આણંદઃ ફૂડ વિભાગની કાર્યવાહી, ચિખોદરાના મંથન ડેરીમાંથી ભેળસેળ યુક્ત 700 કિ.ગ્રા. શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

  • September 30, 2023 11:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટીબદ્ધ છે. તાજેતરમાં જ ખોરાક ઔષધ નિયમન તંત્રની આણંદ વર્તુળ કચેરીના અધિકારીશ્રીઓ દ્વારા મુ.પો. ચિખોદરા, તા.જિ. આણંદ ખાતે આવેલી મે. મંથન ડેરીમાંથી ઘી અને દૂધનો મળી અંદાજે રૂ. ૪.૫૫ લાખની કિંમતનો ૭૦૦ કિ.ગ્રા. ભેળશેળવાળો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગાંધીનગર ફૂડ ટીમ અને પાટણ વર્તુળ કચેરી દ્વારા સંયુક્ત રીતે પાટણ ખાતેની મે. બહુચર ટ્રેડર્સમાં સફળ રેડ કરીને આશરે રૂ. ૧૩ હજારની કિંમતનો ૧૫૦ કિ.ગ્રા ભેળશેળવાળા પામોલીન તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.


રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવેલી બંને સફળ રેડનો કુલ મળી આશરે રૂ. ૪.૬૮ લાખથી વધુની કિંમતનો ૮૫૦ કિ.ગ્રા ભેળશેળવાળો ખાદ્યપદાર્થનો જથ્થો જપ્ત કરી કાયદા મુજબ નમૂનાઓના પૃથ્થ્કરણ માટે લેવામાં આવ્યા છે. આ ખાદ્યપદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ પણ ચાલી રહી છે.


તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, આણંદ વર્તુળ કચેરીને ચિખોદરા ગામમાં આવેલી મે. મંથન ડેરીમાં દૂધ અને દૂધની બનાવટોમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે આણંદ વર્તુળ કચેરીના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા મે. મંથન ડેરીમાં સફળ રેડ કરી પેઢીના માલિક મનિષ ત્રિવેદીની હાજરીમાં લેબલ વિનાના ઘીના ૧૫ કિલોગ્રામના ડબ્બામાંથી ૨ નમૂનાઓ અને ૧ બફેલો મિલ્કના એમ કુલ ૩ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ અંતર્ગત રૂ. ૪.૫૫ લાખની કિંમતનો ૭૦૦ કિ.ગ્રાનો શંકાસ્પદ જથ્થો સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો હતો.


આ ઉપરાંત પાટણ ખાતે પણ ગાંધીનગરની ફૂડ ટીમ તેમજ પાટણ વર્તુળ કચેરીની ટીમે બાતમીના આધારે સંયુક્ત રીતે મે. બહુચર ટ્રેડર્સમાં પેઢીના માલિક કૃણાલભાઈ કૃષ્ણલાલ મોદીની હાજરીમાં તપાસ કરી પામોલીન તેલનો એક નમૂનો, સોયાબીન તેલના બે નમૂના અને રાયડા તેલનો એક નમૂનો એમ કુલ ૪ નમૂનાઓ પૃથક્કરણ માટે લેવામાં આવ્યા હતાં. ત્યારબાદ લેબલ વગરનાં પામોલીન તેલનો રૂ. ૧૩ હજારની કિંમતનો ૧૫૦ કિ.ગ્રા શંકાસ્પદ જથ્થો સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application