ભાજપ સરકારની કાર્યશૈલી એકને ગોળ અને એકને ખોળ જેવીઃ હેમંત ખવા

  • March 04, 2025 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર-લાલપુરના આપના ધારાસભ્ય દ્વારા સત્તાધારી પક્ષ પર ચાબખાં લગાવ્યા


એક સમયે રેવડી કલ્ચરની ભરપેટ ટીકા કરી આ વિચારધારાને હરાવવા નીકળેલ ભાજપ પણ હવે રેવડી કલ્ચરના માર્ગે વળ્યો છે. જે મામલે લાલપુર, જામજોધપુર વિધાનસભા બેઠકના યુવા ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવાએ સત્તાધારી પક્ષ પર બરાબરના ચાબખા માર્યા હતા. હેમતભાઈએ કહ્યું કે તાજેતરમાં જે જે રાજ્યમાં ભાજપની સત્તા આવી છે તે 4 રાજ્યમાં ભાજપએ રેવડી કલ્ચર સમાન યોજનાઓ અમલમાં મૂકી સત્તા હાંસલ કરી છે. બીજી બાજુ છેલ્લા 30-30 વર્ષથી સત્તા ભગવતા ગુજરાત રાજ્યની બહેનો અને યુવાઓ તથા ખેડૂતો માટે સરકારે કશું કર્યું નથી.


આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ દ્વારા પ્રજાના ટેક્સના પૈસાનો પ્રજાને સીધો જ કઈ રીતે લાભ આપી શકાય? તે દિશામાં યોજના બનાવાઈ હતી. 2013 માં કેજરીવાલજી એ પ્રજાને ટેક્સનો સીધો લાભ આપવા માટે મફત વીજળી સહિતની અનેક યોજનાઓ અમલમાં મૂકી હતી. આ યોજનાને રેવડી કલ્ચર ગણાવી જે તે વખતે ભાજપે ભરપૂર વિરોધ કર્યો હતો. એટલું જ નહિ આ રેવડી કલ્ચરની વિચારધારાને સાથે મળી હરાવવાના કોડ લીધા હતા. 2014 મા આ વિચારધારા બદલ અરવિંદ કેજરીવાલજીની આકરી ટિક્કા કરવામાં આવી હતી.


ત્યારબાદ હવે એ જ વિચારધારા સાથે આગળ વધી ભાજપે હાલની ચૂંટણીમાં સત્તા મેળવી લીધી છે. તાજેતરમાં ખુદ ભાજપે એવું સ્વીકાર્યું કે કેજરીવાલ સરકારની જન કલ્યાણકારી યોજના અમે ચાલી રાખશે. તેવું તેના મેનીફેસ્ટોમાં જણાવ્યું હતું જેનો સીધો અર્થ એ થાય છે કે ભાજપે એવું સ્વીકારી લીધું છે કે કેજરીવાલ સરકારની આ યોજના જન કલ્યાણકારી હતી.


હેમંતભાઈએ વધુમાં જણાવ્યું કે મધ્યપ્રદેશમાં દર મહિને મહિલાઓને 1,000 રૂપિયા સન્માન નિધિ આપવામાં આવે છે. બીજી બાજુ મહારાષ્ટ્રમાં 1500 રૂપિયા આપવામાં આવે છે અને દિલ્હીમાં મહિલાઓ માટે 2100 જેવી યોજનાની વાતો થકી જ દિલ્હીમાં ભાજપ સરકાર સત્તામાં આવી છે. તો છેલ્લા 30 વર્ષથી ગુજરાતની બહેનો અને યુવાનો તથા ખેડૂતોએ ભાજપને ખોબલેને ખોબલે મત આપી રહ્યા છે. જેના માટે ભાજપ સરકારે અત્યાર સુધીમાં શું કર્યું? અન્ય રાજ્યોમાં મહિલાઓ માટે ચાલતી આવી કલ્યાણકારી યોજના ગુજરાતમાં આજ સુધી કેમ અમલ થઈ નથી. તે એક અણીયારો સવાલ છે.

ભાજપ સરકારની એકને ગોળ અને એકને ખોળની નીતિ રીતે ઉજાગર કરતા હેમંતભાઈએ કહ્યું કે ગુજરાતમાં ભાજપ છેલ્લા 30 વર્ષથી શાસન ભોગવતું હોવા છતાં ગુજરાતની બહેનોને 820 રૂપિયાના ભાવે રાંધણ ગેસનો બાટલો મળે છે. જ્યારે દિલ્હીમાં ભાજપએ 500 રૂપિયામાં ગેસનો બાટલો આપવાની વાત કરી સત્તા હાંસલ કરી લીધી છે. એટલું જ નહીં વૃદ્ધ પેન્શન સહાય ગુજરાતમાં માત્ર 1 હજાર રૂપિયા અપાય છે. જ્યારે દિલ્હીમાં સીધી 2000 આપવાની વાત કરી ભાજપે સત્તાનો તાજ પોતાના શિરે ઓઢી લીધો છે અને માતૃત્વ પુરસ્કાર યોજના પેટે ગર્ભવતી મહિલાને 21000 રૂપિયા આપવાની વાત કરી ભાજપ સત્તામાં આવી છે. તો ગુજરાતના તમામ વર્ગને અન્યાય કેમ? તેવું અંતમાં ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવાએ એક નિવેદનમાં જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application