ઇકોસિસ્ટમ, લુપ્તપ્રાય વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિને બચાવવા અને પર્યાવરણનું જતન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલમાં મૂકી છે. જેના ફળરૂપે છેલ્લા દોઢ દાયકાથી વન્ય પ્રાણીઓ માટે ગુજરાત વધુ સુરક્ષિત રાજ્ય બન્યું છે. આજે ગુજરાતમાં એશિયાઈ સિંહ, નીલગાય, વાંદરા, કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા, વરૂ, ઘુડખર, ડોલ્ફિન, સર્પ જેવી વિવિધ પ્રજાતિઓની અંદાજિત ૫.૬૫ લાખથી વધુ વસ્તી નોંધાઈ છે, જે ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે. ગુજરાત સહિત વિશ્વભરમાં દર વર્ષે તા. ૩ માર્ચના રોજ “વિશ્વ વન્યજીવન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત વિશ્વની વન્ય પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિઓ અંગે લોકજાગૃતની સાથે તેમનું સંરક્ષણ-સંવર્ધન થઈ શકે તેવી પ્રવૃતિઓ કરવામાં આવે છે.
વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશ પટેલના માર્ગદર્શનમાં વન વિભાગ સહિત વિવિધ પ્રાણીપ્રેમી સંસ્થાઓ દ્વારા પ્રાણી સંવર્ધન અને સંરક્ષણની પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. જેના પરિણામ સ્વરૂપ રાજ્યમાં છેલ્લે વર્ષ ૨૦૨૦માં થયેલી વન્યજીવ વસ્તી ગણતરી મુજબ એશિયાઈ સિંહની સંખ્યા ૬૭૪થી વધુ, જ્યારે વસ્તી અંદાજ-ગણતરી વર્ષ ૨૦૨૩ મુજબ નીલગાય ૨.૨૪ લાખથી વધુ, વાંદરા બે લાખથી વધુ તેમજ જંગલી સુવર અને ચિત્તલ એક લાખથી વધુ જોવા મળ્યા હતા.
આ ઉપરાંત ૯,૧૭૦ કાળીયાર, ૮,૨૨૧ સાંભર, ૬,૨૦૮ ચિંકારા, ૨,૨૯૯ શિયાળ, ૨,૨૭૪ દિપડા, ૨,૨૭૨ લોંકડી, ૧,૪૮૪ વણીયર, ૧,૦૦૦થી વધુ ચોશીંગા તેમજ ૨૨૨ વરૂ રાજ્યમાં નોંધાયા છે. ઉપરાંત ગત વર્ષ ૨૦૨૪માં યોજાયેલી ગણતરી મુજબ ૭,૬૭૨ જેટલા ઘુડખર, ભારતીય કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ અને સો-સ્કેલ્ડ વાયપર જેવા ૩૦૦થી વધારે ઝેરી સર્પો અને ૬૮૦ જેટલી ડોલ્ફિન સહિત ગુજરાતમાં કુલ ૫.૬૫ લાખથી વધુ પ્રાણીઓ નોંધાયા છે. જે સમગ્ર રાજ્ય માટે વન્યજીવ પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ છે.
રાજ્ય સરકારે હર હંમેશ વન્યજીવ અને સમગ્ર પ્રાણીસૃષ્ટીની ચિંતા કરી અને તેમના જતન માટે અનેક પ્રયાસ કર્યા છે. રાજ્યના જંગલોમાં ઘણા દુલર્ભ અને સંવેદનશીલ પ્રાણીઓ જોવા મળે છે, જેમાં ભારતીય વરૂનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં વન વિભાગ અને ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (‘ગીર’) ફાઉન્ડેશન દ્વારા મહત્વની પહેલ થકી વર્ષ ૨૦૨૩માં રાજ્યમાં વરૂ વસ્તી ગણતરી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના ૧૩ જિલ્લામાં અંદાજે ૨૨૨ વરૂ નોંધાયા છે. જેમાં સૌથી વધુ ૮૦ વરૂ ભાવનગર જિલ્લામાં નોંધાયા છે. જ્યારે ૩૯ નર્મદા જિલ્લામાં, ૩૬ બનાસકાંઠામાં, ૧૮ સુરેન્દ્રનગરમાં, ૧૨-૧૨ જામનગર અને મોરબીમાં તેમજ ૦૯ કચ્છ જિલ્લામાં વરૂ જોવા મળ્યા છે. ઉપરાંત પોરબંદર, મહેસાણા, નવસારી, પાટણ, અરવલ્લી અને સુરત જિલ્લામાં પણ વરૂનું અસ્તિત્વ નોંધાયું છે.
