જામનગરની કોવિડ હોસ્પિટલમાં મ્યુકોર્માઇકોસિસના વોર્ડમાં દાખલ થયેલા દર્દીઓ માટે માંઠા સમાચાર: વધુ બે દર્દીઓના મૃત્યુ: જ્યારે નવા ૦૨ દર્દી દાખલ

  • June 30, 2021 10:35 AM 

મ્યુકોર્માઈકોસિસની બીમારીના કુલ ૬૪ દર્દીઓ સારવાર હેઠળ: ૦૨ મેજર જ્યારે ૦૫ માઇનૉર સર્જરી કરાઈ: જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલા ૦૧ દર્દીને અપાઈ રજા: કુલ ૨૪૮ કેસ સામે આવ્યા: જ્યારે ૧૧2 ડિસ્ચાર્જ

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં મ્યુકોર્માઈકોસિસના વોર્ડમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વધુ ૦૨ દર્દીઓના સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યા હોવાથી બ્લેક ફંગસના દર્દીઓ માટેના માંઠા સમાચાર મળ્યા છે. જો કે તેના મૃત્યુનું કારણ કોરોના તેમજ અન્ય બીમારી હોવાનું જાહેર કરાયું છે. આ વોર્ડમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૦૨ દર્દી દાખલ થયા છે, જ્યારે ૦૧ દર્દીને રજા અપાઈ છે. જ્યારે ૦૨ મેજર અને ૦૫ માઈનૉર સર્જરી કરવામાં આવી હતી.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં મ્યુકોર્માઇકોસિસ (બ્લેક ફંગસ) ના જુદા જુદા બે વોર્ડ કાર્યરત છે, અને તમામ દર્દીઓની સધન સારવાર ચાલી રહી છે. જેમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન બે નવા દર્દીનો ઉમેરો થયો છે. અને હાલ ૬૪ દર્દીઓ બ્લેક ફંગસની બીમારીની સારવાર મેળવી રહ્યા છે. જ્યારે અન્ય ૦૧ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન બે મેજર તેમજ પાંચ માઇનોર સર્જરી કરવામાં આવી હતી.

ઉપરોક્ત વોર્ડમાં દાખલ થયેલા બે દર્દીઓ માટે ના માઠા સમાચાર આવ્યા છે જેમાં કાલાવડના ૦૧ તેમજ દેવભૂમિ દ્વારકાના ૦૧ સહિત ૨ મહિલા દર્દીઓએ દમ તોડી દીધો છે.

કાલાવડમાં રહેતા મનિષાબેન કોઠારી નામના ૪૫ વર્ષના મહિલા દર્દી કે જેઓને કોરોનાની બીમારીની સારવાર માટે તા. ૨૦.૫.૨૧ ના દિવસે જી.જી.હોસ્પિટલમાં કોવિડ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા, અને તેઓ ઓક્સિજન પર હતા. દરમિયાન તેઓને બ્લેક ફંગસની પણ બીમારી લાગુ પડી ગઈ હોવાથી થોડા દિવસો પહેલાં મ્યુકોર્માઈકોસિસના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેઓનો એમ.આર.આઈ રિપોર્ટ કરી શકાયો નથી.જેઓની ઓક્સીજન ની સારવાર ચાલુ રહી હોવાથી તેઓની સર્જરી પણ કરી શકાઈ ન હતી. દરમિયાન ગઇકાલે રાત્રીના અગિયાર વાગ્યે તેઓએ દમ તોડી દીધો હતો.

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકામાં રહેતા દિલહરબા જાડેજા નામના ૬૦ વર્ષના વૃદ્ધ મહિલા દર્દી કે જેઓને ગત તા. ૪.૬.૨૧ ના દિવસે કોરોનાની બીમારીના કારણે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને સાથોસાથ બ્લેક ફંગસની સારવાર પણ ચાલતી હતી, અને તેઓને મ્યુકરના વોર્ડમાં દાખલ કરાયા હતા જેઓ વેન્ટિલેટર પર જ હતા. દરમિયાન ગઈકાલે રાત્રે ૦૯ વાગ્યે તેઓનું મૃત્યુ નીપજયું હતું. તેમની આજથી નવ દિવસ પહેલા સર્જરી પણ કરી લેવામાં આવી હતી.

છેલ્લા ૨૪ કલાકમાં એકી સાથે બે દર્દીઓના મૃત્યુને લઈને થોડો ભયનો માહોલ સર્જાયો છે. જોકે બંને દર્દીઓના મૃત્યુનું કારણ કોવિડ હોવાનું જાહેર કરાયું છે.

મ્યુકોર્માઇકોસિસના વોર્ડમાં અત્યાર સુધીમાં ૨૪૮ થી વધુ દર્દીઓ સામે આવ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં ૪ દર્દીઓના મૃત્યુ નિપજ્યાનું જાહેર કરાયું છે. ઉપરાંત કુલ ૬ દર્દીઓની એક એક આંખ કાઢવી પડી છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં બ્લેક ફંગસના સાજા થયેલા દર્દીઓની સદી થઇ છે, અત્યાર સુધીમાં ૧૧૨ દર્દીઓ સાજા થઇ જતાં રજા આપી દેવાઈ છે.

જી.જી. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧૮૫ મેજર સર્જરી કરવામાં આવી છે, જ્યારે ૧૧૪ માઇનોર સર્જરી કરાઇ છે. જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલા ૬૪ દર્દીઓ પૈકી એક દર્દી એન.આર.બી.એમ. પર, જ્યારે ૦૧ દર્દી ઓક્સિજનની સુવિધા પર છે, જ્યારે બાકીના ૬૨ દર્દીઓ રૂમ એર પર સારવાર લઇ રહ્યા છે. જે તમામને સધન સારવાર અપાઇ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS