જામનગરના જયેશ પટેલ અને એડવોકેટ હત્યાના ત્રણ આરોપીઓ સામે વધુ એક ફરિયાદ

  • March 30, 2021 07:52 PM 

બોગસ દસ્તાવેજોના આધારે પાસપોર્ટ બનાવ્યાનું ખુલ્યું

જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ અને એડવોકેટની હત્યા કેસમાં પકડાયેલા ત્રણ આરોપીઓએ બોગસ દસ્તાવેજોના આધારે પાસપોર્ટ બનાવ્યાનું સામે આવતા ચારની સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ચકચારી પ્રકરણમાં પોલીસ ટુકડીઓ દ્વારા જુદા-જુદા રાજ્યમાં તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે, દરમિયાન ખૂલેલી વિગતોના આધારે સીટી એ ડિવિઝનમાં ગુનો દાખલ કરીને તપાસ આગળ ધપાવી છે.

જામનગર પોલીસ દ્વારા સ્પેશિયલ ઓપરેશન હાથ ધરીને ભૂમાફિયા જયેશ પટેલના ગુનાખોરીના સામ્રાજ્યને નેસ્તનાબૂદ કરવા માટે તપાસનો ધમધમાટ ચલાવવામાં આવ્યો હતો, દરમિયાનમાં ભૂમાફિયા જયેશ પટેલ લન્ડનમાં પકડાઈ ગયો અને એડવોકેટ કિરીટભાઈ જોશીની હત્યા કેસમાં ત્રણ આરોપીઓને જામનગર પોલીસે કલકત્તામાંથી દબોચી લઇ ૧૨ દિવસના રિમાન્ડ પર લઈને જુદી જુદી દિશામાં તપાસનો દોર આગળ વધાર્યો છે. પકડાયેલા આરોપીઓએ હત્યાને અંજામ આપ્યા બાદ ચાર દેશ અને સાત રાજ્યોમાં રોકાયા હોવાની અગાઉ કબુલાત આપી હતી. આ દિશામાં કરેલી તપાસમાં પોલીસની કડીઓ મળી હતી.

આરોપીઓ દ્વારા બોગસ દસ્તાવેજોના આધારે પાસપોર્ટ ઓફિસમાં ખરા તરીકે ઉપયોગ કરીને પાસપોર્ટ બનાવ્યાનું તપાસ દરમિયાન ખુલવા પામ્યું છે, આથી જયેશ પટેલ અને હત્યા કેસના ત્રણ આરોપીઓ વિરુદ્ધ વધુ એક ફરિયાદ સિટી પોલીસમાં દાખલ કરવામાં આવી છે.

જેની વિગત અનુસાર, જામનગરના ગ્રામ્યના ડીવાયએસપી કુણાલ દેસાઈ દ્વારા સીટી એ ડીવીઝનમાં અમદાવાદના કૃષ્ણનગર, નરોડા, પાસર્વનાથ, સનરાઇઝ પાર્ક ખાતે રહેતા આરોપી દિલીપ નટવર પુજારા-ઠક્કર, સનરાઇઝ પાર્ક ખાતે રહેતા હાર્દિક નટવર પુજારા-ઠક્કર, અમદાવાદના સૈજપુર-બોધા, કુબેરદાસની મોદીની જૂની ચાલી, પોસ્ટ ઓફિસ બાજુમાં રહેતો જયંતકુમાર અમૃત ચારણ ગઢવી, અને લોઠીયા ગામના વતની, જામનગરના સરદાર પટેલ સોસાયટી, ધનેશ્વર રેસિડેન્સી, ફ્લેટ નંબર 401 ખાતે રહેતા જયસુખ ઉર્ફે જયેશ મુળજી રાણપરીયા પટેલ તથા તપાસમાં જે નામ ખૂલે તે તમામની સામે આઇપીસી કલમ-૧૨૦ (બી), ૪૨૦, ૪૬૫, 468, 471 મુજબ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ ગુનાહીત કાવત્રુ રચી બનાવટી આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, જન્મ તારીખના દાખલા, પાસપોર્ટ જે બનાવટી ડોક્યુમેન્ટ કરીને ઠગાઇ કરવાના હેતુથી આ બોગસ દસ્તાવેજના આધારે પાસપોર્ટ ઓફિસમાં ખરા તરીકે રજૂ કર્યા હતા અને જેના આધારે પાસપોર્ટ નંબર-યુ 4311659, પાસપોર્ટ નંબર યુ-4311660, પાસપોર્ટ નંબર યુ-4311661 ના બનાવી ગુનો કર્યો હતો. આ ફરિયાદની તપાસ જામનગર એસઓજી પી.આઈ. નિનામા તથા સ્ટાફ દ્વારા ચલાવવામાં આવી રહી છે, આમ જયેશ પટેલ અને તેના ત્રણ સાગરિતો સામે વધુ એક ગુનો દાખલ થતા ચકચાર ફેલાઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS