જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે. તેમજ હાલની સાંપ્રત પરિસ્થિતમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ આતંકવાદી હુમલા અન્વયે ભારત દ્વારા કરવામાં આવેલ એર સ્ટ્રાઈકને કારણે બંને દેશો વચ્ચે તણાવની સ્થિત ઉભી થયેલ હોય તેવા સંજોગોમાં જામનગર જિલ્લામાં આવેલ વાઈટલ ઇન્સ્ટોલેશનની સુરક્ષા અગત્યની છે.
જામનગર જિલ્લાની હદમાં મીલીટરી સ્ટેશન, એરફોર્સ સ્ટેશન, જામનગર તથા સમાણા, આઈએનએસ વાલસુરા, એશીયાની સૌથી મોટી ઓઈલ રીફાઈનરી, થર્મલ પાવર સ્ટેશન સિક્કા, જી.એસ.એફ.સી. તથા અન્ય મોટા ઔદ્યોગિક એકમો જેવા સંવેદનશીલ વાઈટલ ઇન્સ્ટોલેશન્સ આવેલ છે.
જામનગર જિલ્લા વિસ્તારમાં આવેલ કુલ-૧૫૪ ક્રિટીકલ, સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઈન્સ્ટોલેશન્સને રેડ ઝોન કે યલો ઝોનમાં વિભાજીત કરેલ છે જે પૈકી રેડ ઝોનમાં ૧૧૨ તથા યલો ઝોનમાં ૪૨ ઇન્સ્ટોલેશન્સ આવેલા છે.
આ સંજોગોમાં જિલ્લામાં ફટાકડા ફોડવાને કારણે સામાન્ય લોકોમાં વાઇટલ ઇન્સ્ટોલેશન પર એર સ્ટ્રાઈક જેવી અફવાઓ ફેલાવાની શક્યતાઓને ધ્યાને લઈને જામનગર જીલ્લામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામું તા.૨૪-૦૫-૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.