દેશમાં એક માત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખર એ રાજ્યનું ગૌરવ છે. ગુજરાત સરકારના અવિરત પ્રયાસ તેમજ વિવિધ જાગૃતતા અભિયાનોના પરિણામે રાજ્યમાં ૭,૬૭૨ જેટલી ઘુડખરની વસ્તીમાં નોંધાઈ છે, એટલે કે અંદાજે ૨૬.૧૪ ટકાનો વધારો થયો છે. ઘુડખર મુખ્યત્વે રાજ્યના ૬ જિલ્લાઓમાં જોવા મળે છે, જેમાં ૨,૭૦૫ ઘુડખર સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં વસવાટ કરે છે. જ્યારે ૧,૯૯૩ ઘુડખર કચ્છ જિલ્લામાં, ૧,૬૧૫ પાટણમાં, ૭૧૦ બનાસકાંઠામાં, ૬૪૨ મોરબીમાં તેમજ ૦૭ ઘુડખર અમદાવાદ જિલ્લામાં જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, ઘુડખર વસ્તી ગણતરી અંદાજ મુજબ વર્ષ ૧૯૭૬માં ૭૨૦ ઘુડખર, વર્ષ ૧૯૮૩માં ૧,૯૮૯, વર્ષ ૧૯૯૦માં ૨,૦૭૨, વર્ષ ૧૯૯૯માં ૨,૮૩૯, વર્ષ ૨૦૧૪માં ૪,૪૫૧, વર્ષ ૨૦૨૦માં ૬,૦૮૨ ઘુડખર નોંધાયા હતા. જેમાં વર્ષ ૨૦૨૪માં ઉત્તરોત્તર વધારો થઈને ગુજરાતમાં છેલ્લી ગણતરી મુજબ ૭,૬૭૨ જેટલા ઘુડખર નોંધાયા છે.
ગુજરાત સૌથી લાંબો સમુદ્રી કિનારો ધરાવતો હોવાના લીધે સમૃદ્ધ જળચર પ્રાણી વારસો એટલે કે, અનેક દુર્લભ જળચર પ્રાણીઓ જોવા મળે છે. જેમાં સૌથી સુંદર અને આકર્ષક પ્રાણી છે ‘ડોલ્ફિન’. તાજેતરમાં ગુજરાત વન વિભાગ દ્વારા ગુજરાતમાં ડોલ્ફિનની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. જળચર-વન્ય જીવ સંરક્ષણ અને સંવર્ધનના વિશેષ પ્રયાસોના પરિણામે ગુજરાતના ૪,૦૮૭ ચો. કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે ૬૮૦ ડોલ્ફિન નોંધાઈ છે. સ્વસ્થ ઇકોસિસ્ટમ માટે ડોલ્ફિન ખુબ જ મહત્વનું જળચર પ્રાણી છે. જે સમુદ્રી ઇકોસિસ્ટમમાં સંતુલન સુનિશ્ચિત કરવામાં પણ મદદ કરે છે. ગુજરાતના દરિયા કિનારે જોવા મળતી ડોલ્ફિન દેશ - વિદેશના પ્રવાસીઓ માટે નવું આકર્ષણ કેન્દ્ર બની છે. કેન્દ્ર સરકાર દ્વારા કચ્છના બન્ની વિસ્તારમાં ‘ચિત્તા કન્ઝર્વેશન બ્રિડીંગ સેન્ટર’ પણ તૈયાર કરવા મંજૂરી મળી છે, જેનું કામ હાલ પ્રગતિમાં છે. જે ભવિષ્યમાં ચિત્તાના સંરક્ષણ અને સંવર્ધન માટે અગત્યનો ભાગ ભજવશે.
આ ઉપરાંત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ - WHOની માર્ગદર્શિકા મુજબ રાજ્યમાં વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે સૌપ્રથમ “સર્પ સંશોધન સંસ્થાન”ની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં સર્પદંશને લગતા સંશોધન, નિવારણ, નિદાન, સારવાર, પુનર્વસન તેમજ ગુજરાત અને પડોશી રાજ્યોના મેડિકલ અધિકારીઓને સર્પદંશના ઉપચાર તથા વ્યવસ્થાપન અંગે તાલીમ આપવાની કામગીરી કરવામાં આવે છે. આ સર્પ સંશોધન સંસ્થાનમાં હાલમાં લગભગ ૩૦૦થી વધારે ઝેરી સાપ રખાયા છે, જેની સંખ્યા ભવિષ્યમાં ૩,૦૦૦ સુધી લઈ જવામાં આવશે. અહીં WHOની માર્ગદર્શિકા અનુસાર સાપમાંથી વેનમ કલેક્શનની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ધરમપુર ખાતેના આ સર્પ સંશોધન સંસ્થાનમાં મુખ્ય ચાર ઝેરી સાપોને રાખવામાં આવે છે. જેમાં ભારતીય કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ વાયપર અને સો-સ્કેલ્ડ વાયપરનો સમાવેશ થાય છે, એમ વન વિભાગની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની તમામ કોર્ટમાં આગામી તા.૦૮ માર્ચના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન
February 27, 2025 05:27 PMજામનગર : ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતે "વિશ્વ કેન્સર દિવસ" ની ઉજવણી કરાઈ
February 27, 2025 05:09 PMજામનગર : ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું
February 27, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech