ઓસ્ટ્રેલિયન મીડિયા તો ભારતની ટીમ પાછળ પડી ગયું, રવિન્દ્ર જાડેજાની પ્રેસ કોન્ફરન્સમાં કર્યો હંગામો

  • December 21, 2024 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની 3 ટેસ્ટ મેચ રમી ચૂકી છે અને હવે ટીમ ઈન્ડિયા મેલબોર્નમાં રમાનારી બોક્સિંગ ડે ટેસ્ટ મેચની તૈયારીમાં વ્યસ્ત છે. હાલમાં શ્રેણી 1-1થી બરાબર છે. હવે બંને ટીમો 26મી ડિસેમ્બરથી રમાનારી ટેસ્ટ મેચમાં લીડ મેળવવાનો પ્રયાસ કરશે. જો કે, આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયન મીડિયા અને ભારતીય ટીમ વચ્ચે ભારે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે. હકિકતમાં જ્યારે ટીમ ઈન્ડિયા થોડા દિવસો પહેલા મેલબોર્ન પહોંચી ત્યારે એરપોર્ટ પર વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયન રિપોર્ટર વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સમયે વિરાટ કોહલી તેના પરિવાર સાથે હતો. આ દરમિયાન ન્યૂઝ ચેનલના રિપોર્ટરનો કેમેરો કથિત રીતે કોહલીના પરિવાર તરફ વળ્યો, જેના પર વિરાટ થોડો ગુસ્સે થયો. આ પછી વિરાટ અને ન્યૂઝ રિપોર્ટર વચ્ચે થોડી વાતચીત થઈ, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો. આ ઘટના બાદ ઓસ્ટ્રેલિયન મીડિયા ભારતીય ટીમની પાછળ પડ્યું છે.​​​​​​​


વિરાટ બાદ હવે જાડેજાને ઘેર્યો
વિરાટ કોહલીની ઘટના બાદ હવે ઓસ્ટ્રેલિયન મીડિયાએ રવિન્દ્ર જાડેજા પર નિશાન સાધવાનો પ્રયાસ કર્યો છે. હકિકતમાં, મેલબોર્ન ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓસ્ટ્રેલિયાના સ્થાનિક મીડિયા અને ભારતીય મીડિયા બંને હાજર હતા. આ દરમિયાન જાડેજાએ તમામ સવાલોના જવાબ હિન્દીમાં આપ્યા, જેનાથી ઓસ્ટ્રેલિયન મીડિયા ગુસ્સે થયું. ઓસ્ટ્રેલિયાના એક પત્રકારે જાડેજાને અંગ્રેજીમાં પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતીય ટીમના મીડિયા મેનેજરે ના પાડી દીધી, જેનાથી ઓસ્ટ્રેલિયન મીડિયા નારાજ થઈ ગયું. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


જાડેજાએ તમામ જવાબો હિન્દીમાં આપ્યા હતા
આ ઘટના જાડેજાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બની હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાના એક પત્રકારે અંગ્રેજીમાં પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કર્યો હતો. તેના પર ટીમ ઈન્ડિયાના મીડિયા મેનેજરે કહ્યું કે માફ કરશો, અમારી પાસે અત્યારે સમય નથી. તમે જોઈ શકો છો કે ટીમ માત્ર રાહ જોઈ રહી છે. આના પર એક ઓસ્ટ્રેલિયન પત્રકારે એકવાર પૂછ્યું કે, શું અંગ્રેજીમાં પ્રશ્ન ન લઈ શકાય? ત્યારબાદ મીડિયા મેનેજરે સ્પષ્ટતા કરી કે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન ભારતીય મીડિયા માટે કરવામાં આવ્યું હતું. આ સાંભળીને ઓસ્ટ્રેલિયન પત્રકારે ગુસ્સામાં કહ્યું કે આ એકદમ નિરાશાજનક છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application