થોરાળામાં દારૂ સાથે બાઈટિંગ પીરસતા વધુ એક બાર પર દરોડો: સાત પીધેલા પકડાય

  • January 29, 2024 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં વધુ એક દેશી દારૂના બાર પર થોરાળા પોલીસે છાપો મારી સાત શખસોને પીધેલા પકડી પાડયા હતા. મકાનની છત પર મંડાયેલી મદિરાની મહેફિલમાં શીંગ, દાળિયા, વેફર્સ જેવી ચીજો પણ બાઈટિંગમાં પીરસાતી હતી. જેટલો પીવો હોય એટલો પીવોની માફક દારૂ ભરેલું આખું કેન હતું અને ગ્લાસમાં દારૂની ચૂસ્કીઓ લેવાતી હોવાના ફિલ્મ દ્રશ્યો જોઈને પોલીસ ચોંકી ઉઠી હતી. સાતેય શખસોની ધરપકડ કરાઈ હતી.
નવા થોરાળા મેઈન રોડ પર વિનોદનગર શેરી નં.૧માં રહેતા મહેશ ઉર્ફે લાલો મુળજીભાઈ પરમારના મકાનમાં દારૂની મહેફિલ જામી હોવાની માહિતી મળતા પીએસઆઈ પી.એમ.રાઠવા, જમાદાર પ્રકાશભાઈ દેવાયતભાઈ ખાંભરા, સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. રાત્રીના દશેક વાગ્યા બાદ પોલીસ પંચોને લઈને મકાનમાં પહોંચી હતી. મકાનની છત પર અવાજ થતો હોવાથી પોલીસ કાફલો છત પર પહોંચ્યો હતો. જયાં ઘરધણી તેમજ દેશી દારૂના બાર પર પીવા આવેલા છ શખસો પ્લાસ્ટિકના ગ્લાસમાં દારૂની ચૂસ્કી લેતાં હતા.

ગોળ રાઉન્ડ કરીને બેઠેલા શખસો પાસે શીંગ–દાળિયા તથા વેફરના ખુલેલા પેકેટ પણ હતા. દારૂની ચૂસ્કી સાથે બાઈટિંગ પણ પીરસાતું હતું. ત્યાં જ દારૂનું ભરેલું આખુ કેન પણ પડયું હતું. ખુલ્લ ેઆમ ચાલતા આવા બારને જોઈને પોલીસ ચકિત થઈ ગઈ હતી.

પીવા બેઠેલા ઘરધણી મહેશ ઉર્ફે લાલો ઉપરાંત પીવા આવેલ નવા થોરાળા વિસ્તારના સુખદેવ ઉર્ફે અકુ હકાભાઈ પરમાર, રસિક ચકુભાઈ ચાવડા, વિશાલ ધનસુખભાઈ વાઘેલા તથા રેલનગર–૧૪માં રહેતા મુકેશ રામજી પરમાર, ભગવતીપરા મેઈન રોડ પર રહેતા અલ્તાફ અબ્બાસભાઈ રાઉમા, માંડા ડુંગર પાસે રહેતા યુપીના વતની કનૈયાલાલ સંતરામ જયસ્વાલને પીધેલી હાલતમાં પકડી પાડયા હતા.
દેશી દારૂનું પીઠું ગણાતા થોરાળા વિસ્તારમાં થોડા દિવસ પૂર્વે પણ આવી જ ઢબે ચાલતા દેશી દારૂના બાર પર થોરાળા પોલીસે રેઈડ કરી હતી. ત્યાં ફરી ગત રાત્રે વધુ એક આવો જ બાર પકડાયો છે. સાતેય શખસો સામે પ્રોહિબિશન એકટ હેઠળ ગુના નોંધી ધરપકડ કરાઈ હતી. ૨૫ લીટર દારૂ ભરેલું કેન, ગ્લાસ સહિતની વસ્તુઓ કબજે લેવાઈ હતી. પકડાયેલા શખસો મજૂરી કે આવું કામ કરતા હોવાનું જાણવા મળે છે. પોલીસે પકડયા ત્યારે પણ તમામના નશામાં જીભ અને પગ બન્ને લથડિયા ખાતા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application