જનસંઘના અગ્રણી નેતા સ્વ. ચિમનભાઈ શુક્લના ધર્મપત્ની મધુબેન શુક્લના નિધનથી રાજકોટમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મધુબેનના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો ઉમટી પડ્યા હતા. આ ભાવુક ક્ષણે સ્વર્ગસ્થના પુત્રી અને ભાજપના નેતા કાશ્મિરાબેન નથવાણી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા. ભાજપના નેતાઓએ મધુબેનને શ્રદ્ધાંજલિ અર્પી તેમની સામાજિક અને પારિવારિક સેવાઓને યાદ કરી હતી. શુક્લ પરિવાર પર આવી પડેલા આ દુઃખમાં સહભાગી થવા માટે રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમના નિવાસ્થાને પહોંચ્યા હતા, જ્યાં વાતાવરણ અત્યંત ગમગીન જોવા મળ્યું હતું.
નેહલ શુક્લ, કશ્યપ શુક્લ, ધારાસભ્ય ઉદય કાનગડ, નીતિન ભારદ્વાજ સહિતના નેતાઓએ મધુબેન શુક્લના પાર્થિવદેહના દર્શન કર્યા હતા.
મધુબેન કૌશિકભાઈ શુક્લ, કશ્યપભાઈ શુક્લ અને કાશ્મીરાબેન નથવાણી અને નેહલભાઈ શુક્લના માતુશ્રી તથા સ્વ.અભયભાઈ ભારદ્વાજ અને નીતિનભાઈ ભારદ્વાજના કૌટુંબિક મોટાબેન થાય છે.

વાત્સલ્ય મૂર્તિ એવા મધુબેન ચીમનભાઈ શુક્લ પોતાને ઘરે આવતા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના દરેક સ્વયં સેવક અને તત્કાલીન સમયના જનસંઘના કાર્યકર્તાઓને અચૂક ચા પાણી નાસ્તો અને ભોજન કરાવ્યા વિના ક્યારેય જવા દેતા ન હતા. તત્કાલિન સમયે ભાજપ વિરોધ પક્ષમાં હતો અને હાલ જેવી કોઈ સુખ સાહેબી ભાજપના નેતાઓને મળતી ન હતી. ભાજપના મોટા નેતાઓ જ્યારે પણ રાજકોટ કે સૌરાષ્ટ્ર આવે ત્યારે તેમનો મુકામ ચીમનભાઈ શુક્લના ઘરે જ રહેતો હતો. મધુબેન શુક્લની બનાવેલી રસોઇ ગુરુજી, અટલજી અને અડવાણીજી સહિતના નેતાઓ અનેક વખત જમ્યા હતા.
સ્વ.મધુબેન શુક્લએ અગાઉ મુંબઇ ખાતે શિક્ષિકા તરીકે પણ ફરજ બજાવેલી હતી ત્યારબાદ રાજકોટ ખાતે ચીમનભાઈ શુક્લના જીવનસંગિની તરીકે ઘર સંભાળવાની સાથે સાથે જાહેરજીવનમાં પ્રવેશીને તત્કાલિન સમયે જનસંઘ અને ભાજપની કામગીરી પણ સંભાળી હતી. દીકરી બે કુળને તારે તે કહેવતને સાર્થક કરતા સ્વ.મધુબેનએ ભારદ્વાજ (ભટ્ટ) પરિવાર અને શુક્લ પરિવારની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. શુક્લ અને ભારદ્વાજ ( ભટ્ટ) પરિવારને દીપાવનાર મધુબેનના અવસાનથી બન્ને પરિવારોએ ઉંડા આઘાતની લાગણી અનુભવી હતી.