ટ્રેન હાઇજેકમાં 214 બંધકના મોતનો બીએલએનો દાવો

  • March 15, 2025 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
જાફર એક્સપ્રેસ હાઇજેક કરવાની ઘટનામાં હવે મોતના આકડા પર રાજનીતિ શરુ થઈ છે.પાકિસ્તાન સેનાનું કહેવું છે કે જાફર એક્સપ્રેસ હાઇજેકમાં 21 બંધકોના મોત થયા હતા, જ્યારે બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ દાવો કર્યો હતો કે તેમણે 214 બંધકોને મારી નાખ્યા હતા.

બલુચિસ્તાન લિબરેશન આર્મીના પ્રવક્તા ઝિયાંદ બલોચે દાવો કર્યો છે કે જાફર એક્સપ્રેસ ટ્રેન હાઇજેક પછી તેમના લડવૈયાઓએ 214 બંધકોને મારી નાખ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન સરકારના બેદરકાર અને ઘમંડી વલણને કારણે તેમને આ પગલું ભરવું પડ્યું.


બલુચિસ્તાન લિબરેશન આર્મી તરફથી આ નિવેદન પાકિસ્તાની સેનાની પ્રેસ કોન્ફરન્સ પછી આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે 21 બંધકોને મારી નાખવામાં આવ્યા છે. પાકિસ્તાની સેનાએ કહ્યું હતું કે ટ્રેન અકસ્માતમાં માર્યા ગયેલા 21 બંધકોમાંથી 18 સૈનિકો હતા. સેનાએ એમ પણ કહ્યું હતું કે બધા 33 બલુચિસ્તાન લિબરેશન આર્મીના લડવૈયાઓ માર્યા ગયા હતા અને બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા.


બલુચિસ્તાન લિબરેશન આર્મીએ આ સમગ્ર મામલા પર એક નિવેદન જારી કરીને કહ્યું કે, 'બલોચ લિબરેશન આર્મીએ યુદ્ધ કેદીઓના વિનિમય માટે પાકિસ્તાની સેનાને 48 કલાકનો અલ્ટીમેટમ આપ્યો હતો.' પાકિસ્તાની સેના માટે ટ્રેનમાં બંધક બનાવેલા સૈનિકોના જીવ બચાવવાની આ છેલ્લી તક હતી. પરંતુ તેમણે હંમેશની જેમ હઠીલા અને ઘમંડી વર્તન કર્યું, માત્ર વાતચીત ટાળી નહીં પણ જમીની વાસ્તવિકતાઓ પ્રત્યે પણ આંખ આડા કાન કર્યા. આ જીદને કારણે, બધા 214 બંધકો માર્યા ગયા.


પાકિસ્તાને પોતાના લોકોને મરવા માટે છોડી દીધા

બલુચિસ્તાન લિબરેશન આર્મીએ દાવો કર્યો હતો કે તેઓ હંમેશા આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર કાર્ય કરે છે, પરંતુ પાકિસ્તાનની જીદને કારણે આ વખતે તેમને તેમ કરવાની ફરજ પડી. નિવેદનમાં લખ્યું છે કે, 'બલોચ લિબરેશન આર્મીએ હંમેશા યુદ્ધના સિદ્ધાંતો અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર કાર્ય કર્યું છે, પરંતુ પાકિસ્તાને પોતાના લોકોને બચાવવાને બદલે તેમનો ઉપયોગ યુદ્ધના બળતણ તરીકે કર્યો.


૧૨ બલુચિસ્તાન લિબરેશન આર્મી સૈનિકો શહીદ

બલુચિસ્તાન લિબરેશન આર્મીએ કહ્યું કે આ સંઘર્ષમાં તેના 12 સૈનિકો શહીદ થયા હતાજેમણે દુશ્મન સામે અવિસ્મરણીય બલિદાન આપ્યું હતું. બુધવારે રાત્રે ત્રણ અને ગુરુવારે ચાર સ્વતંત્રતા સેનાનીઓ શહીદ થયા હતા. આ પછી, મજીદ બ્રિગેડના પાંચ ફિદાયીનોએ પોતાના જીવનું બલિદાન આપ્યું અને દુશ્મનને એવી રીતે હરાવ્યો કે ઇતિહાસ તેને યાદ રાખશે.


બધું પ્લાનિંગ દિલ્હીથી થઈ રહ્યું છે: પાકનો ભારત પર આરોપ

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેન પર થયેલા હુમલા અંગે પાકિસ્તાન સેનાએ ભારત પર ગંભીર આરોપો લગાવ્યા છે. ડીજી આઈએસપીઆર લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે બલુચિસ્તાનમાં આતંકવાદ માટેનું તમામ ભંડોળ ભારત તરફથી થઈ રહ્યું છે.શુક્રવારે બલુચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતી સાથે જનરલ ચૌધરીએ ટ્રેન હાઇજેકિંગ કેસ પર એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જ્યાં તેમણે આ નિવેદન આપ્યું હતું. આ દરમિયાન, એક તરફ તેમણે પાકિસ્તાની સેનાની પ્રશંસા કરી, તો બીજી તરફ તેમણે આ સમગ્ર ઘટના માટે ભારતને જવાબદાર ઠેરવ્યું.જનરલ શરીફ ચૌધરીએ કહ્યું કે તેમના મતે બલુચિસ્તાનમાં અગાઉ થયેલા હુમલાઓ અને આ ટ્રેન હાઇજેકિંગ ઘટના પાછળનો મુખ્ય પ્રાયોજક તેમનો પૂર્વીય પાડોશી (ભારત) છે.

જનરલ ચૌધરીએ દાવો કર્યો હતો કે ઝફર એક્સપ્રેસની આ ઘટના પાકિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાની ભારતની રણનીતિનો એક ભાગ છે. તેમણે કહ્યું કે આ સમગ્ર કાવતરું સરહદ પારથી ઘડવામાં આવ્યું હતું અને ત્યાંથી તેને અંજામ આપવામાં આવ્યો હતો.

પાકિસ્તાન સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "આતંકવાદીઓએ દૂરના પર્વતીય વિસ્તારમાં વિસ્ફોટ કરીને ઝફર એક્સપ્રેસને રોકી હતી. એક જૂથે મહિલાઓ અને બાળકોને ટ્રેનની અંદર બંધક બનાવ્યા હતા જ્યારે બીજા જૂથે અન્ય મુસાફરોને બહાર કાઢીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો." પ્રવક્તાએ વધુમાં કહ્યું, "આ સમગ્ર ઘટના દરમિયાન સૌથી ચોંકાવનારી વાત એ હતી કે ભારતીય મીડિયાએ તરત જ આતંકવાદીઓને ટેકો આપવાનું શરૂ કરી દીધું અને પાકિસ્તાનને બદનામ કરવા માટે દરેક શક્ય પ્રયાસ કર્યો.


પાકિસ્તાનના આરોપો સાવ ખોટા:જયસ્વાલ

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "અમે પાકિસ્તાન દ્વારા લગાવવામાં આવેલા પાયાવિહોણા આરોપોને સખત રીતે નકારી કાઢીએ છીએ. અગાઉ, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો હતો કે ટ્રેન પર હુમલો અફઘાનિસ્તાનથી કરવામાં આવ્યો હતો, જ્યાં હુમલાખોરો તેમના માસ્ટરના સંપર્કમાં હતા. કાબુલ આ આરોપને નકારે છે અને કહે છે કે બીએલએ ની ત્યાં કોઈ હાજરી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application