સલાયામાં આજે એક વેપારીએ દુકાનનું શટર ખોલતા અને બાજુમાં મુકેલો રૂ. સાત લાખની રોકડ ભરેલો થેલો બાઇકમાં આવેલા બે શખ્સો ઝુંટવીને ફરાર થઇ જતા ભારે દોડધામ મચી ગઇ હતી, તુરંત પોલીસને જાણ કરવામાં આવતા ચારેબાજુ નાકાબંધી કરવામાં આવી હતી અને બાઇક સમડીની શોધખોળ માટે સીસી કેમેરાની મદદ લેવામાં આવી રહી છે.
સલાયામાં મેઇન બજારમાં આવેલ એજન્સી ધરાવતા વેપારી અતુલ વલ્લભદાસ બદીયાણી આજે પોતાના નિયત સમય મુજબ દુકાન ખોલી રહયા હતા, દરમ્યાન શટર ખોલીને રોકડ રકમ ભરેલો થેલો બાજુમાં મુકયો હતો, પલકવારમાં મોટરસાયકલમાં આવેલા બે શખ્સો આશરે સાત લાખની રોકડ ભરેલો થેલો ઉપાડીને નાશી છુટતા વેપારીને જાણ થતા હાફળા ફાફળા બની ગયા હતા અને આ મામલે આજુબાજુના વેપારીઓ પણ દોડી આવ્યા હતા, તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી.
સલાયામાં ધોળા દિવસે માતબર રકમ ભરેલો થેલો લઇને બે અજાણ્યા ઇસમો બાઇકમાં નાશી છુટયાનું બહાર આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી, ક્ધટ્રોલ રૂમ દ્વારા મેસેજ ફોરવર્ડ કરીને જીલ્લામાં નાકાબંધી કરી દીધી હતી, દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાના સીધા માર્ગદર્શન હેઠળ જુદી જુદી પોલીસ ટુકડીઓ કામે લાગી છે અને પ્રાથમિક વર્ણનના આધારે તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા ઘટના સ્થળ અને આજુબાજુના વિસ્તારોના સીસી કેમેરા ચેક કરવામાં આવી રહયા છે, ઉપરાંત વેપારી દ્વારા આ મામલે વિધિવત ફરીયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરી છે, એલસીબી, એસઓજી, સલાયા તથા મરીન પોલીસ સહિતની ટુકડીઓ આરોપીઓને પકડી પાડવા કામે લાગી છે બનાવના પગલે સલાયા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
વધુમાં જાણવા મળેલી વિગત મુજબ બે પૈકી એક શખ્સે મોઢા પર રૂમાલ બાંઘ્યો હતો અને બીજાએ થેલો ઉપાડી લીધો હતો, બાઇકમાં બંને શખ્સો માંઢા તરફ નાશી ગયાનું જાણવા મળ્યું છે, સીસી ફુટેજ ચેક કરવામાં આવી રહયા છે અને આરોપીઓ જે તરફ ભાગ્યા એ દીશામાં ટુકડીઓ દોડતી કરવામાં આવી છે, બનાવની જાણ થતા એસપી જયરાજસિંહ વાળા ઘટના સ્થળે દોડી ગયા હતા, સલાયાના વેપારી અતુલભાઇ બદીયાણી દ્વારા આ બનાવ અંગે ફરીયાદ નોંધાવવામાં આવતા તપાસ લંબાવવમાં આવી છે, ચિલ ઝડપ થયેલ થેલામાં સાત લાખ જેટલી રોકડ, ડોકયુમેન્ટ, દવા અને તિજોરીની ચાવી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવવામાં આવ્યુ છે.