ખંભાળિયામાં જિલ્લા એન.એસ.યુ.આઈ. દ્વારા ખાનગી શાળા-કોલેજોમાં ફી માફીની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું

  • July 06, 2021 09:38 AM 

કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા અને ખાસ કરીને બાળકોમાં ચેપ ન ફેલાય તે માટે સરકાર દ્વારા રાજ્યમાં આવેલી તમામ શાળા-કોલેજો લોકડાઉન પહેલાથી બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. શાળા-કોલેજો બંધ કરવામાં આવી ત્યારથી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને ઇલેક્ટ્રિસિટી, પાણી, ટ્રાન્સપોર્ટેશન, સફાઈ વિગેરે જેવા દૈનિક ખર્ચાઓ થતાં નથી. બીજી બાજુ લોકડાઉનના કારણે મધ્યમ અને નાના વર્ગના નોકરી-ધંધા-રોજગાર કરતા પરિવારો આર્થિક સંકળામણ ભોગવી રહ્યા છે. આવા પરિવારોને રાહત આપવા ખાનગી શાળા સંચાલકો વાલીઓ પાસેથી ફી ના ઉઘરાવે તે માટે વાલી મંડળના પ્રતિનિધિઓ કે વાલીઓના અભિપ્રાય લીધા સિવાય રાજ્ય સરકારે ખાનગી શાળા-કોલેજના સંચાલકો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સંચાલકોની અનુકૂળતા મુજબ આગામી શૈક્ષણિક વર્ષની ફી ન વધારવાનું સ્વીકારીને અનુકૂળતા કરી આપવામાં આવી છે.

આ મુદ્દે કરવામાં આવતા આક્ષેપો મુજબ સરકારે રચેલી ફી નિયમન સમિતિમાં મળતીયાઓને મૂકીને ખાનગી શાળાઓને જાણે લાખો રૂપિયાની ફી ઉઘરાવવાના પરવાના અગાઉથી જ આપેલ છે  એટલે એક વર્ષ આવી શાળાઓ ફીમાં વધારો ન કરે તો તેને કોઈ ફેર પડવાનો નથી. એકબાજુ ખાનગી શાળા સંચાલકો દ્વારા સરકારને કોરોનામાં મદદરૂપ થવા દાન કરવામાં આવે છે અને બીજી બાજુ કોરોના મહામારીની વચ્ચે નાના અને મધ્યમ વર્ગના પરિવારોને જીવન નિર્વાહના ફાફાં છે, તેવા સમયે અમુક મોટી શાળાઓ દ્વારા હાલ એડવાન્સ ફી જમા કરાવવાના સંદેશાઓ પાઠવવામાં આવી રહ્યા છે.

આ પરિસ્થિતિઓમાં આગામી સમયમાં પણ એન.એસ.યુ.આઈ.ના જિલ્લા પ્રમુખો અને હોદ્દેદારો દ્વારા તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ અનેક વખત પત્રો લખીને ખાનગી શાળા કોલેજોમાં અભ્યાસ કરતા મધ્યમ અને નાના વર્ગના બાળકોના પરિવારને રાહત મળી રહે તે માટે ફી માફ કરવાની માંગણી કરવામાં આવી હતી. તેમ છતાં પણ આ બાબતે કોઈ હકારાત્મક નિર્ણય લેવાયો નથી.

હાલ શાળા કોલેજો બંધ રાખવાના આદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. આગામી સમયમાં શાળા-કોલેજો ક્યારે શરૂ થશે તે હજુ નક્કી નથી. એટલે કે બાળકોના આરોગ્યને ધ્યાનમાં લઈને આ મહામારીમા શાળા-કોલેજો સૌથી પહેલા બંધ કરવામાં આવી હતી અને સૌથી છેલ્લે શરૂ કરવામાં આવે તેવી સંભાવના છે. લાખો રૂપિયાની ફી ઉઘરાવતી ખાનગી શાળા કોલેજોમાં બાળકો અભ્યાસ કરવા માટે જવાના જ નથી. તેવા સમય સરકારી અને ખાનગી શાળા કોલેજ સંચાલકો કોરોનાના કપરા કાળમાં ઓનલાઇન શિક્ષણના નામે નાના અને મધ્યમ વર્ગના ગરીબ પરિવારોને લૂટે નહિ અને ધંધા રોજગાર બંધ છે, તેવા સમયે ગરીબ પરિવારના બાળકોને રાહત મળી રહે તે માટે એન.એસ.યુ.આઈ. દ્વારા 25% ફી શાળા- કોલેજો તરફથી માફ કરવામાં આવે તેમજ બાકીની 25% ફી રાજ્ય સરકાર દ્વારા એમ મળીને કુલ 50% ફી માફ થાય તથા કોરોનાના કારણે કોઇ વિધ્યાર્થીના માતા અથવા પિતા કે ઘરમાં મુખ્ય કમાનાર વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો તેવા વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી શાળા-કોલેજો દ્વારા માફ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એન.એસ.યુ.આઈ. આ લડત ચલાવી રહ્યું છે અને તેમને ન્યાય અપાવવા માટે આગામી સમયમાં પણ આ જ રીતે લડત ચલાવવામાં આવશે તેમ વધુમાં જણાવાયું છે.

આ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા એન.એસ.યુ.આઈ. ના પ્રમુખ દાનાભાઇ માડમની આગેવાની હેઠળ કોંગ્રેસ પ્રમુખ યાસીનભાઈ ગજ્જન , પ્રદેશ કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઇ આંબલિયા, ગોવિંદ આંબલિયા, ચેતન જગતિયા, રાજેશ ગોજીયા, યુવરાજસિંહ વાઢેર, રાજશી કંડોરીયા, હિતેષ નકુમ, જતિન ગોસાઇ, ગોવિંદ કણઝારીયા, કપિલ ત્રિવેદી સહિત એન.એસ.યુ.આઈ. ના કાર્યકરો અને વાલીઓ જોડાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS