પોરબંદરમાં મકાનની કાયદેસરતા પૂરવાર કરવા માટે મૌખિક સુચના મળતા વધુ એક યુવાને કર્યો આપઘાત

  • May 01, 2025 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં મકાનની કાયદેસરતા પૂરવાર કરવા માટે મહાનગરપાલિકાએ મૌખિક રીતે નોટીસ આપતા અનુસૂચિત જાતિ સમાજના વધુ  એક યુવાને આપઘાત કરી લીધો છે ત્યારે આ પ્રકારના હજુ અનેક બનાવો બને તેવી શકયતા દર્શાવીને આ વિસ્તારના લોકોએ વચગાળાનો રસ્તો કાઢવા માંગ કરી છે.
યુવાને કર્યો આપઘાત
પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા અનુસુચિત જાતિ સમાજના દિલીપ મેપાભાઇ શીંગરખીયા નામના ૪૨ વર્ષના યુવાને તેના ઘરે જ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા પરિવારજનો પર વજ્રઘાત થયો હતો અને તેમના મૃતદેહને પી.એમ. માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લવાતા મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિસમાજના આગેવાનો, પૂર્વ સુધરાઇ સભ્ય વગેરે એકત્ર થઇ ગયા હતા અને પોલીસને એવુ નિવેદન આપવામાં આવ્યુ હતુ કે ગળાફાંસો ખાઇને આપઘાત કરનાર યુવાન દિલીપ શીંગરખીયાને કેટલાક દિવસો પહેલા મહાનગરપાલિકાના તંત્રએ મૌખિક રીતે નોટીસ આપીને તેમના મકાનની કાયદેસરતાના પૂરાવા રજૂ કરવા જણાવ્યુ હતુ અને આ નોટીસ મળી ત્યારથી તે ચિંતાતુર અને ગુમસુમ રહેતો હતો અને અંતે તેણે બુધવારે બપોરે ગળાફાંસો ખાઇ લીધો હતો.
પાંચ દિવસમાં બીજા યુવાનનો આપઘાત
નરસંગ ટેકરી વિસ્તારમાં શુક્રવારે પણ આ જ પ્રકારની નોટીસને લીધે હરીશ દેવાભાઇ શીંગરખીયા નામના યુવાને ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી ત્યારે પણ પોલીસને તેના પરિવારજનોએ નિવેદન આપીને તંત્રની નોટીસને લીધે જ આવુ પગલુ ભર્યાનું જણાવ્યુ હતુ અને હવે ફરી એ  જ વિસ્તારમાં વધુ એક યુવાને અંતિમ પગલુ ભરીને આપઘાત કરી લીધો છે ત્યારે પરિવારજનો ઉપર વજ્રઘાત થયો છે.
વચગાળાનો રસ્તો કાઢો
પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં બબ્બે પેઢીથી લોકો વસવાટ કરે છે અને  તેમને આ પ્રકારની નોટીસ અપાતા સ્વાભાવિક રીતે જ ડીમોલીશન કરવામાં આવશે તો તેઓ ઘરબાર વગરના થઇ જશે માટે મહાનગરપાલિકાના તંત્રએ રાજકીય આગેવાનોની દરમ્યાનગીરીથી વચગાળાનો રસ્તો કાઢવો જોઇએ તે જ‚રી બન્યુ છે. અહીં વસવાટ કરતા પરિવારો કોઇ મોટા માથા નથી અને કરોડોની જમીન દબાવી નથી. ૩૦ થી ૫૦ વારના નાના મકાનમાં તેઓ વર્ષોથી વસવાટ કરી રહ્યા છે તેથી મહાનગરપાલિકાના તંત્રએ આ મુદ્ે યોગ્ય કરવુ જ‚રી બન્યુ છે. તેમ ભીમમહોત્સવ સમિતિના પ્રમુખ બાબુભાઇ પાંડાવદરાએ જણાવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application