રાજકોટમાં ન્યારી ડેમમાં સૌની યોજનાના પાણીનું આગમન

  • May 06, 2023 03:40 PM 

રાજકોટના ન્યારી-૧ ડેમમાં નર્મદા નીરનું આગમન થઈ ચૂક્યું છે અને પખવાડિયા પછી આજી-૧ ડેમમાં ઠલવાશે.



આજી-૧ ડેમમાં ૬૩૧ એમ.સી.એફ.ટી. તથા ન્યારી-૧ ડેમ માં ૩૬૫ એમ.સી.એફ.ટી. નર્મદા નીર ઠલવાશે.છેલ્લાં ૫ વર્ષમાં સતત ૧૧ વખત નર્મદા મૈયાનું કુલ ૧,૭૬૭.૯૭ એમ.સી.એફ.ટી. નીર ન્યારી ડેમમાં ઠાલવવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના મારફત જુન-૨૦૧૭ થી કુલ ૩૩ વખત નર્મદા મૈયાનું કુલ ૯,૧૮૩.૯૭ એમ.સી.એફ.ટી. નીર પુરૂ પાડવામાં આવેલ છે.



વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ. પ્રદિપભાઇ ડવ, ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઇ ઘવા, શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા અને વોટર વર્કસ સમિતિ ચેરમેન દેવાંગભાઇ માંકડએ જણાવ્યું હતું કે ભર ઉનાળે પાણીની અછત ઉદભવે નહિ, પાણી કાપ ન આવે, પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાય નહી તે હેતુસર, આજી-૧ ડેમ માટે ૬૩૧ એમ.સી.એફ.ટી. તથા ન્યારી-૧ માટે ૩૬૫ એમ.સી.એફ.ટી. નર્મદા નીરની માંગણી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારમાં કરવામાં આવેલ. જેના અનુસંધાને સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની નર્મદા પાણીની માંગણી ખુબ જ ટુંકા સમયગાળામાં મંજુર કરી, પાણીની ફાળવણી કરેલ છે. જેના અનુસંધાને ગત તા.૫-૫-૨૦૨૩ ના રોજ પ્રથમ ન્યારી-૧ ડેમ ખાતે નર્મદા મૈયાના નીરનું આગમન થયેલ છે જેને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ હર્ષભેર આવકારે છે અને કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની સરકાર અને રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકારનો આભાર વ્યકત કરે છે.


હાલ, આજી-૧ ડેમમાં ૪૭૯.૨૦ એમ.સી.એફ.ટી., ન્યારી-૧ ડેમમાં ૪૮૯.૨૦ એમ.સી.એફ.ટી. અને ભાદર-૧ ડેમમાં ૧૯.૮૦ એમ.સી.એફ.ટી. જથ્થો ઉપલબ્ધ છે. હાલના જથ્થા મુજબ, આજી-૧ ડેમમાં ૩૧મી મે સુધી, ન્યારી-૧ ડેમમાં ૧૦મી જુન સુધી અને ભાદર-૧ ડેમમાં ૩૧મી ઓગસ્ટ સુધી પાણી વિતરણ વ્યવસ્થા ચાલુ રાખી શકાય તેમ છે. આગામી સમયમાં, શહેરીજનોને પાણીની સમસ્યા ન ઉદભવે તે માટે આગોતરૂ આયોજન કરી, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે નર્મદા નીર આપવા માંગણી કરતા, રાજકોટ મહાનગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ચાલુ માસ દરમ્યાન તેમજ આગામી સમયમાં, આજી-૧ ડેમ માટે ૬૩૧ એમ.સી.એફ.ટી. તથા ન્યારી-૧ માટે ૩૬૫ એમ.સી.એફ.ટી. મળી કુલ ૯૯૬ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો નર્મદા નીર દ્વારા પુરો પાડવામાં આવનાર છે. જે મુજબ ન્યારી-૧ ખાતે નર્મદા નીરનું આગમન થયેલ છે. આગામી ચોમાસાની ઋતુમાં મેઘરાજાની મોડી પધરામણી થાય તેવા સંજોગોમાં પણ પાણીપૂરવઠો જળવાઈ રહે તે માટે આગોતરી તૈયારી હાથ ધરાઇ છે.

-



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application