ઉલટી ઉબકાનું નાટક કરી મુસાફરોને ખંખેરથી વધુ એક રિક્ષા ગેંગ ઝડપાઈ

  • June 03, 2025 03:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ ચોકડી થી રૈયા ટેલી.એક્સચેન્જ તરફ જતા મુસાફરને એક રિક્ષામાં બેસાડી અગાઉથી રીક્ષામાં મુસાફર તરીકે બેઠેલા શખસે ઉલટી- ઉબકાનું નાટક કરી મુસાફરના ખિસ્સામાંથી રૂ.૧૫ હજારની રોકડ સેરવી લીધા હતા. માલવીયાનગર પોલીસે પીડીએમ કોલેજ પાસેથી બેલડીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ, બે દિવસ પહેલા બપોરે ત્રણેક વાગ્યા આસપાસ ફરિયાદી ગોંડલ ચોકડીથી રૈયા ટેલીફોન એક્સચેન્જ સર્કલ જવા માટે રીક્ષામાં બેસેલ હતા.રીક્ષામાં પહેલાથી જ એક મુસાફર બેસેલ હતો.થોડે આગળ જતા બાજુમાં બેસેલ મુસાફરે ઉબકા ઉલટીનું બહાનું આપી રીક્ષા સાઇડમાં રખાવી ફરિયાદીની નજર ચૂકવી તેના પેન્ટમાંથી રૂ.૧૫,૫૦૦ જેટલી રકમ સેરવી લીધા હતા.જે અંગે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસની ટીમે બનાવવાળી જગ્યાની આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરી તપાસ આગળ ધપાવી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ મયુરદાન બાટી અને કોન્સ્ટેબલ મનીષ સોઢિયા, ચિત્રકેતુસિંહ ઝાલાને મળેલ બાતમી મળી હતી કે, આ રીક્ષા લઈને બે શખસો ગોંડલ રોડ પીડીએમ કોલેજ પાસે સિટી બસના સ્ટોપ પાસે ઉભેલ છે તેઓ ફરી એકવખત ચોરી કરવા અન્ય મુસાફરોનો શોધ માટે ઊભા હતા.આ બાતમીના આધારે પોલીસની ટીમે અહીં પહોંચી ધનજી ઉર્ફે કાળો ચોર દેવજીભાઈ ડેડાણી(ઉ.વ 42 રહે. રેલનગર પોપટપરા) અને સુનિલ મોહનભાઈ પેરવાણી(ઉ.વ 45 રહે. આસ્થા ચોક, રેલનગર) ને ઝડપી લીધા હતા. પોલીસે આ બેલડી પાસેથી રિક્ષા સહિત કુલ રૂ.૮૫,૫૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો. આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ? તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.

આ કામગીરીમાં માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં પીઆઈ જે.આર.દેસાઈના માર્ગદર્શનમાં પીએસઆઇ એમ.જે. ધાંધલની રાહબારીમાં એએસઆઈ હિરેન પરમાર, હેડ કોન્સ્ટેબલ અજય વિક્રમા, દિનેશ બગડા અને કોન્સ્ટેબલ મનીષ સોઢિયા, ભાવેશ ગઢવી, મયુરદાન બાટી, જયદીપસિંહ ભટ્ટી, ચિત્રકેતુસિંહ ઝાલા અને અમરદીપસિંહ જાડેજા સાથે રહ્યા હતા.


આરોપી ધનજી સામે ચોરી- જુગાર સહિતના 15 ગુના

આરોપી ધનજી ઉર્ફે કાળો ચોર સામે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ૧૫ જેટલા અન્ય ગુના નોંધાયા છે. જેમાં જુગાર,ઘરફોડ ચોરી, રીક્ષામાં બેસેલ મુસાફરના રોકડાની ચોરી, દારૂ સહિતના ગુના છે. જ્યારે અન્ય આરોપીએ ચોરી સહિત અન્ય ૩ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application