડ મેળવવાના ખર્ચ અને અન્ય નાણાકીય પાસાઓને ધ્યાનમાં રાખીને નક્કી કરતી હોય છે.