તીર્થધામ હર્ષદમાં ૨૩ માં સાંસ્કૃતિક વન ‘હરસિદ્ધિ વન’ નું ભૂમિપૂજન કરતાં વન અને પ્રવાસન મંત્રી

  • December 11, 2023 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વૃક્ષોના વાવેતર તથા તેના ઉછેર થકી પર્યાવરણના સંરક્ષણ માટે સંકલ્પ લઇએ: મુળુભાઇ બેરા

ગાંધવી (હર્ષદ) ખાતે ૨૩માં સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનનું નિર્માણ થનાર છે. જેનું પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જનો પ્રવાસ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
આ તકે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, પર્યાવરણ અને સંસ્કૃતિના અનોખા સમન્વય થકી પર્યાવરણ જતનની ભાવના જન જન સુધી પહોચાડવાના ઉદ્દેશ્યથી  વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી  દ્વારા સાંસ્કૃતિક વનોનું નિર્માણની શરુઆત વર્ષ ૨૦૦૪ થી કરવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધી ૨૨ સાંસ્કૃતિક વનોનું નિર્માણ થયેલું છે. અને ગાંધવી ખાતે ૨૩મું સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વન નિર્માણ પામશે જે એક રમણીય પ્રવાસન સ્થળ બનશે.
સાંસ્કૃતિક વનોના નિર્માણ પાછળનો હેતુ લોકોને ધાર્મિક અને ઔષધીય વૃક્ષોથી વધુ ને વધુ માહિતગાર કરવા, જળવાયુ પરીવર્તનમાં સકારાત્મક ભૂમિકા નિભાવવી, વૃક્ષ આચ્છાદન હેઠળનો વિસ્તાર વધારવામાં લોકોની સક્રિય ભાગીદારી વધારવાનો છે. આપણા ધાર્મિક, પ્રાચીન અને પર્યનટ સ્થળોએ સાંસ્કૃતિક વનોના નિર્માણથી આપણા પ્રાચીન તથા સાંસ્કૃતિક સ્થળોથી લોકો માહિતગાર થાય તથા આવા સ્થળોનો પણ સાથે સાથે વિકાસ થાય છે. લોકોપયોગી ઉજાણી(પીકનીક)ના સ્થળો વધે છે તથા તે વિસ્તારના લોકો માટે રોજગારીની તકો વધશે.
રાજ્ય સરકારે જાપાનની મિયાવાકી પદ્ધતિથી વન કવચ ઊભા કરવાનો સંકલ્પ લીધો છે. આ પદ્ધતિ દ્વારા શહેરી વિસ્તારોમાં પણ ઓછી જગ્યામાં ખૂબ ઝડપથી વન કવચ ઊભું થઈ શકે છે. રાજ્ય સરકારના ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત ના સુત્ર સાથે ગુજરાતને હરીયાળું બનાવવા  દરેક નાગરીકે પણ વૃક્ષારોપણ તથા તેના જતન માટે પ્રતિબદ્ધતા દાખવવી પડશે વૃક્ષોના વાવેતર તથા તેના ઉછેર થકી પર્યાવરણના સંરક્ષણ માટે સંકલ્પ લઇએ.
આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ એસ.કે. ચતુર્વેદી તેમજ  સામાજિક વનીકરણના અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક ડો. એ.પી. સિંઘ દ્વારા  પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. આ તકે નાયબ વન સંરક્ષકશ્રી અરુણકુમાર વી. દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અરુણકુમાર સરવૈયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
આ ભૂમિપૂજન કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વર્તુળ, રાજકોટના વન સંરક્ષક આર. સેન્થીલકુમારન, દ્વારકા પ્રાંત અધિકારી ભગોરા, ડી.સી.એફ. પ્રશાંત તોમર, જિલ્લા પંચાયતના સદસ્ય જગાભાઈ ચાવડા, નથુભાઈ ચાવડા, જામનગર ડીસ્ટ્રીક્ટ કો. ઓપ.બેંકના ચેરમેન પી.એસ.જાડેજા,તાલુકા પંચાયતના પ્રમુખ સુમાતભાઈ ચાવડા, અગ્રણી દ્વારકાદાસ રાયચુરા, યુવરાજસિંહ વાઢેર, દેવાતભાઈ ગોજીયા તાલુકા વિકાસ અધિકારી ગૌરવ પરમાર સહિતના તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હરસિઘ્ઘિ માતાજી મંદીર ખાતે ગુજરાત સરકારના વન વિભાગ દવારા ચાલુ વર્ષે ર૩ માં સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવનાર છે. જેમાં સાંસ્કૃતિક આકર્ષણો જેવા કે મુખ્ય દવાર, પ્રવેશ ૫રિસર, હરસિદ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટીકા, સેરેમોનીયલ ગાર્ડન, સૌરાષ્ટ્રની સુગંધ, શ્રી કૃષ્ણ ઉ૫વન, શ્રી કૃષ્ણકમળ વાટીકા વગેરે જેવા સાંસ્કૃતિક આકર્ષણો નિમાર્ણ કરવામાં આવશે.
તેમજ આ સાંસ્કૃતિક વનમાં મુખ્ય વન તરીકે સ્વાગત વાટીકા, આયુષવન, વન કવચ, વાઇલ્ડ લાઇફ ઝોન, તાડ વાટીકા, ૫વિત્ર ઉ૫વન, સ્ટોન મેઝ ગાર્ડન, સ્ટોન થેરાપી વોક વે, ગુગળ વન, કેકટસ વાટીકા વગેરે જેવા વનોનું નિમાર્ણ કરવામાં આવશે, તેમજ આ સાંસ્કૃતિક વનમાં બાળવાટીકા, સેલ્ફી પોઇન્ટ ગાર્ડન, બીચ થીમ સીટીંગ એરીયા, મેડીટેશન ગઝેબો, ગઝેબો, સનસેટ પોઇન્ટ, પાર્કીગ એરીયા, ટોયલેટ અને પીવાના પાણીની સુવિધા, રોપ વેચાણ કેન્દ્ર જેવી જન સુવિધાઓ ઉભી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application