૩ વર્ષના ભત્રીજાની હત્યા કરનાર કાકીને આજીવન કેદની સજા

  • February 28, 2025 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટમાં પાંચ વર્ષ પૂર્વે પારિવારીક માથાકૂટમાં નિ:સંતાન મહિલાએ આંગણવાડીમાંથી જેઠાણીના ત્રણ વર્ષના પુત્રને ઘરે લઈ જઈ ગળેટુંપો આપી હત્યા કરી બાળકના મૃતદેહને કચરા પેટીમાં નાખી દીધો હતો. જે ચકચારી કેસમાં ભત્રીજાના અપહરણ અને મર્ડર કેસમાં સંડોવાયેલી કાકીને કોર્ટે તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂા. 10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.


આ કેસની વિગત મુજબ, રાજકોટમાં મહેશ્ર્વરી સોસાયટીમાં રહેતા કમલેશભાઈ વલ્લભભાઈ ડોબરિયાનો ત્રણ વર્ષનો પુત્ર ખુશાલ ડોબરિયા પ્રણામી ચોક પાસે આવેલી આંગણવાડીમાં ગયો હતો ત્યારે કોઠારિયા મેઈન રોડ ઉપર નાડોદાનગરમાં રહેતી કમલેશભાઈ ડોબરિયાના નાનાભાઈની પત્ની પારૂલબેન ઉર્ફે હક્કીબેન અલ્પેશભાઈ ડોબરીયા પોતે નિ:સંતાન હોય અને પારિવારીક ખટપટ ચાલતી હોય જેનો ખાર રાખી પ્રણામી ચોક પાસે આવેલી આંગણવાડી ખાતે પહોંચી હતી અને જ્યાં આંગણવાડીમાં હાજર કર્મચારીને ખુશાલના ભાભુ તરીકેની ઓળખ આપી મંદિરે દર્શન કરવા લઈ જવાનું ખુશાલ ડોબરિયાને પોતાના ઘરે લઈ ગઈ હતી.બાદમાં તેણીએ પોતાના માથે બાંધેલ રૂમાલ વડે ત્રણ વર્ષના ભત્રીજા ખુશાલ ડોબરિયાને ગાળટૂંપો દઈ મોતને ઘાટ ઉતાર્યો હતો. માસુમની લાશને કોથળીમાં નાખી 80 ફૂટ રોડ ઉપર સીતારામ સોસાયટી મેઈન રોડ પર આવેલ સબસ્ટેશનની પેટી પાસે ફેંકી દીધી હતી. જે અંગે મૃતક ખુશાલ ડોબરિયાના પિતા કમલેશભાઈ ડોબરિયાએ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસ મથકના તત્કાલીન પી.આઈ. વી.કે. ગઢવી અને રાઈટર નિલેશભાઈ મકવાણા સહિતના સ્ટાફે ગુનાનો ભેદ ઉકેલી ત્રણ વર્ષના ભત્રીજાને મોતને ઘાટ ઉતારનાર કાકી પારૂલબેન ઉર્ફે હક્કીબેન અલ્પેશભાઈ ડોબરીયાની ધરપકડ કરી જેલહવાલે કરી હતી. જે કેસમાં તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ચાર્જશીટ બાદ કેસ સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા આંગણવાડીના કર્મચારી મેડીકલ ઓફિસર અને તપાસ અધિકારીની જુબાની તેમજ સરકારપક્ષે સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ સેશન્સ કોર્ટે ત્રણ વર્ષના ભત્રીજાનું આંગણવાડીથી અપહરણ કરી હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલી કાકીને આજીવન કેદની સજા અને રૂા. 10 હજારનો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ ફરમાવ્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ સ્મીતાબેન અત્રીએ દલીલ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application