અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. આ દરમિયાન ઇઝરાયલે લેબનોનમાં ઈરાન સમર્થક ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહ વિરુદ્ધ મિલિટરી ઓપરેશન તેજ કરી દીધું છે. લેબનોનના અધિકારીઓ અનુસાર, અત્યાર સુધી ઇઝરાયલી હુમલામાં 50 લોકોના જીવ ગયા છે, જ્યારે 335 લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન ઇઝરાયલની સેના, એટલે કે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ, એ દક્ષિણ લેબનોનના 16 ગામો અને કસબાઓને ખાલી કરવાનો આદેશ આપ્યો છે.
અમેરિકા-ઇઝરાયલી હુમલામાં પોતાના સુપ્રીમ લીડર ગુમાવ્યા પછી ઈરાનની સ્પેશિયલ ફોર્સ, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ બદલાની ભાવનામાં છે. તે સમગ્ર મધ્ય પૂર્વમાં અમેરિકાના ઠેકાણાઓને પસંદ કરીને નિશાન બનાવી રહી છે. મંગળવાર, 3 માર્ચની મોડી રાત્રે દુબઈમાં અમેરિકી વાણિજ્ય દૂતાવાસ (યુએસ કોન્સ્યુલેટ) નજીક ડ્રોન હુમલાથી આગ લાગી ગઈ. આ હુમલો તે સમયે થયો જ્યારે ઈરાન મધ્ય પૂર્વમાં અમેરિકી રાજદ્વારી મિશનોને નિશાન બનાવીને ડ્રોન અને મિસાઈલ હુમલા ચાલુ રાખી રહ્યું છે. આ પહેલા સોમવાર અને મંગળવારે કુવૈત અને રિયાદમાં અમેરિકી દૂતાવાસો પર પણ હુમલા થયા હતા.
હિઝબુલ્લાહે દાવો કર્યો છે કે તેણે ઉત્તર ઇઝરાયલના મેતુલા શહેરમાં ઇઝરાયલી સૈનિકો પર રોકેટ છોડ્યા. આ પહેલા તેણે હાઇફાના નૌકાદળના અડ્ડા પર મિસાઈલ હુમલો કરવાની પણ વાત કહી હતી.
યુદ્ધમાં અમેરિકાના દાવા
ઈરાનના 17 જહાજો તબાહ કરી દેવામાં આવ્યા, જેમાં એક સબમરીન પણ સામેલ છે.
આ ઓપરેશનમાં 50,000થી વધુ અમેરિકી સૈનિકો સામેલ છે.
લગભગ 200 ફાઈટર જેટ, બે એરક્રાફ્ટ કેરિયર અને બોમ્બ ફેંકનારા વિમાનો સામેલ છે.
ઈરાનના એર ડિફેન્સ સિસ્ટમ, મિસાઈલો અને ડ્રોનને ભારે નુકસાન થયું છે.
અમેરિકાએ આ યુદ્ધને એપિક ફ્યુરી નામ આપ્યું છે.
ઈરાનનો દાવો- 2 દિવસમાં 650 અમેરિકી સૈનિકો માર્યા ગયા
ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે તેના વળતા હુમલામાં પહેલા બે દિવસમાં લગભગ 650 અમેરિકી સૈનિકો માર્યા ગયા અથવા ઘાયલ થયા છે. આ માહિતી ચીની ન્યૂઝ એજન્સી શિન્હુઆએ આપી છે.
IRGCના પ્રવક્તા અનુસાર, ઈરાને બહેરીનમાં હાજર અમેરિકી નૌકાદળના પાંચમા કાફલાના હેડક્વાર્ટર અને સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ અને ડ્રોન વડે અનેક હુમલા કર્યા. ઈરાને એવો પણ દાવો કર્યો કે તેના મિસાઈલ હુમલાઓથી એક અમેરિકી સૈન્ય જહાજને ભારે નુકસાન થયું.
ઇઝરાયલે 300 ઇરાની મિસાઇલ લોન્ચર્સનો નાશ કર્યો
ઇઝરાયલે દાવો કર્યો છે કે યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધીમાં તેમણે ઇરાનના લગભગ 300 મિસાઇલ લોન્ચર નષ્ટ કર્યા છે. આ ઠેકાણાઓમાં બેલેસ્ટિક મિસાઇલ સિસ્ટમ અને એર ડિફેન્સ સિસ્ટમ પણ શામેલ છે.
ઇઝરાયલી એર સ્ટ્રાઇકમાં માઉન્ટ લેબનોન વિસ્તારમાં 6 લોકોના મોત
લેબનોનના માઉન્ટ લેબનોન વિસ્તારમાં ઇઝરાયલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 6 લોકોનાં મોત થયા છે અને 8 લોકો ઘાયલ થયા છે. લેબનોનના ટીવી ચેનલ અલ મયાદીને આ સમાચાર આપ્યા છે. ચેનલ મુજબ, હુમલો અરામૌન અને સાદિયાત વિસ્તારોમાં થયો હતો. આ માહિતી લેબનોની સ્વાસ્થ્ય મંત્રાલયના હવાલેથી આપવામાં આવી છે.
