જામનગરમાં પ્રેમ સંબંધના મામલે બઘડાટી: હત્યાની કોશિશ

  • July 02, 2021 01:36 PM 

દિગ્વિજય પ્લોટ 58માં ગુપ્તી, કાતર, પાઇપ જેવા હથિયારો ઉડયા: પિતા-પુત્ર સહિત ચાર ઘાયલ, બંને પક્ષ દ્વારા નોંધાવાતી ફરિયાદ, ભારે ચકચાર

જામનગરના દિગ્વિજય પ્લોટ 58 માં ગઈ મોડી સાંજે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી હતી, જેમાં એક બીજા પર હથિયારોથી હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી ઇજાગ્રસ્તોને જીજી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, પ્રેમ સંબંધના મામલે હુમલો કરાયો હતો જેમાં સામ સામે હત્યાની કોશિશ સહિતની કલમ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જ્યારે ફરિયાદના આધારે પોલીસે તપાસ આગળ વધારી છે.

જામનગરના શરૂ સેંકશન રોડ કુકડા કેન્દ્રની પાછળ કબીર સાહેબ નગર આવાસ યોજના વીગ એફ, છઠ્ઠા માળે રહેતા અશોકભાઈ મોહનભાઈ કટારમલ ઉંમર વર્ષ 55 એ ગતરાત્રીના સીટી એ ડીવીઝનમાં વિવેક ભરત નંદા, દીપેશ ભરત નંદા, વિવેક નવીન મહેતા, જતીન ઉર્ફે બાડો રાણા તથા ચિરાગ મુકેશ (રહે. જામનગર) ની વિરુદ્ધ આઈપીસી કલમ 307, 323, 143, 147, 148, 149 જી પી એક્ટ 135(1) મુજબ ફરિયાદ નોંધાવી હતી.

જેની વિગત મુજબ, ફરિયાદીના પુત્ર ધરમને આરોપી વિવેક નંદાની બહેન સાથે પ્રેમસંબંધ હોય જેનો ખાર રાખીને ગઇકાલે મોડી સાંજે દિગ્વિજય પ્લોટ 58, ઓધવરામ હોટલ પાસે આરોપી વિવેકે ગુપ્તી વડે હુમલો કરીને ધરમને હાથ, માથા પેટના ભાગે ધા જીકી જીવલેણ ઇજા પહોંચાડી હતી, તેમજ અન્ય આરોપીઓએ પાઇપ, સળિયા વડે મારમારીને ઈજા કરી હતી.

તેમજ ફરિયાદીને અન્ય એક આરોપીએ સળિયા વડે મૂઢ માર માર્યો હતો અને આરોપીઓએ એકબીજાને મદદગારી કરીને ફરિયાદીના પુત્રને મારી નાખવાના ઇરાદે જીવલેણ ઇજા કરી હથિયારબંધી, જાહેરનામાનો ભંગ કર્યો હતો.

ઇજાગ્રસ્ત યુવાન ધરમને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવના પગલે ટોળા એકત્ર થઇ ગયા હતા. સામાપક્ષે દિગ્વિજય પ્લોટ 58 માં દવાખાના પાસે રહેતા દીપેશ ભરત ભાઈ નંદા ઉંમર વર્ષ 23 એ સીટી એ ડીવીઝન માં ધરમ અશોક કટારમલ, અશોક મોહન કટારમલ (રહે. બન્ને શરૂ સેંકશન રોડ આવાસ કોલોની ) ની સામે આઈપીસી કલમ 307, 323, 504, 114, જી પી એક્ટ કલમ 135(1 )મુજબ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યા મુજબ ફરિયાદીની બહેનને આ કામના આરોપી ધરમ મોબાઈલ ફોનમાં મેસેજ કરતો હોય જેથી મેસેજ ન કરવા બાબતે ફરિયાદી તથા ભોગબનનાર વિવેક ભરતભાઈ સમજાવવા જતા ગઈકાલે દિગ્વિજય પ્લોટ 58, હોટલ સામેના વિસ્તારમાં આરોપી ધરમે પાનની દુકાનમાંથી તિક્ષણ ધારદાર કાતર લઈને વિવેકને મારી નાખવાના ઇરાદે માથાની બાજુએ જીવલેણ ઘા ઝીંકીને ગંભીર ઇજા પહોંચાડી હતી,

તેમજ ફરિયાદીને આરોપી અશોકએ લોખંડનો પાઈપ માથામાં ઝીંકી દઇ ઇજા કરી, અપશબ્દો બોલી એકબીજાને મદદગારી કરી હથિયાર બંધી, જાહેરનામાનો ભંગ કર્યો હતો. બંને પક્ષોની ફરિયાદના આધારે સીટી એના પીએસઆઇ આઈ આઈ નોયડા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવે શહેર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS