કચ્છ માટે વધુ એક નજરાણું, ચિત્તા સંવર્ધન-સંરક્ષણ માટેનું બ્રિડિંગ સેન્ટર બનશે

  • December 08, 2023 08:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સીધા માર્ગદર્શનમાં કચ્છ આજે માત્ર ભારત જ નહીં પણ પ્રવાસન ક્ષેત્રે વિશ્વમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ના મંત્રને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છ માટે વધુ એક નજરાણું ઉમેરાયું છે. કચ્છમાં પ્રથમવાર બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ- સંવર્ધન માટેના બ્રિડિંગ સેન્ટરને કેન્દ્ર સરકાર દ્વારા આજે મંજૂરી આપવામાં આવી છે તેમ વન મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું. 


વન મંત્રી મુળુભાઇએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, દેશમાં ચિત્તાની વસ્તી પુનઃસ્થાપિત કરવા માટે ચિત્તાના સંવર્ધનને ટેકો આપવાના હેતુ સાથે ગુજરાતના કચ્છ જિલ્લાના બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તાના સંરક્ષણ સંવર્ધન માટેનો પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરીને નેશનલ કોમ્પેન્સેટરી ફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ ઓથોરિટી (નેશનલ કેમ્પા) હેઠળ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, નવી દિલ્હીને મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટને આજે તા. ૦૮.૧૨.૨૦૨૩ના રોજ રાષ્ટ્રીય CAMPAની કાર્યકારી સમિતિની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે જે ગુજરાત માટે ગૌરવ સમાન છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) આ પ્રોજેક્ટની પ્રગતિ પર નજર રાખશે.


મંત્રીએ કહ્યું હતું કે, ભૂતકાળમાં બન્ની ગ્રાસલેન્ડ ચિત્તાનું રહેઠાણ હતું. સમયાંતરે ચિત્તા લુપ્ત થયા હતા. ગુજરાતે પહેલ કરીને બન્ની ગ્રાસલેન્ડ વિસ્તારમાં ચિત્તાનું બ્રીડીંગ સેન્ટર બનાવવા માટેનો પ્રોજેકટ તૈયાર કરીને ભારત સરકારને મોકલવામાં આવ્યો હતો. જેને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપતા હવે કચ્છનું બન્ની ગ્રાસલેન્ડ પુનઃ ચિત્તાના નિવાસસ્થાન તરીકે વિશ્વફલક પર જાણીતું થશે અને કચ્છ સહિત ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application