લોકશાહીના પર્વમાં મતાધિકારના મહત્વને ઉજાગર કરતો એક પ્રેરણાદાયી કિસ્સો મોરબી જિલ્લાના અણીયારી ગામે જોવા મળ્યો છે. જીવનના અત્યંત મહત્વના એવા લગ્ન પ્રસંગના વ્યસ્ત સમયગાળા વચ્ચે પણ રાષ્ટ્ર પ્રત્યેની ફરજને સર્વોપરી ગણીને અણીયારી ગામના એક જાગૃત યુવાને જાન લઈને પરણવા જતા પહેલા મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
મોરબીના અણીયારી ગામના રહેવાસી પ્રેમજીભાઈ હરજીવનભાઈ અહલગામાના આજે લગ્ન નિર્ધારિત છે. મંગળ ફેરા પૂર્વે અને માળિયાના ભારતનગર ગામે જાન પ્રસ્થાન કરે તે પહેલા, વરરાજાના વેશમાં સજ્જ પ્રેમજીભાઈએ અણીયારી ગામની પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથકે પહોંચ્યા હતા. શરણાઈઓના સૂર અને લગ્નના ઉત્સાહ વચ્ચે તેમણે સૌ પ્રથમ મતાધિકારનો ઉપયોગ કરી પોતાની આંગળી પર અમિટ શાહીનું નિશાન અંકિત કરાવ્યું હતું.
લગ્ન જેવા અંગત અને મહત્વના પ્રસંગે પણ ‘પહેલા મતદાન’ના સંકલ્પને વરેલા આ યુવાને અન્ય મતદારોને એક અનોખો સંદેશ આપ્યો છે કે, સામાજિક જવાબદારીઓની સાથે નાગરિક તરીકેની ફરજ બજાવવી તે લોકશાહીના સશક્તિકરણ માટે અનિવાર્ય છે. મતદાનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ તેઓ પોતાના પરિવાર સાથે જાન લઈને કન્યા પક્ષના ઘરે રવાના થયા હતા, જે દર્શાવે છે કે જાગૃત નાગરિક માટે લોકશાહીનું પર્વ એ કોઈ પણ સામાજિક અવસર જેટલું જ મહત્વનું છે.