વકીલોના વેરિફિકેશન ફોર્મ 15 દિવસમાં જમા કરાવવા બીસીજીનું આખરીનામું

  • April 17, 2025 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા જેમના વેરિફિકેશન ફોર્મ બાકી છે તેવા 15000 જેટલા વકીલોને 15 દિવસમાં વેરિફિકેશન ફોર્મ બીસીજીમાં જમા કરાવી દેવા આખરીનામું આપ્યું છે.સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર રચાયેલી હાઇપાવર કમિટીએ ગુજરાત બાર કાઉન્સિલ સહિત દેશની તમામ બાર કાઉન્સિલો પાસેથી વકીલોના વેરિફિકેશન મામલે વિસ્તૃત રિપોર્ટ મા‍ંગ્યાને પગલે ગુજરાત બાર કાઉન્સિલે પણ રાજયના જે વકીલોએ પોતાના વેરિફિકેશન ફોર્મ જમા નથી કરાવ્યા તેઓને તેમના ફોર્મ પંદર દિવસમાં જમા કરાવી દેવાની અન્યથા તેઓને મળવાપાત્ર લાભોથી વંચિત કરી દેવાની ગંભીર ચીમકી આપવામાં આવી છે. દેશમાંથી ભૂતિયા વકીલોને શોધી વકીલાતના વ્યવસાયને સ્વચ્છ પ્રતિભા ધરાવતો બનાવવાના આશયથી સુપ્રીમ કોર્ટે દેશભરના વકીલોનું વેરિફિકેશન કરવાના મહત્ત્વના નિર્દશો જારી કરેલા છે. જો કે, આ પ્રક્રિયા ઘણા લાંબા સમય સુધી પણ પૂર્ણ નહી થઈ શકતાં સુપ્રીમકોર્ટે નારાજગી વ્યકત કરી છે. જેને લઈ સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર રચાયેલી હાઇપાવર કમિટીએ ગુજરાત સહિત દેશની તમામ બાર કાઉન્સિલો પાસેથી વકીલોના વેરિફિકેશન ફોર્મ મામલે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. જેમાં ગુજરાત બાર કાઉન્સિલના રોલ પર નોંધાયેલા ૩૩ હજારથી વધુ વકીલોએ વેરિફિકેશન ફોર્મ ભર્યા છે. હજુ પણ રાજયના આશરે 15 હજારથી વધુ વકીલો એવા છે કે, જેઓના વેરિફિકેશન ફોર્મ ભરવાના બાકી છે.


બાવીસ હજાર જેટલા વકીલોની માર્કશીટની ચકાસણી હજી બાકી

જૂલાઈ-૨૦૧૦ બાદ ઓલ ઇન્ડિયા બાર એકઝામ અમલી બની હોવાથી નોંધાયેલા ૧૯ હજારથી વધુ વકીલોએ ડેકલેરેશન ફોર્મ ભર્યા છે. બીજીબાજુ, બાર કાઉન્સિલે વેરિફિકેશનની પ્રક્રિયાના ભાગરૂપે ૨૮ હજારથી વધુ વકીલોની એલએલબીની માર્કશીટ, ગ્રેજયુએશનની ૨૦ હજાર જેટલી માર્કશીટ અને ધોરણ-૧૦ અને ૧૨ની ૨૨ હજાર જેટલી માર્કશીટ જે તે યુનિવર્સિટી અને સંસ્થાઓમાં ચકાસણી માટે મોકલી આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application