દરેક વ્યક્તિ માટે ઘર ખરીદવું એ એક મોટું સપનું હોય છે, અને આ સપનું પૂરું કરવા માટે લેવામાં આવતી હોમ લોનમાં યોગ્ય વ્યાજ દરની પસંદગી કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. હોમ લોનનો વ્યાજ દર પસંદ કરવો એ માત્ર EMI (માસિક હપ્તા) નો જ નહીં, પરંતુ તમારી આગામી ૧૫-૨૦ વર્ષની નાણાકીય સ્થિતિનો નિર્ણય છે. ફિક્સ્ડ (Fixed) અને ફ્લોટિંગ (Floating) વ્યાજ દરોમાંથી તમારા માટે શું યોગ્ય છે, તે સમજવું અનિવાર્ય છે.
ફિક્સ્ડ રેટ: સ્થિર, પરંતુ વધુ ખર્ચાળ
ફિક્સ્ડ રેટ હોમ લોનનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારા EMI ની રકમ લોનની સમગ્ર અવધિ દરમિયાન એકસરખી રહે છે. બજારમાં વ્યાજ દરોમાં ગમે તેટલો વધારો થાય, તમારી માસિક કિંમત નિશ્ચિત રહે છે. આનાથી બજેટ બનાવવું સરળ બને છે અને માનસિક શાંતિ મળે છે. આ સ્થિરતાની કિંમત વધુ હોય છે. સામાન્ય રીતે, ફિક્સ્ડ રેટ ફ્લોટિંગ રેટ કરતાં ૧-૧.૫% હોય છે. જો ભવિષ્યમાં વ્યાજ દરો ઘટે, તો ફિક્સ્ડ રેટ લોન લેનાર તેનો લાભ લઈ શકતા નથી અને ઊંચા દરે EMI ભરવાનું ચાલુ રાખે છે.
ફ્લોટિંગ રેટ: સસ્તો, પણ જોખમી
ફ્લોટિંગ રેટ હોમ લોનમાં વ્યાજ દર બજારની સ્થિતિ મુજબ ઉપર-નીચે થતા રહે છે. તે રેપો રેટ અથવા બેંકના બેન્ચમાર્ક દર સાથે જોડાયેલા હોય છે. જ્યારે બજારમાં વ્યાજ દરો ઘટે છે, ત્યારે તમારા EMI ની રકમ પણ ઘટી જાય છે, જે સૌથી મોટો ફાયદો છે. લાંબા ગાળે, ફ્લોટિંગ રેટ સામાન્ય રીતે ફિક્સ્ડ રેટ કરતાં સસ્તો સાબિત થાય છે. જો RBI વ્યાજ દરોમાં વધારો કરે છે, તો તમારા EMI માં અચાનક વધારો થઈ શકે છે, જેનાથી મહિનાનું બજેટ ખોરવાઈ શકે છે.
ફિક્સ્ડમાંથી ફ્લોટિંગમાં જવું ફાયદાકારક છે?
જો તમે ઊંચા ફિક્સ્ડ રેટ પર લોન લીધી હોય અને હવે બજારમાં વ્યાજ દરો ઘટ્યા હોય, તો બેલેન્સ ટ્રાન્સફર એક સારો વિકલ્પ છે. માત્ર ૦.૫% કે ૧% ના દર ઘટાડાથી પણ લોનની સમગ્ર અવધિ દરમિયાન લાખો રૂપિયાની બચત થઈ શકે છે. આ પ્રક્રિયામાં બેંક અમુક પ્રોસેસિંગ ફી અથવા ટ્રાન્સફર ચાર્જ લે છે. તેથી, નિર્ણય લેતા પહેલા આ ખર્ચાઓને કુલ બચત સાથે સરખાવવા જરૂરી છે.
કોના માટે કઈ લોન યોગ્ય?
ફ્લોટિંગ રેટ (વધુ બચતની સંભાવના): જો તમે નોકરીમાં નવા છો, લોનની અવધિ લાંબી છે અને બજારના ઉતાર-ચઢાવનો સામનો કરી શકો છો, તો ફ્લોટિંગ રેટ વધુ સારી લવચીકતા (Flexibility) અને લાંબા ગાળે બચતની સંભાવના આપે છે.
ફિક્સ્ડ/હાઇબ્રિડ લોન (સ્થિરતા): જો તમે નિવૃત્તિની નજીક છો અથવા તમારું બજેટ નિશ્ચિત રાખવા માંગો છો, તો ફિક્સ્ડ અથવા હાઇબ્રિડ લોન (જેમાં અમુક વર્ષો ફિક્સ્ડ અને બાકી ફ્લોટિંગ હોય) પસંદ કરવી વધુ સારું રહેશે.