BREAKING NEWS

મધ્ય-દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ધોઈ નાખ્યુંઃ મહેમદાવાદમાં 25 ઈંચ, બચાવ કાર્ય માટે આર્મી ઉતારાઈ, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો

  • July 24, 2026 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જોકે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી આફત આવી પડી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યમાં 24 કલાકમાં (ગઈકાલ સવારના છ વાગ્યાથી આજે સવારના છ વાગ્યા) સુધીમાં સાર્વત્રિક 255 તાલુકામાં સામાન્યથી 20 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ખેડા જિલ્લાના મહેમદાવાદમાં મેઘતાંડવ થયું હોય તેમ 20 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે આજે સવારે છથી દસ વાગ્યા સુધીમાં વધુ 5.08 ઈંચ વરસાદ ખાબકતા 28 કલાકમાં કુલ 25 ઈંચથી વરસાદ પડ્યો છે. આથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે. 

રાજ્યમાં સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં નોંધાયો છે. મહેમદાવાદમાં ૨૪ કલાકમાં કુલ ૫૦૭ મીમી (૧૯.૯૬ ઈંચ) ભારે વરસાદ ખાબક્યો છે, જેમાંથી ગઈકાલે બપોરે ૧૨ થી ૨ વાગ્યાના માત્ર બે જ કલાકમાં ૧૫૬ મીમી (૬ ઈંચથી વધુ) વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ૪૭૩ મીમી (૧૮.૬૨ ઈંચ), ખેડાના માતરમાં ૪૧૨ મીમી (૧૬.૨૨ ઈંચ) અને ખેડા તાલુકામાં ૩૭૪ મીમી (૧૪.૭૨ ઈંચ) વરસાદ નોંધાયો છે. વિરમગામ અને મંડલમાં પણ અનુક્રમે ૧૪.૬૧ અને ૧૧.૮૧ ઈંચ વરસાદ પડતાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે.  

દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત અને તાપી જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લાના ચીખલીમાં ૪૫૧ મીમી (૧૭.૭૬ ઈંચ) અને ખેરગામમાં ૪૩૪ મીમી (૧૭.૦૯ ઈંચ) આંકડો નોંધાયો છે. વલસાડના ઉમરગામમાં સવારના ૬ થી ૮ વાગ્યાના ગાળામાં જ ૧૮૩ મીમી વરસાદ સાથે કુલ ૪૩૪ મીમી (૧૭.૦૯ ઈંચ) વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડામાં પણ ૪૩૩ મીમી (૧૭.૦૫ ઈંચ) વરસાદ વરસ્યો છે. વાંસદા, વાસદા/વાઘઈ, ગણદેવી, પારડી અને ડાંગ વિસ્તારોમાં પણ ૧૧ થી ૧૪ ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાતા નદી-નાળા છલકાઈ ગયા છે.  

અમદાવાદ શહેરમાં ૨૪ કલાક દરમિયાન કુલ ૨૯૬ મીમી (૧૧.૬૫ ઈંચ) વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સાંજે ૬ થી રાત્રે ૧૦ વાગ્યા સુધીના સમયગાળામાં ધોધમાર વરસાદ પડતાં શહેરના અનેક અંડરપાસ અને મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આણંદના સોજિત્રા (૧૧.૨૬ ઈંચ), પેટલાદ (૧૦.૦૪ ઈંચ) અને ભરૂચના નેત્રંગ (૧૧.૧૮ ઈંચ)માં પણ ભારે વરસાદ થયો છે. વડોદરા શહેર અને પાદરામાં પણ ૬ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.  

સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના કુંકાવાવ વડિયામાં ૭.૦૧ ઈંચ (જેમાંથી સવારે ૪ થી ૬ વાગ્યામાં જ ૧૪૫ મીમી), રાજકોટના જસદણ, જેતપુર અને જામકંડોરણા વિસ્તારોમાં ૫.૫ થી ૬ ઈંચ સુધીનો વરસાદ થયો છે. સુરેન્દ્રનગરના લખતર અને દસાડા તાલુકામાં તથા મહેસાણાના બેચરાજી અને કડી તાલુકામાં પણ ૭ થી ૧૦ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે.  

તંત્ર દ્વારા તમામ પૂર પ્રભાવિત વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.  

આજે સવારે છથી આઠ વાગ્યા દરમિયાન સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં નોંધાયો છે, જ્યાં માત્ર બે જ કલાકમાં ૧૧૨ મીમી (૪.૪૧ ઈંચ) ભારે વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત વાવ-થરાદ પ્રદેશના દિયોદરમાં ૭૩ મીમી (૨.૮૭ ઈંચ) અને ભાભરમાં ૬૩ મીમી (૨.૪૮ ઈંચ) વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ૫૫ મીમી (૨.૧૭ ઈંચ) અને ખેડા તાલુકામાં ૪૯ મીમી (૧.૯૩ ઈંચ) વરસાદ નોંધાયો છે. પાટણના રાધનપુરમાં ૪૮ મીમી તથા અમરેલીના બગસરા અને બનાસકાંઠાના હડાદમાં ૪૪-૪૪ મીમી વરસાદ થતાં સવારથી જ વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે.

રાજ્યના અન્ય વિસ્તારો જેવા કે નડિયાદ (૪૩ મીમી), ધોળકા (૩૮ મીમી), કુંકાવાવ વડિયા (૩૭ મીમી), બેચરાજી (૩૬ મીમી), કડી (૩૬ મીમી), બાવળા (૩૬ મીમી), વાલોડ (૩૬ મીમી) અને સુઈગામ (૩૬ મીમી) માં પણ પોણા બે થી દોઢ ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ પડ્યો છે. સવારથી જ સતત વરસી રહેલા વરસાદને કારણે વિઝિબિલિટી ઘટી છે અને વાહનવ્યવહાર પર તેની અસર જોવા મળી રહી છે.  ​​​​​​​

એનડીઆરએફ-એસડીઆરએફ સ્ટેન્ડબાય, આર્મી ઉતારાઈ

તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી આખી રાત ચાલુ રાખવામાં આવી હતી. હાલ દક્ષિણ ગુજરાતમાં એનડીઆરએફ અને એસડીઆપએફની ટીમો તૈનાત છે. કેટલાક જિલ્લાઓમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે. 35થી વધુ સ્થળોએ સબ સ્ટેશનમાં ખામી સર્જાતા વીજ પુરવઠો અસરગ્રસ્ત થયો છે. સુરત જિલ્લામાં ત્રણ એનડીઆરએફ અને પાંચ એસડીઆરએફ જ્યારે વલસાડમાં ત્રણ એનડીઆરએફ અને પાંચ એસડીઆરએફ ટીમો તૈનાત છે. ઓડિશાથી વધુ ટાર ટીમો ગુજરાત બોલાવવામાં આવી છે, જેમાં બે ટીમ વલસાડ અને એક ટીમ સુરત તરફ મોકલવામાં આવી છે. આર્મીની બે કોલમ પણ બોલાવવામાં આવી છે. બચાવ કામગીરી માટે 25 બોટ વલસાડ રવાના કરવામાં આવી છે. નવસારીમાં જરૂર પડશે તો બોટ મોકલવામાં આવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application