જામકંડોરણા તાલુકાના સાતોદડ ગામે આવેલી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકની બ્રાન્ચમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તસ્કરોએ શાયરન સહિતના કેબલ તોડી નાખી, બારીની ગ્રીલ અને દરવાજો કાપી અંદર ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો. જે અંગે જામકંડોરણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
કાલાવડના ધોરાજી રોડ પર રહેતા અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેવટિવ બેંકની સાતોદડ શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા કીરીટભાઇ ઉકાભાઈ ગધેથરીયા (ઉ.વ.૪૩)એ જામકંડોરણા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.૧૩/૦૨/૨૦૨૬ ના રોજ નિત્યક્રમ મુજબ સાંજના આશરે પાંચેક વાગ્યે બેંકનું કામકાજ પુર્ણ કરી શાખાના કર્મચારીઓ જેમાં કેશીયર ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, કલાર્ક પાર્ષદરાય પંડયા બધા બેંક બંધ કરી પોત પોતાના ઘરે જતા રહ્યા હતા. ત્યારબાદ તા.૧૫/૦૨/૨૦૨૬ ના રાત્રીના આશરે ચારેક વાગ્યાના આસપાસ ફરિયાદી ઘરે હતા ત્યારે રાજકોટ ખાતે આવેલ એવરેસ્ટ સીકયુરીટી ઓફિસથી ફોન આવ્યો કે, તમારી સાતોદડ શાખાની બ્રાન્ચમાં કંઇક થયું છે તમે તપાસ કરાવો. જેથી ફરિયાદીએ બેંકના પ્યુન જયપાલસીંહ જાડેજા (રહે વાવડી,જામકંડોરણા) ને ફોન કરી કહ્યું હતું કે તમે આપણી બેંકે તપાસ કરાવો ત્યાં કઇક થયેલ છે કે કેમ ? જેથી જયપાલસિંહ જાડેજાએ બેંક ખાતે તપાસ કરાવેલ પણ કંઇ જાણવા મળેલ નહી. બાદ તા.૧૬/૦૨/૨૦૨૬ ના સવારના આશરે નવ વાગ્યે હુ મારા ઘરે હતો. ત્યારે અમારી બેંકના પ્યુન જયપાલસિંહ જાડેજાનો મને ફોન આવેલ કે, હુ બેંક ખોલવા માટે આવેલ અને મારૂ મોટર સાયકલ પાર્કીંગમાં મુકવા ગયેલ તો આપણી ઓફીસની પાછળની બારીની લોખંડની ગ્રીલના સળીયા તુટેલ જોવા મળ્યા હતા. ઉપરાંત બારીના લાકડાના દરવાજામાં આશરે ચાર બાય ચાર ઇંચ જેટલુ કાપી નાખી બાકોરું પાડી દેવાયાનું ધ્યાને આવ્યું હતું.
બાદમાં ફરિયાદીએ અહીં જઇ જોતા ઓફીસની પાછળની બારીની લોખંડની ગ્રીલ તોડી નાખેલ તથા બારીનો દરવાજો આશરે ચાર બાય ચાર ઇંચ જેટલો તોડી નાખેલ હતો. ત્યારબાદ બેંકની છત પર જઈને જોતા ત્યાં ઇલેકટ્રીક લાઇટના તેમજ નેટનો કેબલ તથા એવરેસ્ટ સીકયુરીટીનો સાયરનનો કેબલ તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. બાદ બેંકમાં તપાસ કરતા કોઇ ચીજ વસ્તુ કે રોકડ રકમ, દાગીના, બેંક પેપર્સ, ગ્રાહકોના કોઇપણ ડોકયુમેન્ટ / દસ્તાવેજની ચોરી નહિ થયાનું ધ્યાને આવ્યું હતું. બાદ બેંકમાં કેમેરા ચેક કરતા રાત્રીના આશરે બે થી ત્રણ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યાનું ધ્યાને આવ્યું હતું. જે અંગે બ્રાન્ચ મેનેજરે ફરિયાદે નોંધાવી છે.