રાજકોટના નામચીન શખસ અને તેના સાગરીતનો પીએસઆઇ ઉપર હુમલો

  • December 04, 2020 11:35 AM 387 views

રાજકોટમાં દારૂના ગુનામાં વોન્ટેડ ભિસ્તીવાડના નામચીન ગુનેગારના ફરાર પુત્ર અને તેના સાગરીતે કુવાડવા ચોકડી પાસે પ્રદ્યુમન નગર પોલીસ ટીમ પર હુમલો કરતા પીએસઆઇને ઇજા થઇ હતી. આ બનાવ બાદ પોલીસે ફરાર બન્ને આરોપીને ઝડપી લીધો હતો.


રાજકોટના ભીસ્તીવાડમાં રહેતા કુખ્યાત ગુનેગાર મુસ્તુફા અકબર ઉર્ફે હકુભા ખીયાણી વિરુદ્ધ વિદેશી દારૂનો ગુનો નોંધાયો હોય જેમાં તે વોન્ટેડ હતો તે કુવાડવા રોડ તરફ આવતો હોવાની બાતમીના આધારે પ્રદ્યુમન નગર પોલીસ મથકના પીએસઆઈ કે ડી પટેલ અને તેમના સ્ટાફે વોચ ગોઠવી હતી.પોલીસ સ્ટાફ દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીની તપાસમાં કુવાડવા પાસે વોચમાં હતા ત્યારે બસમાંથી ભિસ્તીવાડમાં રહેતા મુસ્તુફા અકબર ઉર્ફે હકુભા ખીયાણી અને માજીદ રફીક ભાણુ ઉતર્યા હતા. આ બંને વિરુદ્ધ અગાઉ પ્ર.નગર પોલીસમાં ધાક-ધમકી અને ગાળો આપવાનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં માજીદની ધરપકડ થઈ ગઈ હતી, જ્યારે મુસ્તુફાના હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મંજૂર થયા હતા. જે મુજબ તેને ગઈ તા.૧/૧૧/૨૦૨૦થી ૫/૧૧/૨૦૨૦ સુધી પોલીસ મથકમાં હાજર થવાનું હતું. પરંતુ તે હાજર થયો ન હોવાથી પીએસઆઈ કે. ડી. પટેલે તેને હાજર થઈ જવાની સમજ આપી હતી. પરંતુ તેણે મારે રજૂ નથી થવું તેમ કહી દલીલબાજી કરી હતી. તેને પકડવા જતાં માજીદ સાથે મળી પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. બાદમાં બંને ભાગ્યા હતા. દૂર જઈ આરોપી મુસ્તુફાએ છૂટા પથ્થરનો ઘા કરતા તે પીએસઆઈ પટેલના માથામાં વાગતા ઈજા થઈ હતી. આમ છતાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી બંનેને ઝડપી લીધા હતા. ત્યારબાદ કુવાડવા પોલીસ મથકમાં ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરાવી બંનેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે બંને શખ્સોની સરભરા કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application