એક જ મિલકત પર બે લોન લઇ બેંક સાથે રૂ.59.72 લાખની ઠગાઇ

  • May 20, 2025 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રૈયા રોડ પર શાંતિ બંગલોમાં રહેતા વેપારીએ એક મિલકત પર બે લોન લઇ એસબીઆઇ સાથે રૂ. 59.72 લાખની ઠગાઇ કર્યા અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. વેપારીએ પોતાની અન્ય કોઇ લોન ચાલતી ન હોવાનું બેંકમાં ખોટુ સોગંદનામુ રજુ કર્યું હતું.

છેતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રૈયા રોડ પર ન્યુ એરા સ્કૂલ પાસે અક્ષર એપાર્ટમેન્ટમાં રહેતા કનકસિંહ રઘુવીરસિંહ ઝાલા (ઉ.વ ૫૨) દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રૈયા રોડ પર સમૃદ્ધિ પાર્કમાં શાંતિ બંગલો નંબર 9 માં રહેતા વેપારી સચિન ચુનીલાલ જટાણીયાનું નામ આપ્યું છે.

કનકસિંહ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રાજકોટમાં સરદારબાગ સર્કિટ હાઉસ સામે આવેલી એસબીઆઇ બેન્કમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે. ગઈ તા.15/11/2018 ના આરોપી સચિન જટાણીયાએ જવાહર રોડ એસબીઆઇની જીમખાના શાખામાં એલ એન્ડ ટી કંપનીમાંથી પોતાની હોમ લોન ટેક ઓવર કરવા માટે અરજી કરી હતી અને ઓનલાઈન જરૂરી પ્રોસિજર કરી સચિનની 12 લાખની હોમ લોન તારીખ 20/11/2018 ના ટેક ઓવર કરી હતી. બાદમાં સચિને ટોપ અપ લોન માટે અરજી કરતા તા. 1/9/2021 ના 21.22 લાખની હાઉસિંગ લોન તથા ફરી અરજી કરતા 26.50 લાખની ટોપઅપ લોન કરી હતી.

વર્ષ 2021 માં રાજકોટ ધનેશ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાંથી એક લેટર આવ્યો હતો જેમાં ફરિયાદની બેંકે જે મિલકત ઉપર સચિનને લોન આપી છે તેના ઉપર ધનેશ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાંથી પણ આરોપીએ લોન લીધી છે તેવું લખ્યું હતું. જેથી બેંક તરફથી તપાસ કરતા સચિને આ મિલકત તથા અન્ય કોમર્શિયલ મિલકત પર 32 લાખની લોન લીધી હતી. આરોપીએ જે તે વખતે ફરિયાદીની એસબીઆઇ બેન્કમાં પોતે ઉપરોક્ત મિલકત પર અન્ય કોઈ જગ્યાએ લોન લીધી નથી તેવું સોગંદનામુ રજૂ કર્યું હતું. આ અંગે યોગ્ય કાર્યવાહી કરી સચિનના મકાનનો કબજો વર્ષ 2023 ની સાલમાં ફરિયાદીની બેંકે લીધો હતો. આમ આરોપી સચિને ધનેશ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાંથી લોન લીધી હોવા છતાં ફરિયાદીની બેંકમાં ખોટું સોગંદનામુ કરી બેન્કમાંથી 59.72 લાખની હોમ લોન તથા ટોપઅપ લોન લઈ પરત નહીં ચૂકવી બેંકમાં ખોટું સોગંદનામુ કરી બેંક સાથે ઠગાઈ કરી હોય તેની વિરૂધ્ધ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે અંગે એ ડિવિઝન પોલીસે આરોપી સામે આઈપીસીની કલમ 420 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ પી.એસ.આઇ એસ.આર.ચાવડા ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application