જામનગર જિલ્લાને સ્વચ્છ ભારત મીશન ફેઝ-૨ની રૂ.૧૫.૭૬ લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. આ ગ્રાન્ટનો ઉપયોગ ૧૦૦ ટકા બાંધકામ પૂર્ણ થયેલા શૌચાલયના ચૂકવણા માટે કરવા ખાસ સૂચના આપવામાં આવી છે. ગ્રાન્ટના બીજા હપ્તાની માંગણી સમયે પાછલા વર્ષનો ઓડીટ રિપોર્ટ અને ચાલુ વર્ષના ગ્રાન્ટનો ખર્ચ રજૂ કરવાનો રહેશે.
રાજયની સ્વચ્છ ભારત મીશન ગ્રામીણ કમિશ્નર ગ્રામ વિકાસ કચેરી દ્રારા તાજેતરમાં સ્વચ્છ ભારત મીશન ફેઝ-૨ હેઠળ ૬૦ ટકા કેન્દ્રની અને ૪૦ ટકા રાજયના ફાળાની ગ્રાન્ટ રીલીઝ કરવામાં આવી છે. જે અંતર્ગત ગ્રામ વિકાસ કચેરીના કમિશ્નર અને અગ્રસચિવની ઇ-સરકારમાં ફાઇલ પર મળેલી મંજૂરી અન્વયે જામનગર સહીત અમદાવાદ, અમરેલી, અરવલ્લી, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, જૂનાગઢ, પોરબંદર, વલસાડને સ્વચ્છ ભારત મીશન-જી ફેઝ-૨ના ૬૦ ટકા કેન્દ્ર અને ૪૦ ટકા રાજય ફાળાની રૂ.૧૨૫ કરોડ પૈકી રૂ.૬.૯૯ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવા આદેશ કરાયો છે. જેમાં જામનગર તાલુકાને રૂ.૧૪.૯૨૨ લાખ અને જોડીયાને રૂ.૮૪૪૦૦ની ગ્રાન્ટ ફાળવણીનો સમાવેશ થાય છે. રાજયની ગ્રામ વિકાસ કમિશ્નર કચેરી દ્રારા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને પાઠવેલા પરિપત્રમાં આ ગ્રાન્ટનો ઉપયોગ તમામ તાલુકા દ્રારા સ્વચ્છ ભારત મીશન ગ્રામીણ અંતર્ગત ૧૦૦ ટકા બાંધકામ પૂર્ણ થયેલા હોય તેવા શૌચાલયના ચૂકવણા ,યોજનાકીય વહીવટી ખર્ચ સહીતના ચૂકવણા માટે જ કરવાનો રહેશે.
તદઉપરાંત ગ્રાન્ટમાંથી કોમ્યુનીટી શોક પીટસ અંગેનો ખર્ચ કરવાનો રહેશે. ખાસ કરીને ગ્રાન્ટના બીજા હપ્તાની માંગણી કરતી વખતે વર્ષ ૨૦૨૪-૨૫ના ઓડીટ રિપોર્ટ તથા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ફાળવેલી ગ્રાન્ટ સામે થયેલા ખર્ચના પ્રોવીઝનલ યુટીસી સમયાંતરે સબમીટ કરવાના રહેશે. આ ગ્રાન્ટનો વપરાશ ફકત સ્વચ્છ ભારત મીશન-જી યોજના માટે કરવાનો રહેશે.
અન્ય કોઇ ખર્ચ ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી કરવાનો રહેશે નહીં. આ ગ્રાન્ટનો ખર્ચ કરતી વખતે રાજય સરકારના આકસ્મિક ખર્ચ અને નાણાકીય નિયમો તેમજ પ્રવર્તમાન સૂચનાનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. ગ્રાન્ટનો ખર્ચ અન્ય કોઇ સદહ હેઠળ લોન તરીકે ટ્રાન્સફર કરીને કરવાનો રહેશે નહીં. ગ્રાન્ટનો ઉપયોગ કરી તેની નોંધ સ્વચ્છ ભારત મીશન ગ્રામીણના એમઆઇએસ પોર્ટલ પર નિયત સમય મર્યાદામાં કરવાની રહેશે.