ખંભાળિયામાં સિંધવી સિકોતેર માતાજીના મંદિરે ગરબા વખતે માતાજીની ચાખડી અને સિંહ જાતે જ પડી જાય છે...

  • October 18, 2023 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી સિંધવી સિકોતર માતાજીના મંદિર ખાતે ગવાતા ગરબા તેમજ છંદ દરમિયાન માતાજી હાજરાહજૂર થાય છે અને પરચો આપે છે. અહીં ગરબા દરમિયાન માતાજીની ચાખડી તેમજ સિંહ પડી જતા હોવાની ઘટના નિયમિત રીતે બને છે.


ખંભાળિયામાં જલારામ ચોક, જૂની લોહાણા મહાજન વાડી સામે આવેલા થોભાણી - મપારા પરિવારના કુળદેવી સિંધવી સિકોતેર માતાજીના મંદિર ખાતે દર મંગળવારે ભક્તો દ્વારા ગરબાનું ગાન કરવામાં આવે છે. માતાજીના મંદિરે હાલ નવરાત્રી નિમિત્તે દરરોજ ધાર્મિક આયોજનો કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાય છે. અહીં ગરબા દરમિયાન ઢોલ, તબલા અને વાજિંત્રો સાથે માતાજીની આરાધના વખતે મંદિરમાં રાખેલી માતાજીની ચાખડી તથા સિંહ આપોઆપ નીચે પડી જાય છે..!!


આ બાબતને નિહાળવા તેમજ માતાજીની સ્તુતિ કરવા મોટી સંખ્યામાં લોકો-ભક્તો અહીં આવે છે. અહીં ગાયત્રી ગરબા મંડળના પ્રવીણભાઈ છગ, કિરીટભાઈ મજીઠીયા (બકાલી), યોગેશભાઈ આચાર્ય, હિતેશભાઈ બોડા, દિલીપભાઈ કછટીયા, ગીરીશભાઈ સવજાણી, કિરીટભાઈ માણેક, હસમુખ ડોડીયા, જગદીશ ચાવડા, શ્રવણ જોશી, વિગેરે દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે.


વર્ષ દરમિયાન નિયમિત રીતે અહીં ગરબા, છંદ દ્વારા માતાજીની સ્તુતિ વખતે સ્વયં જ ચાખડી અને સિંહ પડવાની અદભુત ઘટના બને છે. ગાયત્રી ગરબા મંડળ તેમજ અહીં દેશી પદ્ધતિથી ગાઈ-વગાડીને ગવાતા ગરબા ખૂબ જ પ્રસિદ્ધ છે. ત્યારે આ બાબતથી સિંધવી સિકોતેર માતાનું મંદિર સમગ્ર પંથકના ખૂબ જ પ્રસિદ્ધ બન્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application