ઇઝરાયલે લેબનોનના 16 ગામો ખાલી કરવાનો આદેશ આપ્યો
લેબનોનના દક્ષિણ ભાગમાં રહેતા લોકોને ઇઝરાયલી સેનાએ તેમના ઘર છોડવા કહ્યું છે. અહીંના 16 ગામો અને કસબાઓના લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે જવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઈરાનની રાજધાની તેહરાનમાં ફરી વિસ્ફોટ
ઈરાનની રાજધાની તેહરાનમાં ફરી એકવાર ધમાકાના અવાજો સંભળાયા છે. ઈરાનની સમાચાર એજન્સી તસ્નીમ અનુસાર, છેલ્લા એક કલાકમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી વિસ્ફોટના અવાજો સાંભળવામાં આવ્યા છે.
ઈરાનના મશહદમાં દફનાવવામાં આવશે અયાતુલ્લા ખામેનેઇ
ઈરાની સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, અમેરિકા-ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા સુપ્રીમ લીડર અલી ખામેનીને ઉત્તર-પૂર્વના શહેર મશહદમાં દફનાવવામાં આવશે. તેમને ઈમામ રઝા (અલૈહિસ્સલામ)ની દરગાહ પાસે સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. જોકે, તે કયા દિવસે કરવામાં આવશે તેની માહિતી હજુ સામે આવી નથી.
અમેરિકી સેનાનો દાવો- 17 ઈરાની જહાજ અને એક સબમરીન નષ્ટ કરી
અમેરિકી સેન્ટ્રલ ફોર્સના કમાન્ડરે એક વીડિયો મેસેજ જાહેર કર્યો છે. જેમાં 28 ફેબ્રુઆરીથી ચાલી રહેલા જંગ વિશે જણાવ્યું છે કે તેમણે 17 ઈરાની મિલિટરી જહાજ અને એક સબમરીન નષ્ટ કરી દીધા છે. સાથે જ એ પણ કહ્યું કે અરબની ખાડી, હોર્મુઝ સ્ટ્રેટ અથવા ઓમાન સ્ટ્રેટમાં હવે કોઈ પણ ઈરાની જહાજ નથી. ઈરાને અત્યાર સુધી 500થી વધુ બેલેસ્ટિક મિસાઈલો અને 2000 ડ્રોન છોડ્યા છે.
ઈરાનનો દાવો- અમેરિકી F-15 ઈગલ જેટ તોડી પાડ્યું
ઈરાનના તસ્નીમનો દાવો છે કે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન આર્મીની એર ડિફેન્સ સિસ્ટમે વધુ એક અમેરિકી F-15 ઈગલ જેટને તોડી પાડ્યું છે.
ટ્રમ્પે કહ્યું- અમેરિકા સ્પેન સાથેનો તમામ વેપાર સમાપ્ત કરશે
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા સ્પેન સાથેના તમામ વેપાર સંબંધો સમાપ્ત કરશે. સ્પેને ઈરાન સાથે સંબંધિત લશ્કરી કામગીરી માટે યુએસ લશ્કરી થાણાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઈરાનમાં શાળાઓ પર અમેરિકાના હુમલામાં 170 લોકોના મોત: ઈરાની મંત્રી
ઈરાનના પ્રેસટીવીએ દેશના શિક્ષણ મંત્રીને ટાંકીને કહ્યું કે વધતા સંઘર્ષ વચ્ચે અમેરિકા-ઈઝરાયલી હુમલામાં ઈરાનની લગભગ 20 શાળાઓને નિશાન બનાવવામાં આવી હતી, જેમાં આશરે 170 વિદ્યાર્થીઓ અને શિક્ષકો માર્યા ગયા હતા.
મધ્ય પૂર્વ યુદ્ધ: 'અમે યુદ્ધ રોકવા માટે તૈયાર છીએ: ઈરાની નેતા
ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા આયાતુલ્લા સૈયદ અલી ખામેનીના પ્રતિનિધિ ડૉ. અબ્દુલ માજિદ હકીમ ઈલાહીએ ANI સાથેની એક મુલાકાતમાં કહ્યું હતું કે, "અમે યુદ્ધ રોકવા માટે તૈયાર છીએ. અમે વાટાઘાટો માટે તૈયાર છીએ, પરંતુ વાટાઘાટો આદર સાથે થવી જોઈએ, ઈરાન વિરુદ્ધ કંઈપણ આદેશ આપવા માટે નહીં. અમે પોતાનો બચાવ કરી રહ્યા છીએ. અમે અમારા અધિકારો શોધી રહ્યા છીએ, બીજું કંઈ નહીં."