વિશ્વના કુલ 25% તેલ અને ગેસનો પુરવઠો જ્યાંથી પસાર થાય છે તે હોર્મુઝનો માર્ગ ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષને કારણે છેલ્લા બે મહિનાથી પ્રભાવિત છે. ઈરાન આ 34 કિમી પહોળા માર્ગ પર ત્રણ ટાપુઓ દ્વારા નિયંત્રણ ધરાવે છે. વેપાર ઠપ થતા સાઉદી, ઓમાન અને UAE એ હવે રણની વચ્ચેથી માલસામાન પહોંચાડવા માટે મોટું અભિયાન શરૂ કર્યું છે.
કેવી રીતે કામ કરી રહ્યો છે આ નવો માર્ગ?
વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ આ નવો રૂટ દરિયાઈ અને જમીની માર્ગનો સમન્વય છે:
ટ્રક ટ્રાન્સપોર્ટ: દરરોજ અંદાજે 3,500 માલવાહક ટ્રકો રણ વિસ્તારમાંથી પસાર થઈ રહી છે.
રૂટની વિગત: UAE ના ફુજૈરાહ અને ખોર ફાક્કન પોર્ટ પરથી સામાન ઉપાડ્યા પછી ટ્રકો ઓમાન ઈન્ટરલિંક થઈને સાઉદી અરેબિયાના લાલ સમુદ્ર (Red Sea) પર આવેલા પોર્ટ સુધી પહોંચે છે.
દરિયાઈ સફર: સાઉદીના પોર્ટ પર પહોંચ્યા પછી, માલસામાનને ફરીથી જહાજોમાં લોડ કરીને સ્વેઝ નહેર અને ઓમાનની ખાડી તરફ મોકલવામાં આવે છે.
કયા સામાનની સપ્લાય થઈ રહી છે?
આ રસ્તાનો ઉપયોગ મુખ્યત્વે જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે કરવામાં આવી રહ્યો છે. મોટાભાગની ટ્રકોમાં ખાદ્ય પદાર્થો અને કૃષિ સંબંધિત સાધનો હોય છે. આ માર્ગ દ્વારા માત્ર UAE જ નહીં, પણ સાઉદી, કુવૈત અને ઓમાનનો સામાન પણ વિશ્વના દેશો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે દરિયાઈ માર્ગની સરખામણીએ આ રોડ રૂટ મોંઘો જરૂર છે, પરંતુ સંપૂર્ણ સુરક્ષિત છે.
ખાડીના દેશોના અર્થતંત્ર પર અસર
હોર્મુઝનો માર્ગ બંધ થવાથી સાઉદી અરેબિયા, ઈરાક, કુવૈત, કતાર અને UAE ના તેલ અને ગેસના વેપાર પર માઠી અસર પડી છે. સાઉદી અરેબિયાએ પાઈપલાઈન દ્વારા તેલ વેચવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ એકંદરે કમાણીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઈરાન આ માર્ગને કંટ્રોલ કરતું હોવાથી અને અમેરિકા સાથેના પરમાણુ કરારમાં કોઈ ઉકેલ ન આવતા સપ્લાય ચેઈન અસ્તવ્યસ્ત બની ગઈ છે.
આ વૈકલ્પિક માર્ગે સાબિત કરી દીધું છે કે ખાડીના દેશો હવે માત્ર દરિયાઈ માર્ગો પર નિર્ભર રહેવાને બદલે જમીની માર્ગો દ્વારા પણ વૈશ્વિક વેપાર ચાલુ રાખવાની ક્ષમતા કેળવી રહ્યા છે.