કલ્યાણપુરની સગીરાના અપહરણ તથા દુષ્કર્મના પ્રકરણમાં ભોપલકાના યુવાન ને દસ વર્ષની સખત કેદ ફટકારતી કોર્ટ

  • June 10, 2021 11:38 AM 

રૂ. 15 હજારનો રોકડ દંડ પણ ફટકારાયો

    કલ્યાણપુર તાલુકામાં રહેતી એક સગીર વયની યુવતીને આશરે પોણા પાંચ વર્ષ પૂર્વે અપહરણ કરીને લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારવાના પ્રકરણમાં ભોપલકા ગામના આરોપીને ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલતે તકસીરવાન ઠેરવી, દસ વર્ષની સખત કેદ તથા રૂ. 15 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

 

    આ પ્રકરણની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતી આશરે સાડા સોળ વર્ષની એક સગીરાને ભોપલકા ગામનો રહીશ રમેશ ઉર્ફે લાલો જેઠાભાઈ રાઠોડ નામનો શખ્સ તારીખ 19-9-2016 ના રોજ લલચાવી- ફોસલાવીને અપહરણ કરીને લઇ ગયો હતો. આ પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી ઉપરોક્ત શખ્સ સામે આઈ.પી.સી. કલમ 363, 366 મુજબ ગુનો નોંધ્યો હતો. જે સંદર્ભે સ્થાનિક પોલીસે તપાસ બાદ ઉપરોક્ત શખ્સની ધરપકડ કરી, મેડીકલ ટેસ્ટ બાદ દુષ્કર્મની કલમ 376 તથા પોક્સો એક્ટનો ઉમેરો કર્યો હતો.

 

     આ અંગેનો કેસ ખંભાળિયાની સેસન્સ અદાલતમાં ચાલી જતા પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા ચાર્જસિટ તથા આ પ્રકરણમાં 15 સાહેદોની તપાસ, ભોગ બનનાર અને ફરિયાદીની જુબાની, તબીબી પુરાવાઓ સાથે સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી એડિશનલ સેશન્સ જજ દ્વારા આરોપી રમેશ ઉર્ફે લાલો જેઠાભાઇ રાઠોડને કલમ 363 ના ગુનામાં બે વર્ષની સખત કેદની સજા અને રૂપિયા બે હજારનો દંડ, આઈ.પી.સી. કલમ 366ના ગુનામાં ત્રણ વર્ષની સખત કેદની સજા અને ત્રણ વર્ષની સખત કેદ તથા રૂ. ત્રણ હજારનો રોકડ દંડ ઉપરાંત સ્પેશિયલ પોક્સો એક્ટની કલમ મુજબ દસ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા દસ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS