ઠેબા પાસે ડમ્પરે બે બાઇકને હડફેટે લેતા એક વૃઘ્ધનું મોત: એકને ઇજા

  • January 29, 2025 10:25 AM 

ત્રિપલ અકસ્માત સર્જાયો : રણજીતનગરમાં વાહન હડફેટે વૃઘ્ધને ઇજા : શાપર પાટીયે કારે બાઇકને ઠોકર મારી


જામનગરના ઠેબા આઇઓસી પંપથી આગળના રોડ પર ગઇકાલે બપોરે એક ડમ્પરે બે મોટરસાયકલને હડફેટે લેતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વૃઘ્ધનું ગંભીર ઇજા સબબ મૃત્યુ થયુ હતું અને અન્ય એક બાઇકચાલકને ઇજા થતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા, આ બનાવ અંગે ડમ્પરના ચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે. જયારે રણજીતનગર વિસ્તારમાં કારચાલકે ગફલતભરી રીતે ચલાવીને વૃઘ્ધને ઠોકર મારી શરીરે ઇજા પહોચાડી હતી. તેમજ શાપર પાટીયા પાસે કારની હડફેટે આધેડને ફ્રેકચર જેવી ઇજા થઇ હતી જે અંગે ચાલક સામે ફરીયાદ નોંધાવી છે.


મુળ કલ્યાણપુરના રાવલ ગામ, બારીયાધારના વતની અને હાલ કાલાવડના સણોસરા ગામના પાટીયા પાસે ભડીયા ખાતે રહેતા દેવાભાઇ સુકાભાઇ ગામી (ઉ.વ.23) નામના કોળી યુવાને ગઇકાલે પંચ-એમાં ટ્રક ડમ્પર નં. જીજે13એડબલ્યુ-4897ના ચાલક સામે ફરીયાદ કરી હતી.


આ અંગેની વિગત મુજબ ગઇકાલે બપોરના સુમારે ઠેબા ગામ આઇઓસી પમ્પથી આગળના હાઇવે પર ઉપરોકત નંબરના ડમ્પરના ચાલકે પોતાનું વાહન પુરઝડપે, ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના પિતા સુકાભાઇના મોટરસાયકલ નં. જીજે-10-ડીડી-3800 સાથે ભટકાડી હડફેટે લીધા હતા.


તેમજ બીજા મોટરસાયકલ નં. જીજે-10-ડીપી-8774 ને પણ ઠોકર મારી અકસ્માત કર્યો હતો, આ અકસ્માતમાં ફરીયાદીના પિતા સુકાભાઇને વાંસા, કમર, પેટના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નિપજયુ હતું, જયારે બીજા મોટરસાયકલના ચાલકે શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા, બનાવની જાણ થતા આજુબાજુના લોકો, 108ની ટીમ અને પોલીસ ટુકડી દોડી ગઇ હતી.


અકસ્માતના બીજા બનાવમાં જામનગરના રણજીતનગર જુનો હુડકો ખાતે રહેતા ઇન્દ્રનંદ જેઠાનંદ ભાગચંદાણી (ઉ.વ.62) નામના વૃઘ્ધ બે દિવસ પહેલા રણજીતનગરમાં હરસિઘ્ધી માતાજીના મંદિરેથી પોતાના ઘરે ચાલીને જતા હતા ત્યારે રણજીતનગર સરકારી નિશાળની બાજુમાં પહોચતા એક અજાણી ફોરવ્હીલના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી ફરીયાદીને ઠોકર મારીને નીચે પછાડી દીધા હતા જેથી ફરીયાદીને પાંસડી, હાથના ભાગે ઇજાઓ પહોચી હતી, આ અંગે ઇન્દ્રનંદભાઇ દ્વારા અજાણ્યા કારચાલક સામે ફરીયાદ કરી હતી.


ત્રીજા બનાવમાં મુળ એમપીના ખેરીયામાલી ગામના વતની અને હાલ શાપર વાડી વિસ્તારમાં રહેતા ઢોકળીભાઇ નાનયાભાઇ મુવેલ (ઉ.વ.52) તેમનું મોટરસાયકલલ લઇને ગત તા. 3ના રોજ શાપર પાટીયેથી વાડીએ જતા હતા, ત્યારે ફોરવ્હીલના ચાલકે બેફીકરાઇથી, સ્પીડમાં ચલાવીને હડફેટે લેતા ફરીયાદીને પગમાં ફ્રેકચર જેવી ઇજા પહોચી હતી, આ અંગે ઢોકળીભાઇ દ્વારા સિકકા પોલીસ સ્ટેશનમાં ગઇકાલે વનર્િ કાર નં. જીજે37જે-6121ના ચાલક સામે ફરીયાદ કરી હતી. જેના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application