રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત હાલ રાજકોટમાં કેમ્પ કરનાર મહાનગરના સંગઠન પ્રભારી અને કચ્છ માંડવીના ધારાસભ્ય અનિધ્ધભાઇ દવેએ રાજકોટ આજકાલ દૈનિક કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી, આ વેળાએ તેમણે જણાવ્યું હતું કે ભાજપ એટલે વિકાસની રાજનીતિ. સંકલ્પો પૂર્ણ કરવાની પ્રતિબધ્ધતા, જે કામનું ખાતમુહર્ત કરવું તેનું સમયસર લોકાર્પણ કરીને લોકોને નવી સુવિધાઓની ભેટ આપવી. રાજકોટ મનપામાં છેલ્લા ૫૦ વર્ષમાંથી ૪૫ વર્ષ ભાજપને શાસન સોંપ્યું છે તે બાબત જ બતાવે છે કે રાજકોટની જનતાના આશીર્વાદ કાયમ ભાજપને મળ્યા છે.

વિશેષમાં અનિધ્ધભાઇ દવેએ જણાવ્યું હતું કે, સંસદથી લઇને ગ્રામપંચાયત સુધી ભાજપે હંમેશા વિકાસની જ વાત કરી છે. સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીમાં પણ વિકાસની રાજનીતિ જ અસરકર્તા નીવડશે. રાજકોટ મહાનગરપાલિકામાં ૫૦માંથી ૪૫ વર્ષ જનતાએ ભાજપને શાસન સોંપ્યું છે તે બાબત ભરોસો દર્શાવે છે.

આગામી ચૂંટણીમાં પણ રાજકોટની જનતા ભાજપને જ આશીર્વાદ આપશે તે સુનિશ્ચિત છે. તેમણે ઉમેયુ હતું કે ભાજપે જાહેર કરેલા સંકલ્પ પત્રમાં રાજકોટને મેટ્રો સિટી બનાવવાનો સંકલ્પ જાહેર કરાયો છે જે પણ ભાજપ પરિપૂર્ણ કરી બતાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ડબલ એન્જિન સરકારે રાજકોટની વિકાસયાત્રાને આગળ ધપાવવા જે રીતે રાજકોટને એઇમ્સ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટની યજમાની જેવી અનેક ભેટ આપી છે તે રીતે આગામી દિવસોમાં રાજકોટને મેટ્રો સિટી બનાવવા જે કઇં કરવું પડશે તે કરાશે, ભવિષ્યમાં રાજકોટ શહેરમાં મેટ્રો ટ્રેનની સુવિધા આપવાનું પ્લાનિંગ છે તેમ જણાવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને સર્વત્ર આવકાર મળી રહ્યાનું જણાવી અનિધ્ધભાઇ દવેએ કહ્યું હતું કે ભાજપના ઉમેદવારો સેવાની ભાવનાથી સત્તા મેળવવા પરિશ્રમ કરે છે, સત્તા એ સેવા માટે સાધન સ્વપ છે. ઉમેદવારો ચૂંટાઇ ગયા પછી પણ લોકો વચ્ચે જ રહેશે અને પ્રશ્નો ઉકેલવા પ્રયત્નશીલ રહેશે તેવી તેમણે ખાતરી આપી હતી.
આજકાલ દૈનિક કાર્યાલયની શુભેચ્છા મુલાકાત વેળાએ અનિધ્ધભાઇ દવે સાથે પ્રદેશ ભાજપ અગ્રણી રાજુભાઇ ધ્રુવ અને રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ ડો.માધવભાઇ દવે ઉપસ્થિત રહ્યા હતા